
હે ઈશ્વર.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. હમણાં ઘરમાં ત્રણ પેઢી એકસાથે થઈ, અને એમાં સંતાનો પાછાં વિદેશ વસતા અને ડોલર, યુરોમાં કમાતા! એટલે સ્વાભાવિક રુપિયા વેરતા હોય એમ વાપરે છે એવું લાગે! અને વડીલો એ તો ઠીક પણ આપણે પણ કરકસરને જીવન મંત્ર માની જીવ્યાં હોઈએ એટલે આ પચાવવું અઘરું! સ્વાભાવિક સરખામણી થાય! સ્વાભાવિક સલાહ સૂચન થાય, અને એમાં આપણી માટે મોંઘી મોંઘી ગિફ્ટ ખરીદે તો ગમે પણ ખરું! એટલે આમાં સાચું શું છે, એ બુદ્ધિથી નક્કી થાય નહીં! કારણકે નિત્ય સ્વાધ્યાય કે સત્સંગ વગર બુદ્ધિ સ્થિર રહેતી નથી, અને નરસિંહ કહે છે એમ આપણે રહ્યાં પૂર્ણ ભોગી.. દામ ને કારણે જ બાહ્ય જગત છે એવું નથી, કામ, નામ, રામ, ધામ અંદર અથવા આસપાસ જ બધું છે, જેમ કે અયોધ્યામાં મંથરા છે, તો લંકામાં ત્રિજટા છે, એટલે એવું માનવાને કોઈ કારણ નથી કે, રાક્ષસ કુળમાં બધાં ખરાબ જ હતાં, અને અયોધ્યામાં બધાં સારા જ હતાં. એટલે કે આપણે જીવીએ છીએ તે જ સાચું! હનુમાનજી અશોક વાટિકામાં પહોંચી ગયાં, અને અશોકનું એક એક વૃક્ષ પણ સીતા માતાની સાથે રામ રામ કરી કલ્પાંત કરતું હતું, એવું કરુણ દ્રશ્ય જોઈ હનુમાનજીને અત્યંત દુઃખ થયું. તેને થયું કે સ્વામીની આજ્ઞા નથી, નહીં તો અત્યારે જ લંકાને ઉજાડીને માતા સીતાને લઈને પ્રભુ શ્રીરામ પાસે પહોંચી જાઉં. પરંતુ બીજું કંઈ નહીં તો માતા-પિતાનું દુઃખ ઓછું થાય, એવું તો કંઈક કરવું જ પડશે! અને તેને પ્રભુ શ્રીરામ એ આપેલી મુદ્રિકા યાદ આવી, તો આજે આપણે મુદ્રિકા વિશે ચિંતનમાં વાત કરીશું.
હનુમાનજી ને સમજાતું નથી કે તે સીતા માતાનું દુઃખ કઈ રીતે દૂર કરે, કલ્પાંત કરતાં સીતાજી અરણ્યના વૃક્ષ પાસે અંગાર માંગે છે, અને એ જ સમયે હનુમાનજીને પ્રભુએ આપેલી મુદ્રિકા યાદ આવે છે, તેઓ રામ નામ અંકિત કરેલી એ મુદ્રિકા સીતાજીના પગ પાસે ફેકે છે. કહેવાને માટે તો એ માત્ર મુદ્રિકા હતી, પરંતુ સીતાજી માટે એ પ્રભુ શ્રીરામનું હ્રદય હતું. હનુમાનજી માટે એ શક્તિ સ્તોત્ર હતો, અને સ્વયં ભગવાન રામ માટે એ સાક્ષાત સીતા હતી. સીતાજી એ વીંટીને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે કે, પ્રભુ શ્રીરામની વીટી અહીં ક્યાંથી આવી? પહેલાં તો હર્ષ થાય છે કે પ્રભુ આવી ગયાં, પછી શંકા કુશંકામાં મન ઘેરાઈ જાય છે કે શું રાક્ષસો તેને મારીને અહીં લઈ આવ્યા હશે? પછી તરત જ વિચાર આવે છે કે પ્રભુ શ્રીરામ તો અજય છે, તેને કોઈ જીતી શકે નહીં, તો પછી શું આ રાક્ષસની કોઈ માયા હશે? હનુમાનજી માતા સીતાનું દુઃખ વધે તેવું ઇચ્છતા નથી, અને હનુમાનજી વૃક્ષની નીચલી ડાળ પર ઉતરી આવી,મધુર સ્વરે પ્રભુ શ્રી રામનાં ગુણગાન ગાવા લાગ્યા. રામગુણ અને કીર્તન સાંભળીને સીતાજીને અત્યંત આનંદ થયો. કોણ બોલે છે તે જોવા તેમણે ઉપર નજર કરી,ને કહ્યું કે ભાઈ તું જે હો તે પ્રગટ થા. ત્યારે હનુમાનજી હાથ જોડી સીતાજીના સામે આવીને ઉભ રહીને કહ્યું કે
માતાજી,હું હનુમાન છું, અને પ્રભુ શ્રી રામનો દૂત છું,આ વીંટી હું જ લાવ્યો છું.રામજીએ જ મને તે આપને આપવા આપી છે.આ સાંભળી સીતાજીની આંખમાં હર્ષના આંસુ આવી ગયાં.
