પોસ્ટ વિભાગની આધુનિક સેવાઓ અને ડિજિટલ પહેલથી નાગરિકોને મળી રહી છે સુવિધાઓ – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ ,ઈન્ડિયા પોસ્ટ જન-જન સુધી સેવાઓ પહોંચાડવાની પોતાની સમૃદ્ધ અને ગૌરવશાળી પરંપરાને જાળવી રાખીને ડિજિટલ યુગની બદલાતી જરૂરિયાતોને અનુરૂપ સતત પોતાનો વિકાસ કરી રહ્યો છે. આધુનિક ટેક્નોલોજી અને ડિજિટલ નવીનતાઓના સમન્વયથી પોસ્ટલ સેવાઓને વધુ સુલભ, ઝડપી, સુવિધાજનક અને પારદર્શક બનાવવામાં આવી રહી છે, જેના પરિણામે શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોના નાગરિકો સમાન રીતે લાભાન્વિત થઈ રહ્યા છે. ગુજરાત સર્કલમાં નવગઠિત સુરત ડાક પરિક્ષેત્ર અંતર્ગત વિભાગીય પ્રવૃત્તિઓને વેગ આપવા, કામગીરીની નિયમિત સમીક્ષા કરવા તેમજ લક્ષ્યાંકોની સમયબદ્ધ પ્રાપ્તિ સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી તા.

17 નવેમ્બર, 2026ના રોજ પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવની અધ્યક્ષતામાં સર્કિટ હાઉસના કોન્ફરન્સ હોલમાં પ્રથમ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું. પ્રવર અધિક્ષક શ્રી યશ કુમાર જૈન, સહાયક નિદેશક શ્રી એસ. વી. પરમાર સહિતના અધિકારીઓએ સુરત આગમન પર પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવનું સ્વાગત કર્યું.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે સુરત હેડ પોસ્ટ ઓફિસ કેમ્પસ ખાતે આવેલા નવગઠિત ક્ષેત્રીય કાર્યાલયનું નિરીક્ષણ કરી જરૂરી નિર્દેશો આપ્યા. તા. 1 નવેમ્બર, 2026થી નવા બનેલા સુરત ડાક પરિક્ષેત્રમાં સુરત, ભરૂચ, નર્મદા, ડાંગ, નવસારી, તાપી અને વલસાડ સહિતના 7 જિલ્લાઓ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા-નગર હવેલીનો સમાવેશ થાય છે. આ પરિક્ષેત્રમાં 6 મંડળો, 6 હેડ પોસ્ટ ઓફિસો, 238 સબ પોસ્ટ ઓફિસો અને 1,561 બ્રાંચ પોસ્ટ ઓફિસો મળી કુલ 1,805 પોસ્ટ ઓફીઓનો સમાવેશ થાય છે. સુરતમાં પોસ્ટલ સેવાઓના વિસ્તરણને ધ્યાનમાં રાખીને તેને સુરત પૂર્વ અને સુરત પશ્ચિમ એમ બે મંડળોમાં વિભાજિત કરવામાં આવ્યું છે.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ દ્વારા સર્કિટ હાઉસ ખાતે પોસ્ટ વિભાગના વ્યવસાયની શ્રેણીવાર સમીક્ષા કરવામાં આવી. જેમાં ડોમેસ્ટિક મેઇલ, પાર્સલ, આંતરરાષ્ટ્રીય મેલ, બચત બેંક સેવાઓ, પોસ્ટલ જીવન વીમા અને ગ્રામીણ પોસ્ટલ જીવન વીમા, નાગરિકલક્ષી સેવાઓ જેવી કે આધાર, પાસપોર્ટ, ફિલેટેલી તેમજ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકનો સમાવેશ કરવામાં આવ્યો. સુરત ડાક પરિક્ષેત્રને વર્ષ 2026-27 માટે ફાળવવામાં આવેલા રૂ. 187.42 કરોડના લક્ષ્યાંકની સામે ઓક્ટોબર મહિના સુધીમાં આશરે રૂ. 87 કરોડની રેવેન્યુ પ્રાપ્ત કરવામાં આવી છે, જે ગત વર્ષની સરખામણીએ 25 % વધુ છે. સમીક્ષા દરમિયાન ભવિષ્યની પ્રાથમિકતાઓને અનુરૂપ નિર્ધારિત લક્ષ્યાંકો સમયમર્યાદામાં હાંસલ કરવા તેમજ વ્યવસાયિક વૃદ્ધિ સુનિશ્ચિત કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે પોસ્ટલ સેવાઓમાં નવીનતા સાથે તેની કાર્યક્ષમતા અને વ્યાપ વધારવા, નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવા, પોસ્ટ ઓફિસ કાઉન્ટર્સ પર ડિજિટલ વ્યવહારો વધારવા, આધાર સેવાઓનો વિસ્તાર કરવા, પોસ્ટમેન દ્વારા ડિલિવરી મોબાઇલ એપના માધ્યમથી પોસ્ટની ડિલિવરી કરવા, ડી પ્લસ ઝીરો અંતર્ગત સ્પીડ પોસ્ટ અને પાર્સલનું ઝડપી વિતરણ સુનિશ્ચિત કરવા, સેવાઓના અસરકારક માર્કેટિંગ માટે વ્યૂહરચના ઘડવા તેમજ ફરિયાદોનો ઝડપી નિકાલ કરવા પર પણ ભાર મૂક્યો. સુરતમાં વ્યવસાયની અપાર સંભાવનાઓને ધ્યાનમાં રાખીને સ્થાનિક ઉદ્યોગસાહસિકો અને વેપારીઓને ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટર તથા ડાકઘર નિર્યાત કેન્દ્રના માધ્યમથી પોતાના ઉત્પાદનોની આંતરરાષ્ટ્રીય સ્તરે નિકાસ કરવા માટે પ્રોત્સાહિત કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે તમામ અધિકારીઓને આ નાણાકીય વર્ષના નિર્ધારિત લક્ષ્યાંકો સમયમર્યાદામાં હાંસલ થાય તે સુનિશ્ચિત કરવા માટે નિષ્ઠા, પ્રેરણા અને સમર્પણભાવ સાથે કાર્ય કરવા પ્રેરિત કર્યા.
આ બેઠકમાં સુરત પશ્ચિમ મંડળના પ્રવર અધિક્ષક શ્રી યશ કુમાર જૈન, સુરત પૂર્વના અધિક્ષક શ્રી આઈ. એન. ખ્રિસ્તી, વલસાડના અધિક્ષક શ્રી જે. આર. વશી, ભરૂચના અધિક્ષક શ્રી બી. વાય. તહેસીલદાર, નવસારીના અધિક્ષક શ્રી એસ. આર. મિસ્ત્રી, સહાયક નિદેશક(લોજિસ્ટિક્સ) શ્રી એસ. વી. પરમાર, બારડોલીના સહાયક અધિક્ષક શ્રી સી. આર. પટેલ, સહાયક અધિક્ષક શ્રી દિનેશ મોરે, ડાક નિરીક્ષક શ્રી મયૂર ચૌધરી સહિતના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
