ચીન સતત પોતાના પરમાણુ હથિયારોમાં વધારો કરી રહ્યું છે. સ્વીડનના સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇંસ્ટીટયૂટ (એસઆઇપીઆરઆઇ)ના રિપોર્ટ મુજબ ચીને છેલ્લા એક વર્ષમાં ૬૦ પરમાણુ હથિયારોમાં વધારો કર્યો છે. આ મામલામાં ચીન રશિયા, ભારત અને પાકિસ્તાન કરતા પણ આગળ નીકળી ગયું છે. થિંક ટેંકની રિપોર્ટ મુજબ વિશ્વભરમાં હાલ વિવિધ દેશોના મળીને કુલ ૧૨,૫૧૨ પરમાણુ હથિયારો છે.
રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે એક વખત ફરી દુનિયામાં પરમાણુ હથિયારોને જમા કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. વર્તમાન દુનિયા માનવ ઇતિહાસમાં સૌથી ખતરનાક સ્થિતિ પર છે. એસઆઇપીઆરઆઇની રિપોર્ટ મુજબ દુનિયાભરના દેશોમાં ખરાબ થઇ રહેલા આંતરરાષ્ટ્રીય સંબંધોને કારણે પરમાણુ હથિયારોની સંખ્યામાં ધરખમ વધારો થઇ રહ્યો છે. વિશ્વભરમાં જે પણ પરમાણુ હથિયારો છે તેમાં સૌથી પહેલા ક્રમે અમેરિકાનો સમાવેશ થાય છે.
હાલ વિશ્વ પાસે જે ૧૨૫૧૨ પરમાણુ હથિયારો છે તેમાંથી ૮૬ હથિયારોને આ વર્ષે જ તૈયાર કરવામાં આવ્યા છે. રિપોર્ટ મુજબ કુલ પરમાણુ હથિયારોમાં ૯૫૭૬ સંભવિત ઉપયોગ માટે તૈયાર પણ છે. ચીને એક વર્ષમાં પોતાના પરમાણુ હથિયારોમાં મોટો વધારો કર્યો છે અને ૬૦ હથિયારોનો ઉમેરો કર્યો છે. જોકે ચીન ઉપરાંત રશિયા, ભારત, પાકિસ્તાન અને નોર્થ કોરિયાના પણ પરમાણુ ભંડારણમાં વધારો થયો છે. ચીને ૬૦ તો રશિયાએ ૧૨, પાકિસ્તાને ૫, ઉત્તર કોરિયાએ પાંચ અને ભારતે ચાર પરમાણું હથિયારોનો વધારો કર્યો છે.
ભારતીય મીડિયાથી ડ્રેગન ગભરાયું
– ભારતના એકમાત્ર પત્રકારને ચીને દેશનિકાલનો આદેશ કર્યો
ચીનને વિશ્વના પત્રકારો માટે નર્ક માનવામાં આવે છે.હાલમાં, ભારતના ચીનમાં રહેલા એક માત્ર પત્રકારને પણ ચીને દેશ નિકાલનું ફરમાન સંભળાવ્યું છે. ચીની અધિકારીઓએ પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાના પત્રકારને એક મહિનામાં દેશ છોડવા કહ્યું છે.
પત્રકારો માટે નર્ક સમાન ચીનની જેલોમાં વિવિધ દેશોના ૧૦૦થી વધુ પત્રકારો બંધ છે
એક રિપોર્ટ મુજબ, ચીને ભારત પર તેમના પત્રકારો સાથે ખરાબ વ્યવહારનો આરોેપ લગાવ્યો છે. બેઈજિંગનું કહેવું છે કે, તેના જવાબમાં જ તેમણે ભારતના પત્રકારનો દેશનિકાલ કર્યો છે. ભારતના એકમાત્ર પત્રકારના ચીન છોેડવાથી વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થામાંથી ભારતીય મીડિયાની ઉપસ્થિતિ સમાપ્ત થઈ જશે.
આ વર્ષની શરૂઆતમાં ચીનમાં ભારતના ચાર પત્રકારો હાજર હતાં. પરંતુ, બે પત્રકારોના વિઝા એપ્રિલ મહિનામાં સમાપ્ત થઈ ગયા હતાં, જે ચીને રિન્યુ કર્યા નહતાં. બાકી રહેલા બે પત્રકારોમાંથી એક ગત અઠવાડિયે જ પરત ફર્યો હતો, જ્યારે બીજાને દેશનિકાલનો આદેશ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ભારતે ચીનની ન્યુઝ એજન્સી શિન્હુઆ અને ચાઈના સેન્ટ્રલના પત્રકારોની વિઝા રિન્યુઅલની અરજી ફગાવી દીધી હતી. ભારતના વિદેશ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ભારતમાં ચીનના પત્રકારો મુક્તપણે રિપોર્ટિંગ કરી શકે છે અને તેઓ ઈચ્છે છે કે, બેઈજિંગ પણ ભારતીય પત્રકારોને મુક્તિથી કામ કરવાની મંજૂરી આપે.