“AMU મિની ઇન્ડિયા, અહીં કુરાનની સાથે ગીતા પણ છે” : 56 વર્ષ પછી AMUમાં ભાષણ આપનાર મોદી બીજા વડાપ્રધાન

0
41
PM Modi to attend Aligarh Muslim University’s centenary celebrations on December 22
PM Modi to attend Aligarh Muslim University’s centenary celebrations on December 22

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના શતાબ્દી વર્ષની ઉજવણી, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં મોદીનો બિનસાંપ્રદાયિક પાઠ: અલગ પાકિસ્તાનના વિચારનું મૂળ એએમયુમાં છે

Government committed to development without discrimination: Prime Minister Narendra Modi at AMU

અલીગઢ:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના શતાબ્દી વર્ષ કાર્યક્રમને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કર્યું હતું. 35 મિનિટના ભાષણ દરમિયાન વડાપ્રધાને કહ્યું કે એએમયુ મિની ઇન્ડિયા છે. અહીં કુરાનની સાથે ગીતા સહિત અનેક ગ્રંથ પણ છે. તેમણે કહ્યું- આપણું કયા ધર્મમાં પાલન-પોષણ થયું તેના કરતા મોટી વાત એ છે કે આપણે દેશની આકાંક્ષાઓ સાથે કેવી રીતે જોડાઈ એ એએમયુમાંથી શિક્ષણ લઈને નીકળેલા લોકો દુનિયાના સેંકડો દેશોમાં છવાઈ ગયા છે. અહીં ભણેલા લોકો દુનિયામાં ક્યાંય પણ હોય પણ તેઓ ભારતની સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે. આજે સમગ્ર વિશ્વની નજર ભારત પર છે. જે સદીનું ભારત દર્શાવાઈ રહ્યું છે તેના લક્ષ્ય તરફ ભારત કેવી રીતે આગળ વધે છે તે જોવા બધા ઉત્સુક છે. આથી આપણા બધાનું એક જ લક્ષ્ય હોવું જોઈએ કે ભારતને આત્મનિર્ભર કેવી રીતે બનાવાય. આ ભાષણ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા વડાપ્રધાન બન્યા છે કે જેમણે એએમયુમાં ભાષણ આપ્યું હોય. આ પહેલા 56 વર્ષ અગાઉ લાલબહાદુર શાસ્ત્રીએ એએમયુમાં સંબોધન કર્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના શતાબ્દિ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપવાનું નક્કી કર્યું ત્યારથી એક ઉત્તેજના હતી. મોદી આ સમારોહમાં શું બોલશે તેના પર સૌની નજર મંડાયેલી હતી. મોદીની છાપ પ્રખર હિંદુવાદી નેતા તરીકેની છે, જ્યારે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની છાપ કટ્ટરવાદી મુસ્લિમોના અડ્ડા તરીકેની છે. આ સ્થિતિમાં મોદી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંતોષવા ઉતરે ત્યારે કેવા મુદ્દા ઉઠાવશે એ જાણવામાં સૌને રસ છે. મોદી શિખામણોનો મારો ચલાવવામાં ને જાત જાતના મંત્રો આપવામાં માહિર છે. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં મોદી કોઈ નવો મંત્ર આપે છે કે નહીં તેના પર પણ સૌની મીટ મંડાયેલી હતી. મોદી કોઈ વિવાદ ખડો કરે છે ને રાજકીય કોમેન્ટ કરે છે કે નહીં એ જાણવામાં પણ સૌને રસ હતો.

