દેશમાં એક વાર ફરી કોરોનાના કેસ વધી રહ્યા છે. દેશમાં રવિવારે કોરોનાના 2,183 કેસ નોંધાયા હતા. જે શનિવારની સરખામણીએ 89.8% વધારે છે. શનિવારે 1,150 કેસ નોંધાયા હતા. કોરોનાથી મૃતકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. રવિવારે 214 લોકોના મોત નોંધાયા છે. 212 મોક કેરળના બેકલોગ ડેટાની છે જ્યારે એક મોત ઉત્તરપ્રદેશમાં નોંધાયું છે.
લખનઉ-NCRના જિલ્લાઓમાં માસ્ક ફરજિયાત
ઉત્તરપ્રદેશની સીમા સાથે જોડાયેલા અમુક રાજ્યોમાં કોવિડના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એનસીઆરના જિલ્લા અને લખનઉમાં માસ્ક ફરજિયાત પહેરવાના આદેશ આપવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીએ કહ્યું છે કે, એનસીઆરના ગૌતમબુદ્ધ નગર, ગાઝિયાબાગ, હાપુડ, મેરઠ, બુલંદશહર, બાગપત અને લખનઉના મુખ્ય શહેરોમાં જાહેર જગ્યાઓએ માસ્ક પહેરવું ફરજિયાત છે. આ વિસ્તારોમાં જે લોકોને વેક્સિન બાકી છે તેવા લોકોને શોધીને વેક્સિનેટ કરવામાં આવે. પબ્લિક એડ્રેસ સિસ્ટમનો પ્રભાવી રીતે ઉપયોગ કરવામાં આવે. જેનામાં થોડા પણ લક્ષણ દેખાય તેમનું તુરંત ટેસ્ટિંગ કરવામાં આવે. મુખ્યમંત્રી યોગીએ સોમવારે રાજ્યમાં જિલ્લાવાર કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી હતી.
જાન્યુઆરીમાં આવેલી ત્રીજી લહેર પછી સતત 11 સપ્તાહથી કેસ ઘટી રહ્યા હતા. પરંતુ છેલ્લા સાત દિવસથી (11થી 17 એપ્રિલમાં) કોરોનાના કેસમાં 35%નો વધારો થયો છે. જોકે આ કેસ માત્ર દિલ્હી, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં વધી રહ્યા છે.
રવિવારે પૂરા થતાં સપ્તાહમાં દેશમાં અંદાજે 6,610 કોરોના કેસ નોંધાયા છે. તેના ગયા સપ્તાહે દેશમાં 4,900 કેસ મળ્યા હતા. કોરોનાથી થતાં મોતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ગયા સપ્તાહમાં માત્ર 27 લોકોના કોરોના સંક્રમણમાં મોત થયા છે. અહીં 23થી 29 માર્ચ, 2020ના સપ્તાહ પછી એક પણ સપ્તાહમાં સૌથી ઓછા મોત થયા છે. આ પહેલાં ગયા સપ્તાહમાં 54 મોત નોંધાયા છે.