રાવણના વધ અને રામ રાજ્યાભિષેક પછી રામરાજ્ય થયું ! રામરાજ્ય સમયે થઈ શક્યું નહીં એની માટેનાં ત્યારે ઘણા કારણો હતાં, પણ આજે તો રામને કોઈએ ચૌદ વર્ષનો વનવાસ આપ્યો નથી છતાં પ્રશ્ન એ છે કે કેમ નથી થતું? ત્રેતા યુગમાં ભગવાન રામ, સીતા અને અન્ય મિત્રો સાથે અયોધ્યા પહોંચે છે, ફરીવાર રાજ્યભિષેકની ઘડી આવે છે, અને ભગવાન રામ અયોધ્યાના રાજા ઘોષિત થાય છે, ત્યારબાદ રામરાજ્ય સ્થપાય છે. પરંતુ આપણે તો આ બધું જ વર્ષોથી કરતા આવીએ છીએ, પણ રામરાજ્ય સ્થપાયું નહીં, તો એનું કારણ શું છે?? એને વિશે પણ ચિંતન તો કરવું જ પડશે કાં તો આપણે આ બધી ક્રિયા માત્ર ઔપચારિકતા માટે કરતાં હોઈએ, એટલે કે માતાજીનું સ્થાપન કરવું, પૂજન કરવું, મંત્ર જાપ કરવા,, નોમને દિવસે નૈવેદ્ય કરવાં, ઓમ હવન કરવાં, એ બધું જ આપણી માટે એક વિધિ માત્ર છે, અને તેથી જ એ પૂરી થયાં પછી આપણે એવો કોઈ સદભાવ શક્તિ ગ્રહણ કરી શકતાં નથી, અથવા તો પુરા ભાવથી આપણે આ બધું જ કરીએ છીએ. પરંતુ આપણા જ અહંકારને આપણે મારી શકતા નથી, અને એટલે જ રામ તત્વ સમાજમાં વ્યાપક સ્વરૂપમાં દેખાતું નથી, પછી રામરાજ્ય ક્યાંથી થાય! ત્રીજી એક શક્યતા એ પણ છે કે રામરાજ્ય સ્થપાય એવી આપણી કોઈ તીવ્ર ઝંખના પણ હવે બચી નથી, કારણ કે પ્રભુ શ્રીરામના મૂલ્યો હવે રામાયણમાં જ જોવા મળે છે, અથવા એમાં જ ઠીક છે, વ્યવહારમાં એ ન ચાલે! એવું આપણે સ્વીકારી લીધું છે. હવે આ ત્રણ ત્રણ શક્યતા પર આપણે દરેકે મનોમંથન કરવું ઘટે, તો જ રામરાજ્ય સ્થપાય!

ત્રેતાનો કાળ એ એવો સમય હતો કે જ્યાં એક રામ અને એક રાવણ પર્યાપ્ત હતાં, કે જે બંને અવતાર લીલા કરવાં, અને પૃથ્વી વાસીઓને બોધ આપવા માટે આવ્યા હતા. જ્યારે જ્યારે પૃથ્વી પર અધર્મની પરાકાષ્ઠા વ્યાપે ત્યારે ઈશ્વર ધર્મની પુનઃ સ્થાપના માટે અવતાર લે છે, એવી વાત આપણે આપણા શાસ્ત્રો પાસેથી જાણી છે, અને આ ચરિત્રોની કથાઓ પરથી આપણે એ સત્ય સ્વીકાર્યું પણ છે! તો ઘણીવાર એવું લાગે કે શું પૃથ્વી પર હજી એટલો અધર્મ નથી વ્યાપ્યો કે ઈશ્વરને જન્મ લેવા પડે ? કે પછી રામ કરતાં રાવણની સંખ્યા વધુ જોઈને ઈશ્વરે વિચાર મોકુફ રાખ્યો? રાવણને બહાર શોધીશું ત્યાં સુધી આપણને આપણે રામ જ લાગીશું! કૃષણએ મહાભારતમાં લીલા કરી હતી, એક એક કાનને એક એક ગોપી, એમ ઈશ્વરે પણ એ જ રીતે આવવું પડે, અને એટલે જ આપણે આપણા ઘટમાં રામ તત્વ જન્માવીને આ રાવણત્વને દૂર કરવાનું છે. સમાજમાં વ્યાપેલ રાવણ વૃત્તિને નાથવા પહેલા આપણે આપણી અંદરની રાવણ વૃતિને નાથવી પડશે, અને એ માટે થઈને શક્તિ ઉપાસના ના આ નવ દિવસ સુધી અર્જીત કરેલી શક્તિનો આદિ વૈદિક, આદિ જૈવિક,અને આદિ ભૌતિક ત્રણ સ્તરે પ્રયોગ કરવો પડશે. જેમાં આદિ વૈદિક એટલે કે શાસ્ત્રનો સહારે પ્રાપ્ત થયેલી શક્તિ, આદિ જૈવિક એટલે પરમાત્મા એ બનાવેલ આ સૃષ્ટિ ના અન્ય જીવ સાથે સકારાત્મક વિચારોથી જોડાયેલી ઉર્જા એટલે શક્તિ પ્રાપ્ત કરવી. જ્યારે આદિ ભૌતિકમાં વિજ્ઞાનને કારણે પ્રાપ્ત થયેલ સુવિધા મને મળે છે એમ મારા થકી કોઈ ને મળે એવું કંઈક કરવું એ ધન સંપન્નતાનો શ્રેષ્ઠ વિકલ્પ છે, હાલાકી આપણે એટલું કરી શકતાં નથી! બાકી ભારતની વસ્તી ગણતરી મુજબ 60% થી ઉપર મધ્યમ વર્ગ છે, અને એ ધારે તો ઘણું કરી શકે! નથી કરતા એવું પણ નથી, પણ હજી પ્રમાણ એટલું નથી.