
ગોદરેજ પ્રોપર્ટીઝ (જીપીએલ)ની નવી સીએસઆર પહેલ, જે લૉ-કાર્બન મટિરિયલ ઇનોવેશન્સને ઓળખશે, તેનું પરીક્ષણ કરશે અને તેની અસરકારકતાની ચકાસણી કરશે
મુંબઈ, 27 ઓગસ્ટ, 2026: ગોદરેજ પ્રોપર્ટીઝ (જીપીએલ)એ આજે ઝીન્ટિયો સાથે ભાગીદારીમાં ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપની ગુડ એન્ડ ગ્રીન ઇનોવેશન આર્મ ગોદરેજ ગુડ એન્ડ ગ્રીન લેબ્સ હેઠળ ‘હેબિટેટ મેટર્સ’ શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ એક સીએસઆર પહેલ છે જેનો હેતુ ભારતમાં બાંધકામ ક્ષેત્રમાં લૉ-કાર્બન કન્સ્ટ્રક્શન મટિરિયલ્સની સ્વીકૃતિને વેગ આપવાનો છે.
ભારત હાલમાં વિશ્વની કોઈપણ અર્થવ્યવસ્થાની સરખામણીમાં સૌથી મોટા બાંધકામ વિસ્તરણના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. વર્ષ 2050 સુધીમાં દેશમાં 35 અબજ ચોરસ ફૂટથી વધુ નવી બાંધકામ જગ્યાનો ઉમેરો થવાની અપેક્ષા છે, જે હાલમાં અસ્તિત્વમાં રહેલી બાંધકામ જગ્યાના બમણા કરતાં પણ વધુ હશે. આ સમયગાળા દરમિયાન બનતી દરેક ઇમારત તેના નિર્માણની સાથે જ પર્યાવરણ પર પોતાની અસર કાયમી રીતે છોડી દેશે. તેથી આજે કન્સ્ટ્રક્શન મટિરિયલની પસંદગી કરવી એ એવા નિર્ણયો લેવા સમાન છે, જેના પરિણામોને પાછળથી બદલી શકાશે નહીં.
દરેક ઇમારતની દીવાલમાં ઉપયોગમાં લેવાતા સિમેન્ટ, કોંક્રિટ, સ્ટીલ, કાચ અને બ્લોક્સ બાંધકામ ક્ષેત્રના કાર્બન ઉત્સર્જનમાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે અને આ ક્ષેત્રના એવા પડકારોમાં સામેલ છે, જેના પર હજુ પૂરતું ધ્યાન આપવામાં આવ્યું નથી. ‘હેબિટેટ મેટર્સ’નો હેતુ લૉ-કાર્બન મટિરિયલ ક્ષેત્રની આશાસ્પદ નવીનતાઓ અને વાસ્તવિક બાંધકામ પ્રોજેક્ટમાં તેમના ઉપયોગ વચ્ચે રહેલા અંતરને દૂર કરવાનો છે. આ માટે વિશ્વસનીય અને અસરકારક નવીનતાઓને ઓળખવામાં આવશે, તેનું પ્રાયોગિક અમલીકરણ કરવામાં આવશે અને વાસ્તવિક પરિસ્થિતિઓમાં તેના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવામાં આવશે.
આગામી પાંચ વર્ષ દરમિયાન ગોદરેજ પ્રોપર્ટીઝ આવી નવીનતાઓના પ્રાયોગિક ઉપયોગ માટેના પ્રોજેક્ટ હાથ ધરવાનો લક્ષ્યાંક ધરાવે છે. આ અંતર્ગત વાસ્તવિક બાંધકામ સ્થળો પરથી ચકાસાયેલ અને માન્ય પુરાવાઓનો એક મજબૂત આધાર તૈયાર કરવામાં આવશે, જે ભવિષ્યમાં સમગ્ર બાંધકામ ઉદ્યોગ કેવી રીતે આગળ વધે તે નક્કી કરવામાં ઉપયોગી બનશે.
“ગોદરેજ પ્રોપર્ટીઝ હંમેશાં ભારતીય રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ટકાઉ વિકાસના ક્ષેત્રે અગ્રેસર રહી છે અને ‘હેબિટેટ મેટર્સ’ના માધ્યમથી અમે આ પ્રયાસને વધુ એક પગલું આગળ લઈ જવા માંગીએ છીએ. અમારો હેતુ આશાસ્પદ વિચારો અને વાસ્તવિક બાંધકામ સ્થળે તેનો ઉપયોગ કરી શકાય તેવી વ્યવહારુ બાબતો વચ્ચેનું અંતર દૂર કરવાનો છે. આ પહેલ દ્વારા નવીનતા લાવનારાઓને એન્જિનિયરિંગના કડક માપદંડો સાથે વાસ્તવિક બાંધકામ સ્થળ મળશે, જ્યાં તેઓ બદલાતી અને વાસ્તવિક પરિસ્થિતિઓમાં પોતાની નવીનતાઓનું પરીક્ષણ કરી શકશે. આ ઉપરાંત, તેમને એવા મૂલ્યાંકન પણ મળશે, જે ઉદ્યોગ માટે નવા ધોરણો વિકસાવવામાં મદદરૂપ થશે,” એમ ગોદરેજ પ્રોપર્ટીઝના ચીફ ડિઝાઇન એન્ડ સસ્ટેનેબિલિટી ઓફિસર રોહિત મોહને જણાવ્યું હતું.
