અમદાવાદ પૂર્વ વિસ્તારમાં નિકોલમાં આવેલ ભોજલરામ સિનિયર સિટીઝન આશ્રમમાં 20મી નવેમ્બરે તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વર (ઠાકોરજી) પક્ષે ખોડલધામ સમિતિ અમદાવાદના મહિલા કન્વીનર શ્રીમતી પ્રિયાબેન અક્ષેશકુમાર સાવલિયા અને પરિવાર અને જ્યારે કન્યા (તુલસીજી) પક્ષે ભોજલરામ સિનિયર સિટીઝન આશ્રમ તરફથી શ્રીમતી રસીલાબેન વીનુભાઇ સુદાણી રહ્યા હતાં.


આ અંગે આશ્રમના અગ્રણી મુકેશભાઇ પડસાળાએ જણાવ્યું હતું કે, તુલસી વિવાહ મહોત્સવ અંતર્ગત આજે 14મી નવેમ્બર શનિવારે ચાંલ્લા વિધિનું આયોજન ભોજલરામ આશ્રમ ખાતે યોજાયું હતું. આ પ્રસંગે તુલસીજી અને ઠાકોરજી માટે 5 જોડી કપડાં દાગીના, શણગારનો સામાન અને છાબ ભરવા ઉપરાંત લગ્ન લખવામાં આવ્યાં હતાં તથા વિધિવત ચાંદલો કરવામાં આવ્યો હતો. તા.૧૭મી નવેમ્બરે રાત્રે ૮.૩૦ ક્લાકે નિકોલના પવિત્રા ફાર્મમાં લગ્નગીત, ગરબા અને મહાઆરતી યોજાઇ હતી.

જ્યારે નિકોલ ખાતે ખોડલધામ સમિતિની કાર્યાલયમાં ૨૦મીએ સવારે 9 વાગ્યે મંડપ મુહૂર્તનો પ્રસંગ યોજાયો હતો. આજ તારીખે નિકોલના ઇતિહાસ બંગલાની પાસેથી સાંજે ૪.૩૦ વાગ્યે જાન પ્રસ્થાન કરવામાં આવી હતી.


આ સાથે જાન માટે ખાસ બગી અને ડી.જે. પણ બોલાવવામાં આવ્યાં હતાં. આ જાનમાં ખૂબ મોટી સંખ્યામાં કાનાના જાનૈયાઓ જોડાયા હતા, રાસ-ગરબાં કરતા જાનૈયાઓ સાંજે ૬ વાગ્યે ભોજલરામ આશ્રમ ખાતે જાન લઇને પોહચ્યાં હતાં. આશ્રમ ખાતે જ સંજે ૬.૩૦ વાગ્યે હસ્તમેળાપ અને 7 વાગ્યે ભોજન સમારંભમાં આશરે ૫૦૦૦ ભક્તોએ પ્રસાદ લીધો હતો.

છેલ્લા ૧૫ વર્ષથી યોજાતા આ તુલસી વિવાહમાં ૪ થી ૫ હજાર ભક્તો હાજરી આપે છે, તેવી રીતેજ આ વખતે પણ ૫ હાજરથી વધુ ભક્તોએ પ્રસાદ લીધો હતો. તમામ ભક્તો માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા આશ્રમ દ્વારા કરવામાં આવી હતી. આમ ધામધૂમપૂર્વક ઠાકોરજી અને તુલસીજીના વિવાહ કરવામાં આવે છે.
આ મહોત્સવના વિવિધ દિવસોમાં લગ્નપ્રસંગ સાથે જોડાયેલી ધાર્મિક વિધિઓ અને લોકસાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. બીજા દિવસે પરંપરાગત સાંજી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મહિલાઓએ પારંપરિક લગ્નગીતો અને મંગલગીતોનું ગાન કરીને વિવાહોત્સવની ખુશી વ્યક્ત કરી હતી.

ભગવાન વિષ્ણુ અને તુલસીદેવીને પીઠી લગાવવાની શાસ્ત્રોક્ત વિધિ પણ યોજાઈ હતી. આ કાર્યક્રમથી ખોડલધામ ખાતે પરંપરાગત ભારતીય લગ્નપ્રસંગ જેવો ભક્તિમય માહોલ સર્જાયો હતો.

ભોજલરામ સિનિયર સિટીઝન આશ્રમમાં 20મી નવેમ્બરે તુલસી વિવાહની ભવ્ય ઉજવણી થઇ હતી. આ સાથે જ તુલસી વિવાહના ઉત્સવને લઈને આશ્રમ પરિસરને અદભુત રોશનીથી શણગારવામાં આવ્યો હતો. તેમજ પરંપરાગત રીતે મંડપ રોપવાની વિધિ પણ યોજાઇ હતી. તુલસી વિવાહ માટે વર અને વધુ પક્ષ દ્વારા ઉત્સાહભેર મામેરું સહિતના ધાર્મિક કાર્યક્રમોની તૈયારીઓ પુર્ણ કરવામાં આવી હતી.

પરંપરાગત લગ્નગીતો, સાંજી ઉત્સવ, પીઠીની વિધિ, રાસ-ગરબા અને અન્ય ધાર્મિક કાર્યક્રમોએ મહોત્સવને વિશેષ બનાવ્યો હતો. આવા ધાર્મિક ઉત્સવો માત્ર પૂજા-અર્ચના પૂરતા સીમિત રહેતા નથી, પરંતુ સમાજના વિવિધ વર્ગોને એક મંચ પર લાવવાનું પણ કાર્ય કરે છે. ખોડલધામ અને ભોજલરામ આશ્રમના આ મહોત્સવમાં ધાર્મિક આસ્થા સાથે સામાજિક સમરસતા અને ગુજરાતી લોકસંસ્કૃતિની ઝલક પણ જોવા મળી હતી.