મંગળવારે મોદીએ પ્રવચન આપ્યું તેમાં કોઈ વિવાદ ખડો ના થાય તેનું બરાબર ધ્યાન રાખ્યું પણ શિખામણોનો બરાબર મારો ચલાવ્યો. મોદીએ પોતાના શાસનમાં ધર્મના ભેદભાવો વિના બધાંને સરખા લાભ મળે છે એમ કહીને પોતાની પીઠ થાબડવાની શરૂઆત કરીને પછી શિખામણો શરૂ કરી. મોદીની આ શીખામણોમાં કશું નવું નથી. દેશના વિકાસની વાત આવે ત્યારે રાજકીય ચશ્માં ચડાવીને કશું ના જોવું જોઈએ ને દેશની પ્રગતિની વાત આવે ત્યારે વૈચારિક મતભેદો ગૌણ બની જવા દોઈએ એવી વાતો આપણે વરસોથી સાંભળીએ છીએ. મોદી પહેલાં પણ ઘણા નેતા આ વાત કહી ચૂક્યા છે ને મોદી પછી પણ નેતાઓ કહેતા રહેશે, પણ કોઈ એ રીતે વર્તતું નથી. નેતાઓ પોતે પણ એ રીતે વર્તતા નથી પછી બીજાં લોકોની વાત જ ક્યાં કરવી.

ખેર, અત્યારે આપણે રાજકારણીઓ કઈ રીતે વર્તે છે તેની ચર્ચા કરવી નથી પણ આ શિખામણોની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર કેટલી અસર થશે ને યુનિવર્સિટીનો માહોલ કેટલો બદલાશે તેની વાત કરી લઈએ. એએમયુ વરસોથી મુસ્લિમ કટ્ટરવાદીઓનો અડ્ડો છે ને તોતિંગ શૈક્ષણિક સંસ્થા હોવા છતાં નવી હવાથી અલિપ્ત છે. આઝાદી પહેલાં અલગ પાકિસ્તાનની રચનાનાં બી આ યુનિવર્સિટીના સ્થાપક સર સૈયદ અહમદે રોપેલાં. તેના કારણે આ યુનિવર્સિટી કટ્ટરવાદીઓની પ્રવૃત્તિઓનો અડ્ડો બની ને સો વરસ પછી પણ સ્થિતિ બહુ બદલાઈ નથી. એએમયુનો ઈતિહાસ જાણશો તો આ વાત સારી રીતે સમજાશે.

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની સ્થાપના મુસ્લિમોને આધુનિક શિક્ષણ આપવા થયેલી, પણ કમનસીબે આ યુનિવર્સિટીએ મુસ્લિમોમાં કટ્ટરતાને પોષી. સત્તાવાર રીતે આ યુનિવર્સિટી ૧૯૨૦માં અમલમાં આવી પણ તેનાં મૂળ મુહમ્મદન એંગ્લો-ઓરિએન્ટલ કૉલેજ (માઓ)માં છે. માઓ કૉલેજની સ્થાપના ૧૮૭૫માં સર સૈયદ અહમદે કરેલી. સર સૈયદ અંગ્રેજોના પીઠ્ઠુ હતા તેથી તેમણે આધુનિક શિક્ષણના નામે અંગ્રેજોની હિંદુ-મુસ્લિમોમાં ભાગલાની નીતિને પ્રોત્સાહન આપ્યું. આ કારણે માઓ કૉલેજ મુસ્લિમ કટ્ટરવાદનું કેન્દ્ર બની ને મુસ્લિમો માટે અલગ પાકિસ્તાનની વિચારધારા પણ આ કૉલેજમાંથી જ ઉદ્ભવી. સર સૈયદ આ વિચારધારાના પ્રણેતા હતા એવું સૌ સ્વીકારે છે.

