
વૈશ્વિક મોરચે ઈઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્વના અંતની શરૂઆત અને અમેરિકાના ટેરિફ મામલે કૂણા પડેલા વલણ છતાં વૈશ્વિક બજારોમાં સોના-ચાંદીમાં તેજીનો સટ્ટો વિખેરાવા લાગી ફંડોએ મોટી ઉથલપાથલ શરૂ કર્યાના પરિબળે વૈશ્વિક ઈક્વિટી બજારોમાં પણ સેન્ટીમેન્ટ ડહોળાયું હતું. પરંતુ વૈશ્વિક બજારોથી વિપરીત ભારતીય શેર બજારોમાં લોકલ ફંડોની સાથે ફોરેન ફંડોએ કોર્પોરેટ પરિણામોની શરૂઆત સાથે આજે તેજીને આગળ વધારી હતી. બેંકિંગ-ફાઈનાન્સ, હેલ્થકેર-ફાર્મા, કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડઝ, ઓટોમોબાઈલ, રિયાલ્ટી શેરોમાં મોટી ખરીદી થતાં સેન્સેક્સે ૮૨૫૦૦ની સપાટી કુદાવી હતી. જ્યારે નિફટી ૫૦ સ્પોટ પણ ૨૫૨૭૫ની સપાટી કુદાવી ગયો હતો. અંતે સેન્સેક્સ ૩૨૮.૭૨ પોઈન્ટ વધીને ૮૨૫૦૦.૮૨ અને નિફટી સ્પોટ ૧૦૩.૫૫ પોઈન્ટ વધીને ૨૫૨૮૫.૩૫ બંધ રહ્યા હતા. અલબત આજે મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોનું પ્રોફિટ બુકિંગ થયું હતું.બેંકેક્સ ૬૧૨ પોઈન્ટ ઉછળ્યો : યશ બેંક સાત ટકા ઉછળ્યો : સ્ટેટ બેંક રૂ.૧૯, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૫ વધ્યા