સીધી રીતે વિચારીએ તો ચૈત્રની નવ નવ દિવસની શક્તિની ઉપાસના પછી રામનો જન્મ થાય છે. એટલે કે રામરૂપી સત્યનો જન્મ થાય પછી, એ સીધા રાવણ તત્વને જાણી શકતા નથી, એ શક્તિ રૂપી સત્યને સંસ્કારીત કરવું પડે છે, એનું લાલન પાલન કરવું પડે છે, એનો યોગ્ય રીતે ઉછેર કરવો પડે છે, એને પ્રેમ લક્ષણા ભક્તિ સાથે પરણાવ્યા પછી, સંબંધ માટે ત્યાગ સમર્પણ અને બલિદાન આપતા શીખવવું પડે છે, અને પછીયે રાવણ તત્વની શોધ કરવી પડે છે. બધી જ બાજુથી ચકાસીને નક્કી કરવામાં આવે છે કે, આ જ રાવણ વૃત્તિ છે, ત્યારે એનો સંસ્કારિત સત્ય દ્વારા વધ થાય છે. આપણા ઋષિઓએ જે સનાતન સંસ્કૃતિનુ નિર્માણ કર્યું છે, એ સંસ્કૃતિ હવે જ્યારે ભુલાતી જાય છે, અને આપણા અસ્તિત્વની સલામતી જોખમાઈ રહી છે, ત્યારે બ્રાહ્મણ એટલે કે ઉચ્ચ બૌદ્ધિક વર્ગને સ્પષ્ટ રીતે અપીલ કરવી ઘટે, તેઓ જ સમાજના આગેવાન બની આ લુપ્ત થતી સંસ્કૃતિને ફરીથી ઉપર ઉઠાવી શકશે, માટે પ્રથમ તો સમાજના નવનિર્માણ માટે બ્રાહ્મણ એ પોતાના મૂળ સંસ્કાર તરફ પાછા વળવું પડશે, અને સંસ્કૃતિ નવ નિર્માણ માટે કટિબદ્ધ થઈ આહવાન કરવું પડશે. અહીં બ્રાહ્મણ એ કોઈ વર્ણ વિશેષની વાત નથી, પરંતુ ભૂતકાળમાં જે કંઈ કાર્ય સંસ્કૃતિ માટે થયું એ કાર્ય આજના કહેવાતા બ્રાહ્મણો પણ ભૂલતા જાય છે, માટે આપણે આ સનાતન સંસ્કૃતિ ખળભળતી દેખાય છે, અને એ સત્ય પણ છે. કારણ કે આજે બ્રાહ્મણો ના ખાનપાન અને પહેરવેશ બદલાઈ ગયાં છે. પહેલાં જે શિખા એમની શાન કહેવાતી એ હવે કોઈ રાખતું. આ ઉપરાંત જે ન કરવું જોઈએ એ બધું જ હવે સવર્ણ પણ કરતા થઈ ગયા છે. આપણે જે સનાતની હોવાની વાતનું ગર્વ કરવું જોઈએ! એની બદલે એની તરફ આપણે આંગળી ચીંધતા પણ અચકાતા નથી. માટે રામરાજ્યને ભૂલી જઈએ, પણ વિશ્વની આવી વિસમ પરિસ્થિતિનો ઉપાય માત્ર ને માત્ર સનાતન સંસ્કૃતિ પાસે છે, કારણ કે એણે જ વાસુદેવ કુટુંબકમની વાત રાખી છે. સૌને અપનાવવા સૌને સ્વીકારવા અને સૌની મદદ કરવી એ વાસુદેવ કુટુંબનો મૂળ મંત્ર આપણી સંસ્કૃતિનો જ છે, અને અત્યારે વિશ્વને શાંતિની સૌથી વધુ જરૂર છે. કારણ કે ક્યાંકને ક્યાંક યુદ્ધ ચાલે છે, યુદ્ધ એ પછી તે વ્યક્તિગત હોય પારિવારિક હોય, સામાજિક હોય કે વૈશ્વિક હોય એ હંમેશા નિકંદન કાઢે છે, એ વાત હવે સૌએ સમજવી પડશે. માટે જ એક એવાં યુગનું નિર્માણ કરીએ કે જ્યાં એક સ્થિર અને શાંત પ્રકૃતિનો સ્વભાવ હોય અને જેનો મંત્ર એટલે વિચાર પરસ્પર સ્નેહ હોય એવાં સમાજનું નવ નિર્માણ આપણે સૌ મળીને મા જગદંબા ના આશીર્વાદથી કરીએ, તેમજ યુગ નિર્માણ માટે આપણાથી જે કંઈ થઈ શકે એ કરીશું, એવાં એક શુદ્ધ સંકલ્પ કે જેમાં સકલ વિશ્વનું શુભ સમાયું છે, એવાં સંકલ્પ સાથે આગળ વધી શકીએ એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું, ફરી મળીશું નવા ચિંતન મનન સાથે તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.
