– 2035 સુધીમાં પૃથ્વીના પડોશી લાલ ગ્રહ પર જવા તૈયારી શરૂ
– 3 -ડી પ્રિન્ટેડ ઘરમાં સ્પેસ વોક, કસરત કરવી, આહાર તૈયાર કરીને ભોજન કરવું, નિદ્રા લેવી, વૈજ્ઞાનિક પ્રયોગો કરવા, કૃષિ પાક ઉગાડવા વગેરે તાલીમ લેશે
અમેરિકાની અંતરીક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશને(નાસા) પૃથ્વીના પડોશી ગ્રહ મંગળ પર ૨૦૩૫ સુધીમાં માનવીને મોકલવાની તડામાર તૈયારી શરૂ કરી દીધી છે.
આ તૈયારીરૂપે નાસા ભવિષ્યમાં સૌર મંડળના લાલ ગ્રહ પર માનવ વસાહત બનાવીને તેમાં કઇ રીતે જીવવું તે માટે ચાર સ્વયંસેવકોને ૨૦૨૩ના જૂનથી એક વર્ષ સુધી ખાસ પ્રકારની તાલીમ શરૂ કરશે.
૨૦૩૫માં નાસાના અવકાશયાત્રીઓ મંગળ પર જાય અને નાસા ભવિષ્યમાં આ લાલ રંગી ગ્રહ પર માનવ વસાહત બનાવે તો તે માટે કઇ કઇ જરૂરી બાબતોનો ખ્યાલ રાખવો પડે તેની પૂર્વ તૈયારીરૂપે આ તાલીમ શરૂ થશે.
નાસાએ તેના ચાર સ્વયંસેવકોને ફોર માર્શિયન્સ એવું નામ પણ આપ્યું છે.
ચારેય માર્શિયન્સને તાલીમ આપવા માટે મંગળની ધરતી જેવું જ આબેહૂબ વિશાળ કૃત્રિમ ઘર બનાવ્યું છે જેને નાસાએ ૩ -ડી પ્રિન્ટેડ હેબીટેટ એવું વિશેષ નામ આપ્યું છે. આ કૃત્રિમ ઘરમાં ૧,૨૦૦ ચોરસ ફૂટનું સેન્ડ બોક્સ પણ છે. આ સેન્ડ બોક્સમાં રાતા ગ્રહની ધરતી પર છે તેવી લાલ રંગની માટી પાથરવામાં આવી છે.
આ ૩ -ડી પ્રિન્ટેડ હેબીટેટમાં સૌર મંડળના રાતા ગ્રહ પર છે તેવું જ વાતાવરણ સર્જવામાં આવ્યું છે, જેમાં લાલ રંગની માટી, નબળું પડી ગયેલું વાયુ મંડળ અને ગુરુત્વાકર્ષણ બળ, દિવસ અને રાતનું તાપમાન વગેરે પાસાંનો સમાવેશ થાય છે.
નાસાનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે અમારા ૩ -ડી પ્રન્ટેડ હેબીટેટમાં ચારેય માર્શિયન્સને રહેવા માટેનાં આધુનિક ઘર,રસોડું, તબીબી કેન્દ્ર, જિમ્નેશિયમ(કસરત માટેની શાળા), સ્નાન કરવા બે મોટા બાથરૂમ્સ વગેરે છે.
આ આધુનિક ૩ – ડી પ્રિન્ટેડ હેબીટેટમાં ચારેય માર્શિયન્સ જાણે કે તેઓ મંગળ પર રહે છે તે જ રીતે સઘન તાલીમ આપવામાં આવશે.
આ તાલીમમાં ચારેય માર્શયન્સને સ્પેસ વોક(અંતરીક્ષમાં કઇ રીતે ચાલવું), સંદેશા વ્યવહાર, વૈજ્ઞાનિક પ્રયોગો કરવા, હેબીટેટની સંભાળ રાખવી, આરોગ્યની કાળજી, સમયની ગણતરી સમજવી, આહાર તૈયાર કરવો, ભોજન કરવું, પૂરતી નિદ્રા લેવી, કૃષિના વિવિધ પાક લેવા, રાતા ગ્રહ પર સંશોધન કરવું, હેલિકોપ્ટર જેવા આધુનિક ડ્રોનનું અને રોવિંગ રાબોટનું સંચાલન કરવું વગેરે હશે.