IPC, CRPC અને એવિડેન્સ એક્ટ રદ કરી 3 નવા કાયદાની જાહેરાત, અમિત શાહે ગૃહમાં બિલ રજૂ કર્યુ

0
23
ઈન્ડિયન પીનલ કોડ (IPC) 1860ની જગ્યા હવે ભારતીય ન્યાય સંહિતા 2023 લેશે
18 રાજ્યો, 6 કેન્દ્રશાસિત પ્રદેશો, ભારતની સુપ્રીમકોર્ટ, 22 હાઈકોર્ટ, ન્યાયિક સંસ્થાનો, 142 સાંસદો અને 270 ધારાસભ્યો ઉપરાંત પ્રજાએ પણ આ બિલ અંગે સૂચન આપ્યા

નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે IPC, CRPC અને એવિડેન્સ એક્ટનેુ રિપ્લેસ કરીને 3 નવા કાયદા બનાવવાની જાહેરાત કરી હતી. તેમણે લોકસભામાં કહ્યું કે આજે હું જે ત્રણ બિલ લઈને આવ્યો છું તે તમામ પીએમ મોદીના પાંચ પ્રણમાંથી એકને પૂરું કરવાના છે. આ ત્રણ બિલમાં એક છે ઈન્ડિયન પીનલ કોડ, બીજું છે ક્રિમિનલ પ્રોસીજર કોડ, ત્રીજું છે ઈન્ડિયન એવિડેન્સ કોડ. ઈન્ડિયન પીનલ કોડ (IPC) 1860ની જગ્યા હવે ભારતીય ન્યાય સંહિતા 2023 લેશે. જ્યારે ક્રિમિનલ પ્રોસીજર કોડ (CRPC)ની જગ્યાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023 આવશે અને ઈન્ડિયન એવિડેન્સ એક્ટ, 1872ની જગ્યાએ ભારતીય સાક્ષ્ય અધિનિયમ લવાશે.  અમિત શાહે કહ્યું કે આ ત્રણેય કાયદાને રિપ્લેસ કરી તેની જગ્યાએ ત્રણ નવા કાયદા બનાવાશે. તેની ભાવના ભારતીયોને અધિકાર આપવાની હશે. તેનો ઉદ્દેશ્ય કોઇને દંડ આપવાનો નહીં હોય. તેનો ઉદ્દેશ્ય લોકોને ન્યાય આપવાનો રહેશે. તેમણે કહ્યું કે 18 રાજ્યો, 6 કેન્દ્રશાસિત પ્રદેશો, ભારતની સુપ્રીમકોર્ટ, 22 હાઈકોર્ટ, ન્યાયિક સંસ્થાનો, 142 સાંસદો અને 270 ધારાસભ્યો ઉપરાંત પ્રજાએ પણ આ બિલ અંગે સૂચન આપ્યા હતા. ચાર વર્ષ સુધી તેના પર ઘણી ચર્ચા થઈ. અમે તેના માટે 158 બેઠકો કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે આઈપીસી અંગે નવું બિલ દેશદ્રોહના અપરાધને સંપૂર્ણપણે રદ કરી દેશે. ભારતીય ન્યાય સંહિતા (New IPC)માં ભાગલાવાદ, સશસ્ત્ર વિદ્રોહ, વિનાશક પ્રવૃત્તિઓ, ભાગલાવાદી પ્રવૃત્તિઓ કે ભારતની સંપ્રભુતા કે એકતા અને અખંડતાને ખતરામાં નાંખતા કૃત્યો પર એક નવી જોગવાઈ ઉમેરાઈ છે.