સર સૈયદનો પરિવાર મોગલ દરબારમાં મોટા હોદ્દા પર હતો પણ મોગલ સામ્રાજ્યના વળતાં પાણી શરૂ થઈ ગયાં હતાં તેથી મોગલોની નોકરી કરવાના બદલે સૈયદ ઈસ્ટ ઈન્ડિયા કંપનીમાં નોકરીમાં જોડાયા હતા. તેના કારણે અંગ્રેજોની નજીક આવ્યા ને અગ્રેજોની મદદથી ૧૮૫૯માં મુરાદાબાદમાં ગુલશન સ્કૂલ શરૂ કરી. ૧૮૬૩માં ગાઝીપુરમાં વિક્ટોરિયા સ્કૂલ સ્થાપી. અંગ્રેજોના કહેવાથી તેમણે એ વખતે અંગ્રેજી સ્કૂલોમાં ભણાવાતાં વિજ્ઞાન અને આધુનિક કલાઓનાં પુસ્તકોનો ઉર્દૂમાં અનુવાદ કરીને પોતાની સ્કૂલોમાં તેનું શિક્ષણ આપવાની શરૂઆત કરી. અંગ્રેજી શિક્ષણ પદ્ધતિનાં બીજાં પુસ્તકોના અનુવાદ માટે તેમણે ટ્રાન્સલેશન સોસાયટી પણ બનાવી હતી. આ સોસાયટીની ઑફિસ ગાઝીપુરમાં હતી, પણ અલીગઢ મોટું કેન્દ્ર હોવાથી અંગ્રેજોના કહેવાથી તેમણે આ ઑફિસ અલીગઢ ખસેડી. સર સૈયદે અંગ્રેજી સાહિત્યથી પ્રભાવિત ઉર્દૂ સાહિત્યના સર્જનની શરૂઆત પણ કરાવડાવી. તેને અલીગઢ ચળવળ કહે છે.

અલીગઢ આવ્યા પછી સર સૈયદે મુસ્લિમોના રાજકીય મંચ તરીકે બ્રિટિશ ઈન્ડિયન એસોસિયેશન શરૂ કર્યું. ૧૮૫૭ના બળવામાં દેશના હિંદુ-મુસ્લિમો એક થઈને લડ્યા હતા. એ પહેલાં પણ ભારતમાં કોમી આધાર પર વિભાજન નહોતું. અંગ્રેજોએ પોતાની સત્તા ટકાવવા માટે હિંદુ-મુસ્લિમોને લડાવવાની નીતિ અપનાવીને મુસ્લિમોમાં રાજકીય મહત્ત્વાકાંક્ષા પેદા કરવાની રમત શરૂ કરેલી. સર સૈયદ જેવા લોકો તેમનો હાથો બનેલા ને અંગ્રેજોના લાભાર્થે આ પ્રકારની સંસ્થાઓ શરૂ કરી હતી. સર સૈયદે મૌલવી સમિમુલ્લાહ સાથે મળીને ૧૮૭૫માં અલીગઢમાં પોતાના બંગલોમાં મદરેસાની શરૂઆત કરી હતી. ૧૯૭૭માં તેને મુહમ્મદન એંગ્લો-ઓરિએન્ટલ (માઓ) કૉલેજ નામ અપાયું. માઓ કૉલેજના માધ્યમથી અંગ્રેજો ઈચ્છતા હતા એ પ્રકારની રાજકીય પ્રવૃત્તિઓ શરૂ કરાઈ ને મુસ્લિમો માટે અલગ દેશની સ્થાપનાનાં બી રોપાયાં.

સર સૈયદે સીધી રીતે અલગ મુસ્લિમ રાષ્ટ્રનો વિચાર વહેતો મૂકેલો. ૧૮૬૬માં મેરઠમાં આપેલા પ્રવચનમાં તેમણે પહેલી વાર હિંદુ અને મુસ્લિમો માટે અલગ રાષ્ટ્રનો વિચાર વ્યક્ત કર્યો. ભારતીય ઉપખંડમાં મુસ્લિમોની આગવી ઓળખ છે તેથી હિંદુ અને મુસ્લિમો એક ના થઈ શકે એવો તેમનો સ્પષ્ટ મત હતો. સર સૈયદે ઉર્દૂ અને હિંદી વચ્ચે પણ ભેદરેખા દોરી દીધી. ભારતીય ઉપખંડમાં હિંદી હિંદુઓની ભાષા છે, જ્યારે મુસ્લિમોની ભાષા ઉર્દૂ છે એવો વિચાર રમતો મૂકીને તેમણે અંગ્રેજોના ઈશારે હિંદુ-મુસ્લિમોને અલગ કરવાની રમત શરૂ કરેલી. પછીનાં વરસોમાં આ વિચારો મુસ્લિમો માટે અલગ પાકિસ્તાનની રચનાનો આધાર બન્યા ને દેશના ભાગલા પાડ્યા. આ દેશના હિંદુ-મુસ્લિમોમાં વૈમનસ્યની શરૂઆત કરવાનું શ્રેય સર સૈયદને જાય છે.

