તૂર્કીયેના રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે જાતિવાદ, ઇસ્લામોફોબિયા અને ભેદભાવ પશ્ચિમમાં “કેન્સરની જેમ” ફેલાઈ રહ્યા છે
2013માં તૂર્કીયે દાએશ/ ISISને આતંકવાદી સંગઠન જાહેર કરનારા પ્રથમ દેશોમાંનો એક હતો
તૂર્કીયેના રાષ્ટ્રપતિ એર્દોગાનનું કહેવું છે કે આઈએસઆઈએસનો શંકાસ્પદ પ્રમુખ અબુ હુસૈન અલ-કુરેશી સીરિયામાં માર્યો ગયો છે. તેમણે કહ્યું કે આ પહેલીવાર છે જ્યારે આ અંગે મેં ખુદ જાહેરાત કરી છે. તેને ગઈકાલે MIT દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં ઠાર મરાયો હતો. તેમણે વધુમાં કહ્યું કે તૂર્કીયે કોઈપણ ભેદભાવ વિના આતંકવાદી સંગઠનો સામે તેની લડાઈ ચાલુ રાખશે.
ISIS દ્વારા તૂર્કીયેમાં ઘણા હુમલા કરાયા
એક અહેવાલ અનુસાર 2013માં તૂર્કીયે દાએશ/ ISISને આતંકવાદી સંગઠન જાહેર કરનારા પ્રથમ દેશોમાંનો એક હતો. ત્યારથી દેશમાં આતંકવાદી જૂથ દ્વારા ઘણી વખત હુમલા કરવામાં આવ્યા છે, જેમાં ઓછામાં ઓછા 10 આત્મઘાતી બોમ્બ વિસ્ફોટો, સાત બોમ્બ હુમલા અને ચાર સશસ્ત્ર હુમલાઓમાં 300 થી વધુ લોકો માર્યા ગયા હતા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા.
તૂર્કીયેએ વિદેશોમાં આતંકીઓનો ખાત્મો કરવાની જવાબદારી ઉપાડી
તેના જવાબમાં તૂર્કીયેએ વધુ હુમલાઓને રોકવા માટે દેશ-વિદેશમાં આતંકવાદ વિરોધી અભિયાન શરૂ કર્યું હતું. એક ઈન્ટરવ્યૂમાં તૂર્કીયેના રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે જાતિવાદ, ઇસ્લામોફોબિયા અને ભેદભાવ પશ્ચિમમાં “કેન્સરની જેમ” ફેલાઈ રહ્યા છે. “પશ્ચિમ દેશોએ હજુ સુધી આ ખતરાનો સામનો કરવાના પ્રયાસો કર્યા જ નથી. અહેવાલો અનુસાર વિદેશમાં મુસ્લિમો અને મસ્જિદોને નિશાન બનાવતા દ્વેષપૂર્ણ ભાષણ અને હુમલાઓ પણ વધી રહ્યા છે. એર્દોગાને કહ્યું “મસ્જિદોને આગ લગાડવા અને જાતિવાદી જૂથો દ્વારા પવિત્ર કુરાન શરીફને અપમાનિત કરવાના ઘૃણાસ્પદ કૃત્યોમાં પણ વધારો થયો છે… અમે અમારા નાગરિકોના જીવન અને સંપત્તિની સલામતી સુનિશ્ચિત કરવા માટે દરેક પગલાં લઈ રહ્યા છીએ.