
ગંભીર રીતે ઘાયલ મુસાફરોને શ્રેષ્ઠ સારવાર મળે તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાંથી એક અત્યંત દુખદ સમાચાર સામે આવ્યા છે. આજે સવારે રામનગર વિસ્તારમાં એક પેસેન્જર બસ બેકાબૂ થઈને પલટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં 20 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.મળતી માહિતી મુજબ, આ બસ રામનગરથી ઉધમપુર તરફ જઈ રહી હતી. રામનગરના ખગોટ વિસ્તારમાં ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી ગઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે, બસમાં સવાર મુસાફરોની ચીચીયારીઓથી આખો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી.ઘટનાની જાણ થતાં જ વહીવટીતંત્ર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગંભીર રીતે ઘાયલ થયેલા મુસાફરોને વધુ સારવાર માટે એરલિફ્ટ કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા મૃતકોનો આંકડો વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આ ઘટના અંગે સોશિયલ મીડિયા (X) પર પોસ્ટ કરીને ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, મેં ઉધમપુરના ડીસી મિંગા શેરપા સાથે વાત કરી છે. વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે એલર્ટ છે અને રાહત કાર્ય તેજ કરી દેવામાં આવ્યું છે.