રામજીની વીંટી હૃદય-સરસી ચાંપી તેમણે કહ્યું કે,હે વીર હનુમાન!! વિરહના સમુદ્રમાં ડૂબતી મને, તેં વહાણ બનીને તારી છે. પરંતુ હવે તું મને કહે કે મને રામનાં દર્શન ક્યારે થશે? શું એ પણ આવી ચૂક્યા છે? તો મારી સામે કેમ નથી આવતાં? હનુમાનજી બતાવે છે કે બહુ જલ્દી એ તમને લેવા આવશે! ત્યારે એ પુછે છે, શું મારી જેમ તેને મારો વિયોગ તડપાવે છે? શું એ મને યાદ કરે છે ખરા? હનુમાનજી સીતા હરણ થયું પછી શબરી થી સુગ્રીવ સુધી પ્રભુ શ્રીરામ અને લક્ષ્મણ આવ્યાં ત્યાં સુધીની વાત કરે છે, અને પ્રભુ શ્રીરામ પણ આપના વિયોગમાં તડપી રહ્યા છે, એની વાત કરે છે. સીતાજી કહે છે કે, પરંતુ ગણ્યા ગાઠ્યા વાનરોની આ બળવાન રાક્ષસો સામે કેમ ટકી રહેશે? ત્યારે હનુમાનજી પોતાનું મહાબલિ સ્વરૂપ બતાવે છે, અને કહે છે કે હે માતા, અમે વાનરો ઓછી શક્તિ અને ઓછી બુદ્ધિ ધરાવીએ છીએ. પરંતુ પ્રભુ શ્રીરામની કૃપાથી અમે કઠિનથી કઠિન કાર્ય કરવા સમર્થ બનીએ છીએ. આમ કહી તેમણે પોતાની શક્તિનો શ્રેય પ્રભુ શ્રીરામને આપી દીધો. માતા સીતાને વિશ્વાસ બેસી ગયો કે, પ્રભુ શ્રીરામ આવશે અને આ રાવણની કેદમાંથી મને છોડાવશે.
પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહીં |
જલધિ લાંધી ગયે અચરજ નાહીં ||
દુર્ગમ કાજ જગત કે જેતે |
સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે ||
હનુમાન ચાલીસાની આ બે ચોપાઈ પરથી આપણે જોઈ શકીએ છીએ, કે હનુમાનજીએ રામનામની મુદ્રિકા પોતાના મુખમાં મૂકી અને સમુદ્ર લાંઘવાની શક્તિ તેમને પ્રાપ્ત થઈ. દુર્ગમ થી દુર્ગમ લાગતું કાર્ય હનુમાનજીએ રામના અનુગ્રહ એટલે કે રામના પ્રેમથી પૂરું કર્યું. એમણે પોતાની શક્તિનો બિલકુલ અહંકાર કર્યો નથી, અને બધો જ પ્રતાપ શ્રીરામનો એટલે કે શ્રી રામ નામ રુપી મુખમાં રાખેલી મુદ્રિકાનો છે, એમ તેમણે કહ્યું. આટલું મોટું દુર્ગમ કાર્ય પાર પાડ્યું, છતાં પણ રતિભરનો અહંકાર નહીં! કેટલું અજીબ લાગે, આપણે તો નાની નાની વાતમાં પહેલા હું પછી તું, એવા વાદવિવાદમાં અટવાઈને સમય વ્યતિત કરી રહ્યા છીએ. કળીનો આ કાળ સતયુગમાં પરિવર્તિત કરવો હોય, રામ રાજ્ય સ્થાપિત કરવું હોય, તો માત્ર એક રામ નામ કાફી છે. રામ રાજ્યમાં તો દરેક જણને રામની શક્તિ પર વિશ્વાસ હોવો જોઈએ, રામ નામ સાથે અનુબંધ હોવો જોઈએ, રામના ચરિત્ર સાથે પ્રેમ હોવો જોઈએ, તેને અર્જીત કરવાની તમન્ના હોવી જોઈએ, તો જ એ કાર્ય પાર પડે. હનુમાનજી જેવી નિષ્ઠા લાવવી,કે દાસત્વ સ્વીકારવું, એ આપણા બસની વાત નથી, નહીં તો આપણે ક્યારના ભક્તિ સુધી પહોંચી ગયા હોઈએ. એટલે કે આપણા જીવનમાં શાંતિ હોત! પરંતુ નથી એનો મતલબ સીધો છે કે આપણે કરવા માટે તો રામ નામનું લાખ વાર સ્મરણ કર્યુ, કે હનુમાન ચાલીસા કર્યા, પરંતુ એ નિષ્ઠા વગર કર્યું, કે પછી પ્રેમ વગર કર્યું, એટલે સફળ થયું નથી. પરંતુ ભાવ કુભાવથી રામનામ લેવું એ પણ કામ કરી ગયું, અને પ્રભુએ હવે જીવન સાર્થક કરવાનો મોકો આપ્યો છે, એટલે કે હજી સુધી જીવતા રાખ્યા છે, તો પ્રભુના નામ સ્મરણથી એની ભક્તિનાં સુંદરકાંડમાં પ્રવેશી અને ભક્તિને પણ યકીન થાય કે, આ રામદૂત જ છે! એવું સુંદર જીવન આપણે સૌ જીવવાનો સંકલ્પ કરીએ, અને ઝડપથી રામ રાજ્યને પ્રસ્થાપિત કરી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)