સર સૈયદે ૧૮૮૬માં સ્થાપેલી ઓલ ઈન્ડિયા મુહમ્મદન એજ્યુકેશનલ કોન્ફરન્સ મુસ્લિમોની રાજકીય ગતિવિધિઓનું કેન્દ્ર બનેલું. અંગ્રેજ અધિકારીઓ આ કોન્ફરન્સમાં આવતા ને મુસ્લિમોની રાજકીય મહત્ત્વાકાંક્ષાઓ ભડકાવતા. સર સૈયદ તો ૧૮૯૯માં ગુજરી ગયેલા પણ ત્યા સુધીમાં તેમની કોલેજોમાં ભણેલા મુસ્લિમોનો પ્રભાવ મુસ્લિમ સમાજ પર વધવા માંડેલો. આ મુસ્લિમોએ જ ૧૯૦૬માં મુસ્લિમ લીગની સ્થાપના કરી. મૂળ તો ભારતમાં અંગ્રેજોને મદદ કરવા રચાયેલી કૉંગ્રેસમાં વીસમી સદીની શરૂઆતમાં અંગ્રેજ શાસનના વિરોધી નેતાઓ આવવા માંડેલા તેથી અંગ્રેજોએ તેમની સામે મુસ્લિમ લીગ બનાવડાવીને ખુલ્લેઆમ હિંદુ અને મુસ્લિમોને ધર્મના આધારે લડાવવાનો ખેલ શરૂ કરી દીધો. સર સૈયદે ચાલીસ વર્ષ પહેલાં બે રાષ્ટ્રનો વિચાર વહેતો કરેલો તેને વાસ્તવિકતામાં ફેરવવા માટે બવેલી મુસ્લિમ લીગે છેવટે ૧૯૪૭માં દેશના ભાગલા કરાવ્યા.

સર સૈયદે અંગ્રેજોની મુરાદ બર લાવવામાં મોટું યોગદાન આપેલું. સર સૈયદે ખાનગીમાં અંગ્રેજોની જે સેવા કરેલી તેના બદલામાં તેમને ‘સર’નો ખિતાબ તો મળ્યો જ, પણ ૧૯૨૦માં માઓ કૉલેજને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી બનાવીને તેને યુનિવર્સિટીનો દરજ્જો પણ અંગ્રેજોએ આપી દીધેલો. આ દરજ્જો મળ્યો એ પહેલાં અલીગઢમાં જ જામિયા મિલિયા ઈસ્લામિયા બનેલી. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી અંગ્રેજોની દલાલ તરીકે વર્તતી હતી તેથી તેના મુકાબલા માટે અલીગઢમાં કૉંગ્રેસ તરફી મુસ્લિમોએ જામિયા મિલિયા બનાવેલી. તેના કારણે માઓ કૉલેજનો દબદબો ના ઘટી જાય ને મુસ્લિમોની સર્વમાન્ય સંસ્થા તરીકે જામિયા મિલિયા ઈસ્લામિયા જામી ના જાય એટલે અંગ્રેજોએ જામિયા મિલિયા ઈસ્લામિયાની સ્થાપનાના બે મહિનામાં જ યુનિવર્સિટીનો દરજ્જો આપી દીધેલો. મુસ્લિમોનાં હિતો સાચવનારી શૈક્ષણિક સંસ્થા આ જ છે એવો મેસેજ જાય એટલે તેનું નામ પણ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી કરી દેવાયેલું.

મુસ્લિમ લીગને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરફથી તન, મન, ધનથી સહાય મળી એમ કહીએ તો ચાલે. મુસ્લિમ લીગે ૧૯૩૦ના દાયકામાં અલગ મુસ્લિમ રાષ્ટ્રની માગ બુલંદ બનાવી પછી મુસ્લિમોની ઘણી સંસ્થાઓએ મુસ્લિમ લીગની વાતનો ઉગ્ર વિરોધ કરેલો. અલીગઢ યુનિવર્સિટીએ કદી તેનો વિરોધ ના કર્યો. બલકે તેનો સ્ટાફ મુસ્લિમ લીગની પ્રવૃત્તિઓમાં ખુલ્લેઆમ ભાગ લેતો ને યુનિવર્સિટી તેને પ્રોત્સાહન આપતી. એ રીતે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનું પાકિસ્તાનની રચનામાં મોટું યોગદાન છે.

