
સુપ્રીમ કોર્ટે રાજસ્થાન હાઈકોર્ટના એક મહત્ત્વપૂર્ણ ચુકાદાને માન્ય રાખતા સ્પષ્ટ કર્યું છે કે, અનામત વર્ગના જે ઉમેદવારો જનરલ(ઓપન) કેટેગરીના કટ-ઓફ કરતા વધુ માર્કસ મેળવે છે, તેમને શોર્ટલિસ્ટિંગના તબક્કે જ જનરલ કેટેગરીમાં ગણવા જોઈએ. જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે રાજસ્થાન હાઈકોર્ટના રજીસ્ટ્રાર દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દીધી છે. આ વિવાદ 2022માં રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા આયોજિત જુનિયર જ્યુડિશિયલ આસિસ્ટન્ટ અને ક્લાર્ક ગ્રેડ-IIની 2756 જગ્યાઓની ભરતી પ્રક્રિયાથી શરૂ થયો હતો. લેખિત પરીક્ષા બાદ એવું જોવા મળ્યું હતું કે SC, OBC, MBC અને EWS જેવી ઘણી અનામત કેટેગરીનું કટ-ઓફ જનરલ કેટેગરી કરતા પણ ઊંચું ગયું હતું, જેના કારણે વધુ માર્કસ લાવનારા અનામત વર્ગના ઉમેદવારોને ટાઈપિંગ ટેસ્ટ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા નહોતા.અદાલતે આ મામલે ભારપૂર્વક જણાવ્યું કે ‘ઓપન કેટેગરી’ એ કોઈ ખાસ વર્ગ માટે અનામત રાખવામાં આવેલો ક્વોટા નથી, પરંતુ તે સંપૂર્ણપણે યોગ્યતા(Merit) પર આધારિત છે. જો કોઈ અનામત વર્ગનો ઉમેદવાર કોઈપણ વધારાની છૂટછાટ લીધા વગર જનરલ કેટેગરીના ઉમેદવાર કરતા વધુ માર્કસ મેળવે છે, તો તે ઓપન પોસ્ટ માટે સ્પર્ધા કરવા પાત્ર બને છે.