“આગામી દાયકામાં ભારતની વિકાસગાથા આપણે કેવી રીતે બાંધકામ કરીએ છીએ તે અંગે લેવાયેલા નિર્ણયો પર આધારિત રહેશે. ગુડ એન્ડ ગ્રીન લેબ્સની સ્થાપના એવા મોટા અને જટિલ પડકારોનો સામનો કરવા માટે કરવામાં આવી છે, જેનો ઉદ્યોગ હજુ સુધી ઉકેલ લાવી શક્યો નથી અને લૉ-કાર્બન કન્સ્ટ્રક્શન મટિરિયલ આ ક્ષેત્રના સૌથી મોટા પડકારોમાંથી એક છે. અમે આ સમસ્યાઓનો ઉકેલ અલગ-અલગ રીતે લાવવામાં માનતા નથી. અમે જે પણ ઉકેલને સમર્થન આપીએ છીએ, તે વિજ્ઞાન અને વાસ્તવિક પરિસ્થિતિ બંનેને સમજતા લોકો સાથેની ભાગીદારીમાં તૈયાર કરવામાં આવે છે. અમારો હેતુ એવા ઉકેલો વિકસાવવાનો છે, જેને સમગ્ર રિયલ એસ્ટેટ ક્ષેત્ર અપનાવી શકે, મોટા પાયે અમલમાં મૂકી શકે અને તેના દ્વારા સમગ્ર ઉદ્યોગને આગળ લઈ જઈ શકે,” એમ ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ગ્રૂપના ગુડ એન્ડ ગ્રીનના હેડ પાકઝાન દસ્તૂરે જણાવ્યું હતું.
ઝીન્ટિયોના પાર્ટનર સુમન જગદેવે જણાવ્યું હતું કે, “લૉ-કાર્બન મટિરિયલના ક્ષેત્રમાં ભારત પાસે નવીનતાની સમસ્યા નથી. સમસ્યા આ નવીનતાઓને વાસ્તવિક રીતે અમલમાં મૂકવાની અને સ્વીકૃતિની છે. ‘હેબિટેટ મેટર્સ’ એવા સેતુનું નિર્માણ કરે છે, જેનો બજારમાં અત્યાર સુધી અભાવ હતો. તે લાઇવ કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સ અને વાસ્તવિક સ્થળની પરિસ્થિતિઓને આશાસ્પદ ઉકેલો સાથે જોડે છે જે સાનુકૂળ નીતિઓ દ્વારા સમર્થિત હોય છે. તે એવું પ્લેટફોર્મ પૂરું પાડે છે જે સફળતાપૂર્વક ચકાસાયેલા પરિણામો પર આધારિત વ્યાવસાયિક વિશ્વસનીયતા સ્થાપવામાં અને બાદમાં વિકાસ સાધી શકે તેવો પાયો નાંખવામાં મદદ કરે.”
‘હેબિટેટ મેટર્સ’ દ્વારા રિક્વેસ્ટ ફોર એપ્લિકેશન્સ (આરએફએ) શરૂ કરવામાં આવી છે, જેમાં સ્ટાર્ટ-અપ્સ, સંશોધન સંસ્થાઓ, મટિરિયલ્સના ઉત્પાદકો અને ટેક્નોલોજી પ્રોવાઇડર્સને અરજીઓ કરવા આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ખુલ્લા આમંત્રણના માધ્યમથી કાર્યક્રમ લૉ-કાર્બન મટિરિયલના ઉકેલો ઓળખશે અને ‘ગુડ એન્ડ ગ્રીન લેબ્સ’ મારફતે પ્રયોગશાળામાં પરીક્ષણ કરાયેલી નવીનતાને વાસ્તવિક બાંધકામ સ્થળે ચકાસાયેલા ઉકેલમાં પરિવર્તિત કરવાની તેમની સફરમાં સહયોગ આપશે.
આ કાર્યક્રમમાં પાંચ મુખ્ય મટિરિયલ કેટેગરીઝ જેમ કે સિમેન્ટ, કોંક્રિટ, સ્ટીલ, બ્લોક્સ અને કાચ ઉપરાંત જૈવિક આધારિત વિકલ્પો અને બાંધકામમાં વપરાતા મટિરિયલમાંથી થતા કાર્બન ઉત્સર્જન ઘટાડવાના અન્ય વ્યવહારુ ઉકેલો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ટીઆરએલ 5 અને તેનાથી ઉપરની નવીનતાઓ અરજી કરવા માટે પાત્ર રહેશે. પસંદગી પામેલા અરજદારોને ચાલુ બાંધકામ પ્રોજેક્ટ્સમાં પોતાની નવીનતાઓનું પ્રાયોગિક અમલીકરણ કરવાની તક મળશે. આ ઉપરાંત, નવીન ઉકેલોના ઉપયોગને વેગ આપવા માટે તેમને ટેક્નિકલ અને કોમર્શિયલાઇઝેશન સંબંધિત વ્યવસ્થિત સહાય પણ આપવામાં આવશે.
અરજીઓ 15 ઓક્ટોબર, 2026 સુધીમાં મહત્તમ પાંચ સ્લાઇડના ફોર્મેટમાં (પીપીટી અથવા વર્ડ ફાઇલ) [email protected] પર મોકલવાની રહેશે.