હવે અંગ્રેજો નથી ને મુસ્લિમ લીગ પણ નથી તેથી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી પર તેમનો પ્રભાવ છે એવું ના કહેવાય પણ તેમણે જે માહોલ ઊભો કરેલો એ બહુ બદલાયો નથી. આઝાદી પછી પણ એએમયુએ રાષ્ટ્ર નહીં પણ ધર્મ મોટો એ માનસિકતાને જ પોષી છે. તેના કારણે આજે પણ આ યુનિવર્સિટીમાં કટ્ટરતાનો પ્રભાવ છે, ધર્માંધતાની બોલબાલા છે. એએમયુમાં અત્યારે ૨૮ હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ ભણે છે ને ૧૫૦૦ તો અધ્યાપકો છે. આ વિદ્યાર્થીઓને કટ્ટરતાના પાઠ વધારે ભણાવાય છે તેથી એએમયુ આજે પણ તેની શૈક્ષણિક સિદ્ધિઓના બદલે વિવાદો માટે વધારે સમાચારોમાં રહે છે. સ્ટુડન્ટ યુનિયનની ઑફિસમાં મોહમ્મદ અલી ઝીણાની તસવીર લગાવવાના ને એવા વિવાદો માટે વધારે ચર્ચામાં રહે છે.

ઈતિહાસને બદલી શકાતો નથી, પણ ભાવિને ચોક્કસ બદલી શકાય છે. એએમયુની સ્થાપનાને સો વરસ પૂરાં થયાં છે ત્યારે તેના કારભારીઓ આ સંસ્થા જે ઉદ્દેશ સાથે સ્થપાયેલી એ તરફ પાછા વળે તો ઘણું. સર સૈયદ અહમદે પોતાની મહત્ત્વકાંક્ષા સંતોષવા આ સંસ્થાનો ઉપયોગ કર્યો, હાલના કારભારીઓ મુસ્લિમ સમાજના ભલા માટે તેનો ઉપયોગ કરે તો ભયો ભયો.

