સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ
પરિચય- ફાલ્ગુની વસાવડા.
શીર્ષક- શ્રાવણી અભિષેક.
મિત્રો- શુભ સવાર.
દૂધ માટે તપ કરનાર બાળક ઉપમન્યુ માટે ભગવાન શિવે સૂરેશ્વર અવતાર લીધો!.
હે દેવોના દેવ મહાદેવ.
સૌનાં હ્રદયમાં કરુણા રૂપે રહેલાં આપનાં સૌમિત્રી સ્વરૂપને મારા સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. છે આજે સીડનીમાં સવાર, પણ શંકર તો હર સ્થાને હાજરાહજૂર છે, અને એવી એક ભક્તિની નિર્મળ ધારા જ ભક્તને ઈશ્વર પ્રેરિત કરી રહી છે. ભોળાંનાં ભગવાન તરીકે સમગ્ર સૃષ્ટિનાં સર્જક અને સંહારક એવાં મહાદેવનાં ભૃકુટિ વિલાસથી આ ચેતન્યમય જગત રસમય અને રમ્ય ભાસે છે. એની ભક્તિ કરવાનો લ્હાવો આપણે આખો શ્રાવણ લેશું! અને શિવપુરાણનાં વિવિધ કથાનકથી આપણે શિવ તત્વની લીલાઓ તેમજ અવતાર કથાનું મહાત્મ્ય જાણીશું! જીવ અને શિવનો નાતો યુગો યુગોથી ગંગાની નિર્મળ ધારા જેવો છે, અને એટલે જ ભગવાન શિવ ભક્તની ભાવનાને મસ્તક પર ધારણ કરી, એનાં જીવનને વધુ નિર્મળ બનાવે છે.
શિવપુરાણમાં આગળ નંદીકેશ્વર સનત કુમારોને કહે છે કે હે મુનિ,ભગવાન શિવનાં સુરેશ્વરાવતાર ની કથા, ઉપમન્યુની તપસ્યા અને એમને ઉત્તમ વરદાનની પ્રાપ્તિ થઈ એ પ્રસંગ સાંભળો. ઉપમન્યુ વ્યાઘ્રપાદ મુનિના પુત્ર હતાં, અને પૂર્વ જન્મમાં સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી હતી, પરંતુ વર્તમાન જન્મમાં મુનિ કુમાર રૂપે પ્રગટ થયા હતા. દરિદ્રતાને કારણે શૈશવ અવસ્થા માટે મામાના ઘરે માતા સાથે રહેતા હતા. ઘરમાં દૂધની અછત હોવાથી એમને દૂધ પીવા મળતું ન્હોતું, અને વારંવાર તે દૂધની માંગણી કરતાં હતાં. એકવાર માતાએ પત્થર પર ચોખા ઘસીને પાણીમાં મેળવીને કૃત્રિમ દૂધ તૈયાર કર્યું, પણ ઉપમાન્યુ નકલી છે, એવું સમજી ગયાં, અને ફરી રડવા લાગ્યા. ત્યારે માતાએ કહ્યું કે શિવની કૃપા વગર કોઈને પણ દૂધ મળતું નથી. માતાની વાત સાંભળીને ઉપમન્યુ ભગવાન શિવની આરાધના કરવા હિમાલય પર્વત પર ગયાં. ત્યાં તેમણે શિવનું એક મંદિર બનાવ્યું અને માટીના શિવલિંગની સ્થાપના કરી, માતા પાર્વતી સાથે શિવનું આહવાન કર્યું. અને જંગલના પત્ર પુષ્પોથી તે પંચાક્ષર મંત્ર દ્વારા શિવની નિત્ય આરાધના કરવાં લાગ્યાં તેના તપનું તેજ વધતા દેવતાઓ ગભરાઈ ગયા. શિવ પાર્વતીએ ઉપમાન્યુની પરીક્ષા કરવાનો નિર્ણય કર્યો. ભગવાન શિવે સુરેશ્વર દેવ ઇન્દ્રનું રૂપ લીધું, માતા પાર્વતીએ શચિનુ, અને નંદીએ ઐરાવત હાથીનું રૂપ લીધું, અને એ લોકો ઉપમન્યુ સમક્ષ આવ્યા. બાળક ઉપમન્યુને ઇન્દ્રએ વરદાન માંગવા કહ્યું ત્યારે એને શિવની ભક્તિ માંગી, ઈન્દ્રએ કહ્યું કે હું દેવોનો દેવ છું, તું મારી પાસેથી કંઈક એશ્વર્ય પ્રાપ્ત કર, અને શિવ વિશે ઘસાતું બોલ્યાં. ઉપમન્યુએ કહ્યું કે મારે તમારી પાસેથી કોઈ જ વસ્તુ જોઈતી નથી અને જો મારા ઇષ્ટદેવ શિવનું અપમાન થશે તો, હું તમને મારીને ખુદ મરી જઈશ. ઉપમન્યુએ અઘોરાસ્ત્ર છોડ્યું, પરંતુ નદીએ પકડી લીધું. એમણે પોતે ખુદ બળી મરવા અગ્નિ પ્રગટાવ્યો, અને ભગવાને અગ્નિને શાંત કરી દીધો. ભગવાન શિવ પ્રસન્ન થઈને પોતાના યથાર્થ સ્વરૂપમાં પ્રગટ પ્રગટ થઈ ગયાં, અને ઉપમન્યુને પોતાનો પુત્ર માની એના પર વાત્સલ્ય ભર્યો હાથ મૂક્યો, અને કહ્યું હું તમારો પિતા, અને આ પાર્વતી દેવી તમારી માતા છે. હવે તમારે માટે દૂધ, દહીં, અને મધનાં હજારો સમુદ્ર હાજર છે, તેમજ ભક્ષ્ય ભોજન વગેરે પદાર્થો પણ સુલભ થશે. આ ઉપરાંત પાશુપત વ્રત પાશુપત જ્ઞાનનો ઉપદેશ દીધો. પાર્વતીએ પણ એમને અક્ષય કુમાર પદ પ્રદાન કર્યું. શિવે યોગ સંબંધી એશ્વર્ય, નિત્ય સંતોષ, અક્ષય બ્રહ્મવિદ્યા, તથા ઉત્તમ સમૃદ્ધિ પ્રદાન કરી, કુળ અને ગોત્ર અક્ષય થાઓ એવું વરદાન આપ્યું. આ ઉપરાંત ઉપમન્યુના આશ્રમ પર નિત્ય નિવાસ કરીશ એવું પણ કહ્યું.
આગળ નંદીકેશ્વર સનતકુમારોને કહે કે જ્યારે પાંડવો અજ્ઞાતવાસમાં વનમાં રહેતાં હતાં, ત્યારે ભગવાન શિવ એ કિરાત નામના અવતારથી અર્જુનની પરીક્ષા લીધી અને ત્યારબાદ એની પર પ્રસન્ન થઈ, એને શક્તિ અને ઉચ્ચ શસ્ત્રની ભેટ આપી હતી, એ પ્રસંગ વિસ્તારથી સાંભળો. જ્યારે પાંડવો જુગારમાં હારી ગયાં, અને બાર વર્ષ વનવાસ અને તેરમાં વર્ષે અજ્ઞાત વાસમાં રહેવું પડશે, આ સજાથી પાંડવો જ્યારે સતી સાધ્વી દ્રૌપદીને લઈ વનમાં ચાલ્યાં જાય છે, અને ત્યારે દુર્યોધન એ દુર્વાસાને ભોજન માટે પાંડવો પાસે મોકલ્યાં. દુર્વાસા પોતાનાં દસ હજાર શિષ્ય ને લઈને પાંડવો પાસે પહોંચ્યા અને મનને અનૂકૂળ ઉત્તમ ભોજનની યાચના કરી. આટલાં લોકોનું ભોજન થાય એટલું અન્ન તો હતું નહીં! પાંડવોએ વિચારવાનો સમય મળી રહે એ માટે મુનિઓને સ્નાન કરવા મોકલ્યા અને દ્રૌપદીએ આવેલા સંકટનું નિવારણ કરવા ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ કર્યું , અને ભગવાન તત્ક્ષણ પ્રગટ થયા! એમણે દ્રૌપદીને અક્ષય પાત્ર આપ્યું અને દુર્વાસા અને એમના શિષ્યો સંતુષ્ટ થઈ વિદાય લીધી.
