– મોદીને આવકારવા પૂર્વ પીએમ મોરિસ સહિત આખી કેબિનેટ હાજર રહી
– પીએમ મોદીએ સિડનીમાં હેરિસ પાર્કનું નામ બદલીને ‘લિટલ ઈન્ડિયા’ કર્યું,
– બ્રિસ્બેનમાં વાણિજ્ય દુતાવાસ ખોલવામાં આવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઑસ્ટ્રેલિયાના સિડનીમાં મંગળવારે દેશના સૌથી મોટા ઈન્ડોર સ્ટેડિયમ કુડોસ બેન્ક અરેનામાં એક ભવ્ય સમારંભમાં ૨૦,૦૦૦થી વધુ ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં પીએમ મોદીને આવકારવા માટે ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનઝી, ભૂતપૂર્વ પીએમ સ્કોટ મોરિસ સહિત આખી કેબિનેટ હાજર રહી હતી. આ કાર્યક્રમમાં એન્થની અલ્બનીઝે પીએમ મોદી ‘ધ બોસ’ ગણાવ્યા હતા અને કહ્યું કે, ભારતીય પીએમ જ્યાં પણ જાય ત્યાં તેમનું અમેરિકન રોક સ્ટાર બુ્રસ સ્પ્રિંગસ્ટીન જેવું ભવ્ય સ્વાગત થાય છે. પીએમ મોદીએ ભારત-ઑસ્ટ્રેલિયાના સંબંધોને ઐતિહાસિક ગણાવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોના છ દિવસના વિદેશ પ્રવાસના અંતિમ તબક્કાના ભાગરૂપે સોમવારે સિડની પહોંચ્યા હતા. અહીં મંગળવારે ઑસ્ટ્રેલિયાના સૌથી મોટા ઈન્ડોર સ્ટેડિયમ કુડોસ બેન્ક અરેનામાં તેમણે ૨૦,૦૦૦થી વધુ લોકોથી ખીચોખીચ ભરાયેલા સ્ટેડિયમમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. પીએમ મોદી કાર્યક્રમના સ્થળે પહોંચતા ઑસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થની અલ્બનીઝ તેમને ગળે મળીને આવકાર્યા હતા. ભારતીય સમુદાયે પરંપરાગત રીતે મંત્રોચ્ચાર સાથે બંને દેશના વડાપ્રધાનોનું સ્વાગત કર્યું હતું.
પીએમ અલ્બનીઝે વર્ષ ૨૦૧૭માં આ સ્ટેડિયમમાં અમેરિકન રોક સ્ટાર બુ્રસ સ્પ્રિંગસ્ટીનના કાર્યક્રમને યાદ કરવાની સાથે વડાપ્રધાન મોદીને મંચ પર આવકારતા જણાવ્યું હતું કે, ‘મેં છેલ્લી વખત આ સ્ટેડિયમમાં બુ્રસ સ્પ્રિંગ્સ્ટીનને જોયો હતો અને તેને પણ આટલો ભવ્ય આવકાર નહોતો મળ્યો. આજે આખું સ્ટેડિયમ ભારતીય સમુદાયના લોકોથી ખીચોખીય ભરાઈ ગયું છે. વડાપ્રધાન મોદી બોસ છે.’ ૭૩ વર્ષીય અમેરિકન ગાયક સ્પ્રિંગસ્ટીન ‘બોસ’ તરીકે ઓળખાય છે. બુધવારે પીએમ મોદી સાથે દ્વિપક્ષીય બેઠક પહેલાં અલ્બનીઝે જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયા અને ભારત પહેલાં કરતાં વધુ ગાઢ મિત્રો બન્યા છે. આ સાથે તેમણે વિશ્વના સૌથી મોટા લોકતંત્રની ભાવના ઑસ્ટ્રેલિયામાં લઈ આવવા બદલ તેમનો આભાર માન્યો હતો.
વડાપ્રધાન મોદીએ અરેના સ્ટેડિયમમાં ભારતીય સમુદાયને સંબોધન કરતાં બ્રિસ્બેનમાં વાણિજ્ય દૂતાવાસ ખોલવાની જાહેરાત કરી હતી. આ સાથે વડાપ્રધાન મોદીએ સિડનીમાં એક રસ્તાનું નામ બદલીને ‘લીટલ ઈન્ડિયા’ કર્યું હતું. પશ્ચિમી સિડનીના હેરિસ પાર્કને ‘લિટલ ઈન્ડિયા’ની આધારશિલા રાખવાના કાર્યક્રમમાં ઑસ્ટ્રેલિયન પીએમ પણ તેમની સાથે હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સમુદાયને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, હું ૨૦૧૪માં આવ્યો હતો ત્યારે તમને વચન આપ્યું હતું કે, તમારે ફરી ભારતના કોઈ વડાપ્રધાન માટે ૨૮ વર્ષ રાહ જોવી નહીં પડે. આજે સિડનીમાં આ અરિનામાં હું હાજર છું અને હું એકલો નથી આવ્યો. મારી સાથે વડાપ્રધાન અલ્બનીઝને પણ આવ્યા છે.
તેમણે ઉમેર્યું કે, તમે બધાએ આઝાદી કા અમૃત મહોત્સવની ધામધૂમથી ઊજવણી કરી છે તે સાંભળીને મને ઘણો આનંદ થયો. આપણા ક્રિકેટના સંબંધોને ૭૫ વર્ષ પૂરા થઈ ગયા છે. ક્રિકેટના મેદાનમાં મેચ જેટલી રોમાંચક હોય છે તેટલી જ આપણી મિત્રતા ઓફ ધ ફિલ્ડ ગાઢ હોય છે. શૅન વોર્નને યાદ કરતાં મોદીએ કહ્યું કે, શેન વોર્નનું નિધન થયું ત્યારે ભારતીયો પણ ભાવુક થઈને રડી પડયા હતા.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત પાસે સામર્થ્યની અછત નથી. ભારત પાસે સંશાધનોની પણ અછત નથી. આજે દુનિયાની સૌથી મોટી અને સૌથી યુવા ટેલેન્ટ ફેક્ટરી ભારતમાં છે. તમારા બધાનું એક સપનું છે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું. તમારું આ સપનું મારા હૃદયમાં પણ છે. દેશ આગામી ૨૫ વર્ષમાં વિકસિત થવાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યો છે. આજે આઈએમએફ પણ ભારતને વૈશ્વિક અર્થતંત્રનું ઉજ્જવળ સ્થળ માને છે. દુનિયાને પણ વિશ્વાસ છે કે વૈશ્વિક પડકારોનો જો કોઈ સામનો કરી શકે છે તો તે ભારત છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોરોના મહામારીમાં જે દેશે દુનિયાનો સૌથી ઝડપી રસીકરણ કાર્યક્રમ કર્યો તે દેશ ભારત છે. આજે બારત દુનિયાનું સૌથી ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર છે. આજે તમારી વચ્ચે હું જાહેરાત કરું છે કે ભારતીય સમુદાયની લાંબા સમયથી જે માગ હતી તે હવે પૂરી કરાશે. ટૂંક સમયમાં જ બ્રિસ્બેનમાં ભારતનું એક નવું વાણિજ્ય દૂતાવાસ ખોલાશે. તેમણે ઉમેર્યું કે, ભારત હજારો વર્ષોની જીવંત સભ્યતા છે. ભારત લોકતંત્રની જનની છે.