મોદીના ભાષણની 10 મહત્ત્વની વાત

  1. શિક્ષણ દરેકને સમાનરૂપે મળે
    નવી શિક્ષણનીતિમાં વિદ્યાર્થીઓની જરૂરિયાતોને ધ્યાનમાં લીધી છે. આજનો યુવા નવા પડકારોનું સમાધાન શોધી રહ્યો છે. રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં યુવાનોની આ આકાંક્ષાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. હવે વિદ્યાર્થીઓને નિર્ણય લેવાની સ્વતંત્રતા મળશે. 2014માં 16 IIT હતા, હવે ત્યાં 23 છે. આજે 20 IIM છે. શિક્ષણ દરેકને સમાનરૂપે મળે, અમે આ માટે કામ કરી રહ્યા છીએ.
  2. વાત દેશના લક્ષ્યનો હોય ત્યારે મતભેદોને એક બાજુ છોડી દેવા જોઈએ
    મને યુવાનો પાસેથી પણ કેટલીક અપેક્ષાઓ છે. AMUમાં જબરદસ્ત તાકાત છે. અહીં 100 છાત્રાલયો છે. તેમણે સ્વતાંત્ર્યસેનાનીઓને શોધવાની યોજના બનાવવી જોઈએ, જેના વિશે હજી ઘણું સાંભળ્યું નથી. જો આપણને આત્મનિર્ભર ભારતને મજબૂત બનાવવા માટે AMU તરફથી સૂચનો મળે, તો એ સારું હશે. આપણે ક્યાં અને કયા પરિવારમાં જન્મેલા, કયા ધર્મમાં ઊછરેલા છીએ એનાથી મોટું એ છે કે તેમની આકાંક્ષાઓ દેશની સાથે કેવી રીતે જોડાયેલી હોવી જોઈએ. વૈચારિક મતભેદો હોય છે, પરંતુ જ્યારે દેશનાં લક્ષ્યોને પ્રાપ્ત કરવાની વાત આવે છે ત્યારે બધું એક બાજુ મૂકી દેવું જોઈએ. એવું કોઈ લક્ષ્ય નથી કે જે એકસાથે મળીને મેળવી ન શકીએ.
  3. રાજકારણ રાહ જોઇ શકે છે, ડેવલપમેન્ટ નહીં
    આપણે એક સામાન્ય જમીન પર કામ કરવું પડશે. તમામ 130 કરોડ દેશવાસીઓને આનો લાભ મળશે. યંગસ્ટર્સ આ કામ કરી શકે છે. આપણે સમજવું પડશે કે રાજકીય સમાજનું મહત્ત્વનો ભાગ છે, પરંતુ સમાજમાં વધુ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ છે. રાજકારણથી પર પણ ઘણુંબધું હોય છે. બીજો એક સમાજ હોય છે. AMUના વિદ્યાર્થીઓ આ કરી શકે છે. મોટા ઉદ્દેશ માટે સાથે આવીએ છીએ તો બની શકે છે કે કેટલાક લોકો પરેશાન થાય. તેઓ પોતાના સ્વાર્થને સાબિત કરવા હેરાફેરીનો આશરો લેશે. રાજકારણ-સમાજ રાહ જોઈ શકે છે, પણ વિકાસ રાહ નથી જોતું. ગરીબ, વંચિત લોકો વધુ સમય રાહ જોઈ શકતા નથી. પાછલી સરકારોમાં મતભેદોના નામે ઘણો સમય પસાર થઈ ગયો છે, સાથે મળીને એક નવું આત્મનિર્ભર ભારત બનાવવું પડશે.
  4. દીકરીઓ માટે ઉચ્ચ શિક્ષણ પર વધુ ભાર
    AMUમાં મુસ્લિમ છોકરીઓની સંખ્યા 35% થઈ ગઈ છે. જાતિના આધારે ભેદભાવ ન થવો જોઈએ, દરેકને સમાન અધિકાર મળવો જોઈએ. આ AMUની સ્થાપનામાં સહજ હતું. પહેલા એવું કહેવામાં આવતું હતું કે જો સ્ત્રી શિક્ષિત થાય છે તો પરિવાર શિક્ષિત થાય છે. આનાથી પારિવારિક શિક્ષણ પર પણ ગાઢ પ્રભાવ પડે છે. મહિલાઓએ એટલા માટે શિક્ષિત થવું જોઈએ કે તેઓ પોતાના ભવિષ્યને સુરક્ષિત કરી શકે છે. ઇકોનોમિક ઇન્ડિપેન્ડન્ટ એમ્પાવર લઈને છે. પછી એ ઘર, સમાજને દિશા આપવાની વાત હોય કે દેશને દિશા આપવાની. દીકરીઓને વધુ ને વધુ ઉચ્ચ શિક્ષણ આપવું જરૂરી છે.
  5. જે દેશનું છે એ દેશના લોકોને મળવું જ જોઈએ