ભગવાન કૃષ્ણએ પાંડવોને ભગવાન શિવની આરાધના કરવા કહ્યું! કારણકે શિવજી સંપૂર્ણ દુઃખોનો વિનાશ કરનારા, તેમજ થોડી ભક્તિથી પ્રસન્ન થઈ જનારા છે. દેવોના દેવ મહેશ્વર જ્યારે પ્રસન્ન થાય છે ત્યારે એ ભક્તની બધી જ અભિલાષાઓ પૂર્ણ કરે છે અને આ લોકમાં સારામાં સારા ભોગ અને પરલોકમાં મોક્ષ આપી દે છે એટલા માટે ભક્તિમુક્તિ રૂપી ફળની કામના કરવાવાળા સદા શંભુની સેવા કરવી જોઈએ. પરંતુ આ માટે અર્જુને પહેલા દ્રઢતાપૂર્વક શક્રવિદ્યાનો જપ કરવો પડશે, અને ઇન્દ્ર સંતુષ્ટ થાય ત્યારે એ શિવજીનો શ્રેષ્ઠ મંત્ર પ્રદાન કરશે, આ મંત્રનો જાપ કરવાથી શિવજી પ્રસન્ન થાય છે. અર્જુને વેદ વ્યાસના પાસેથી શક્રવિદ્યા ગ્રહણ કરી, ભગવાન વેદ વ્યાસે યુધિષ્ઠિર સહિત પાંડવોને પાર્થિવ લિંગની પૂજાનું વિધાન બતાવ્યું, અને કહ્યું હે નૃપ શ્રેષ્ઠ આપ ધર્મ પર અડગ રહેજો. અર્જુનને રમણીય એવા ઇન્દ્રકીલ પર્વત પર જવા કહ્યું! જાન્હવી તટ પર બેસીને સમ્યક રૂપે તપસ્યા કરવાનો આદેશ આપ્યો.અર્જુને ચારે ભાઈઓ અને દ્રૌપદીની અનુમતિ માંગી, અને વેદ વ્યાસે જણાવેલ પર્વત તરફ ગતિ કરી. અર્જુન પણ ઈન્દ્રિય સુખને ભૂલીને, એટલે કે ભૂખ, થાક, તરસને નજર અંદાજ કરી એવાં જ પાર્થિવ લિંગની સ્થાપના કરી દ્રઢ મનથી ત્રણેય સમયે સાધના ઉપાસના કરવા લાગ્યાં.તપથી એમનાં મસ્તક માંથી તેજની જ્વાળાઓ નીકળવા લાગી, અને એ તપથી ઇન્દ્રાસન હલવા લાગ્યું. ઈન્દ્રનાં ગુપ્તચરો એ કહ્યું હે દેવરાજ! વનમાં એક પુરુષ તપ કરી રહ્યો છે, પણ અમને એ ઋષિ મુનિ છે, કે સૂર્ય, અગ્નિ છે, એ ખબર નથી. ગુપ્તચરોનાં વર્ણન પરથી ઈન્દ્રને પોતાનાં પુત્ર અર્જુનનાં મનોરથની જાણ થઈ. એ વૃદ્ધ બ્રાહ્મણ બની ત્યાં પહોંચ્યા અને અર્જુનની પરીક્ષા કરવા અની શિવ ભક્તિથી વિચલિત થાય એવી વાતો કરી! પણ અર્જુને પોતાના ઈષ્ટદેવ ભગવાન શિવ પર લેશમાત્ર સંશય કર્યો નહીં! આથી તે પ્રસન્નતા પૂર્વક પોતાનાં મૂળ સ્વરૂપમાં આવ્યાં અને શિવ મંત્ર બતાવ્યો, અને અર્જુનએ કઠોર શિવ સાધના શરૂ કરી.
આપણે જે “ૐ નમો ભવાય શર્વાય રુદ્રાય ચ વરદાય ચ!” નો રુદ્રી પાઠ કરીએ છીએ, એ શ્રીકૃષ્ણનાં સૂચવેલ અર્જુન દ્ધારા શિવની ઉપાસના માટે બોલાયેલ શ્લોકોનો ભાગ છે. ભગવાન શિવે અર્જુનને પશુપતાસ્ત્ર નામનું શસ્ત્ર ભેટ આપ્યું, અને કુરુક્ષેત્રનાં મેદાનમાં એનો ઉપયોગ કરીને વિજયી બને છે, એ પ્રસંગ આવતી કાલના ચિંતનમાં વણી લેશું. પાંડવો ધર્મ અને સત્ય પથ પર ચાલ્યા એટલે ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન શિવ બંનેએ તેની મદદ કરી વિજયી બનાવ્યા! આપણે પણ વર્ષોથી શાંતિ માટે આ જીવન યુદ્ધ લડી રહ્યાં છીએ, તે યુદ્ધમાં વિજયી બનીએ. બોલો ૐ નમઃ શિવાય.
લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
