
સોના-ચાંદીના ભાવમાં આજે, 13 જાન્યુઆરીના રોજ સતત બીજા દિવસે ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન(IBJA)ના રિપોર્ટ અનુસાર, ચાંદીની કિંમતમાં એક જ દિવસમાં રૂ. 6566નો તોતિંગ વધારો થતા તે રૂ. 2,62,742 પ્રતિ કિલોના ઑલટાઈમ હાઈ લેવલ પર પહોંચી ગઈ છે. નોંધનીય છે કે માત્ર બે જ દિવસમાં ચાંદી રૂ. 20,000 જેટલી મોંઘી થઈ છે. બીજી તરફ, 24 કેરેટ સોનાનો ભાવ પણ રૂ. 33 વધીને રૂ. 1,40,482 પ્રતિ 10 ગ્રામની નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે. વર્ષ 2025માં સોનામાં 75% અને ચાંદીમાં 167% જેટલો જંગી વધારો નોંધાયા બાદ પણ કિંમતો અટકવાનું નામ નથી લઈ રહી. નિષ્ણાતોના મતે આગામી સમયમાં ચાંદી રૂ. 2.75 લાખ અને સોનું રૂ. 1.50 લાખને પાર કરી શકે છે.સોના અને ચાંદીની કિંમતોમાં જોવા મળી રહેલી આ અસાધારણ તેજી પાછળ મુખ્યત્વે વૈશ્વિક પરિબળો જવાબદાર છે. ડોલરના મૂલ્યમાં ઘટાડો, રશિયા-યુક્રેન યુદ્ધ જેવી ભૌગોલિક તંગદિલી અને ચીન જેવી મધ્યસ્થ બેન્કો દ્વારા કરવામાં આવી રહેલી સોનાની જંગી ખરીદીને કારણે સોનું સતત મોંઘું થઈ રહ્યું છે.