    કોઈપણ ભેદભાવ વિના કોરોનાકાળમાં 80 કરોડ લોકોને અનાજ આપવામાં આવ્યું. આયુષ્માન યોજના કોઈપણ ભેદભાવ વિના શરૂ થઈ. જે દેશનું છે એ દેશના લોકોને મળવું જ જોઈએ. એક પૂર્વ વિદ્યાર્થીએ અહેવાલ આપ્યો છે કે દેશમાં 10 કરોડ શૌચાલયોથી બધાને ફાયદો થયો છે. આ શૌચાલયો કોઈ ભેદભાવ વિના બનાવવામાં આવ્યાં હતાં.
  6. મુસ્લિમ પુત્રીઓનો ડ્રોપઆઉટ રેટ 70% થી ઘટીને 30%
    એક સમય એવો હતો જ્યારે દેશમાં મુસ્લિમ પુત્રીઓનો અભ્યાસ છોડી દેવાનો દર 70% કરતાં વધારે હતો. આ પરિસ્થિતિ 70 વર્ષ સુધી યથાવત્ રહી. આ પરિસ્થિતિમાં સ્વચ્છ ભારત મિશન શરૂ થયું. સરકારે મિશન મોડ પર શૌચાલયો બનાવ્યાં. ડ્રોપઆઉટ રેટ, જે 70% હતો, હવે 30% પર છે. પહેલાં મુસ્લિમ પુત્રીઓ શૌચાલય ન હોવાને કારણે અભ્યાસ છોડી દેતી હતી, હવે આવું નથી થઈ રહ્યું.
  7. AMUએ લોકોને નવી વિચારસરણી આપી
    વિદેશયાત્રા દરમિયાન અહીંના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મને મળે છે. તેઓ અહીંના કેમ્પસમાંથી ખુશનુમાં અને શેરો-શાયરીનો નવો અંદાજ લઈને જાય છે. 100 વર્ષના ઇતિહાસમાં AMUએ ઘણા લોકોને ભણાવ્યા છે, લોકોને નવી વિચારસરણી આપી છે.
  8. અહીં કુરાન સાથે ગીતા અને વિશ્વના ઘણા ગ્રંથો છે
    થોડા દિવસો પહેલાં જ મને ચાન્સેલર સૈયદના સાહેબનો પત્ર મળ્યો હતો. તેમણે વેક્સિનેશનમાં સહયોગ આપવાની વાત કરી. આવા જ વિચારોથી આપણે કોરોના જેવી મહામારી સામે લડી શકીએ છીએ
    રહી છે. લોકો કહે છે કે AMU એક શહેર જેવું છે. ઘણા વિભાગો અને લાખો વિદ્યાર્થીઓ વચ્ચે મિની ઇન્ડિયા દેખાય છે. ઉર્દૂની સાથે હિન્દી-અંગ્રેજી અને ઘણી ભાષાઓ શીખવવામાં આવે છે. કુરાનની સાથે ગીતા અને વિશ્વના અનેક ગ્રંથો પણ છે.
  9. અહીંના રિસર્ચ દેશની સંસ્કૃતિને નવી ઊર્જા આપે છે
    AMUના કેમ્પસમાં સર્વશ્રેષ્ઠ ભારતની ભાવનાને મજબૂત કરવા માટે કાર્ય થવું જોઈએ. અહીં ઉર્દૂ, અરબી અને ફારસી ભાષા પર કરવામાં આવેલાં રિસર્ચ ભારતની સંસ્કૃતિને નવી ઊર્જા આપે છે, AMUની જવાબદારી છે, દેશની જે સારી વાત છે, જે તાકાત છે, વિદ્યાર્થીઓએ એ અહીંથી લઈને જાય. સંસ્થાની બેવડી જવાબદારી છે. AMU સાથે સંકળાયેલા દરેક પોતાની ફરજોને ધ્યાનમાં રાખીને આગળ વધશે.
  10. ધર્મને કારણે કોઈ પાછળ ન રહી જાય
    સર સૈયદે કહ્યું હતું કે જે વ્યક્તિ દેશની ચિંતા કરે છે તેની સૌથી મોટી ફરજ છે કે તેઓ લોકો માટે કામ કરે, ભલે પછી તેમનો ધર્મ, જાતિ કંઇ પણ હોય. જે રીતે માનવ જીવન માટે દરેક અંગ સ્વસ્થ રહેવું જરૂરી છે એ જ રીતે તમામ સ્તરે સમાજનો વિકાસ જરૂરી છે. દેશ એક જ રસ્તે આગળ વધી રહ્યો છે. દરેક નાગરિક બંધારણમાંથી મળેલા અધિકારોને લઈને નિશ્ચિત રહે. આપણે એવા માર્ગ પર આગળ વધી રહ્યા છીએ કે ધર્મને કારણે કોઈને પાછળ ન રહેવું જોઈએ. દરેકને વિકાસ માટે સંપૂર્ણ તકો મળવી જોઈએ. સૌનો સાથ, સૌનો વિશ્વાસ, તેનો મૂળ મંત્ર છે.