નવી દિલ્હી: નાણા મંત્રી નિર્મલા સીતારમણ આ વખતે ઘર ખરીદનાર લોકોને મોટી ભેટ આપી શકે છે. નાણાકીય વર્ષ 2022-2023નું બજેટ નાણા મંત્રી નિર્મલા સીતારમણ તરફથી 1 ફેબ્રુઆરી 2022ના રોજ રજૂ કરવામાં આવશે. આ બજેટ એવા સમયે રજૂ થઈ રહ્યું છે જ્યારે અર્થતંત્ર કોરોના મહામારી ના મારથી ઊભું થવાનો પ્રાયસ કરી રહ્યું છે. આ બજેટમાં સરકાર ઇનકમ ટેક્સ એક્ટ (Income Tax Act)ની કલમ 80સી હેઠળ લોનની મૂળ રકમ ચૂકવવા પર મળતા ટેક્સ રાહતની વાર્ષિક મર્યાદા 1.5 લાખ રૂપિયામાંથી વધારીને 2 લાખ રૂપિયા કરવા પર વિચાર કરી રહી છે. 80સી હેઠળ મળતી છૂટની મર્યાદામાં છેલ્લે 2014ના વર્ષમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યારથી આ મર્યાદા જેમની તેમ છે. આથી આ મર્યાદામાં ફેરફાર કરવાની જોરશોરથી માંગણી કરવામાં આવી રહી છે.
શું છે કલમ 80સી?
ઇન્કમ ટેક્સની કલમ 80સી હેઠળ હોમ લોન લેનારા લોકોને લોનની મૂળ રકમ ચૂકવવા પર ટેક્સ વળતર મળે છે. જોકે, આ કલમ હેઠળ મ્યુચ્યુઅલ ફંડની ટેક્સ સ્કીમ (ELSS), પીપીએફ (PPF) અને NSC સહિત અન્ય યોજના પણ આવે છે. જેમાં રોકાણ કરીને ટેક્સમાં રાહત મેળવી શકાય છે. હાલ આ મર્યાદા 1.5 લાખ રૂપિયા છે. આ કલમ હેઠળ કરદાતા 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરીને ટેક્સની બચત કરી શકે છે.નિષ્ણાતોનું કહેવું છે કે હોમ લોન પ્રિન્સિપાલ (મુદલ) પર ટેક્સ કપાતની મર્યાદા વધારવાની જરૂરિયાત છે. કારણ એવું છે કે આ મર્યાદા છેલ્લે 2014માં વધારવામાં આવી હતી. જાણકારોનું કહેવું છે કે હોમ લોન પર ટેક્સ લાભ વધવાથી ઘરોની માંગ વધશે, કારણ કે લોકો ટેક્સમાં છૂટનો લાભ લેવા માટે ઘરની ખરીદી કરતા હોય છે.રિયલ એસ્ટેટ સેક્ટર (Real estate sector)ને આ વખતના બજેટમાં અન્ય આશાઓ પણ છે. આ સેક્ટર અફોર્ડેબલ હોમ લોન પર વધારાની 1.5 લાખ રૂપિયાના ડિડક્શનને વધુ એક વર્ષ માટે વધારીને માર્ચ 2023 સુધી કરવાના પક્ષમાં છે. આ પહેલા સરકાર બે વખત ડિડક્શનની મર્યાદા વધારી ચૂકી છે.