નવી દિલ્હી :સમગ્ર દેશમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની પણ શક્યતા છે. જેના કારણે પહાડોથી લઈને દરિયાકાંઠાના વિસ્તારો સુધી ભારે મુશ્કેલી પડી રહી છે. કુલુમાં વાદળ ફાટવાને કારણે નાળું છલકાઈ ગયું હતુ. ઘણા લોકો તણાઈ ગયા હોવાની આશંકા છે. વરસાદના કારણે મુંબઈ-દિલ્હીમાં પણ સ્થિતિ ખરાબ થઈ ગઈ છે.કુલુ જિલ્લામાં રાતથી પડી રહેલા ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ નુકસાન થવાની માહિતી છે. મણિકર્ણ ઘાટીમાં ચોજ નાળામાં ભારે વરસાદને કારણે પૂર આવ્યું છે, જેના કારણે રેસ્ટોરન્ટ અને પાર્વતી નદીના કિનારે બનેલા ઘણા ઘરો તણાઈ ગયા હોવાના અહેવાલ છે. આ અકસ્માતમાં કેટલાક લોકોના મોત પણ થયા હોવાની આશંકા છે. જ્યારે, શિમલા જિલ્લાના રામપુરમાં પણ ભારે વરસાદ પછી ભૂસ્ખલનને કારણે નેશનલ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો હતો.પૂર્વ મુંબઈમાં 58.6 મીમી, પશ્ચિમ ભાગમાં 78.69 મીમી વરસાદ નોંધાયો હતો. આગામી 48 કલાકમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. અનેક જગ્યાએ પાણી ભરાવાને કારણે વાહનવ્યવહારને અસર થઈ છે. કેટલાક વિસ્તારોમાં બસ અને લોકલ ટ્રેનોને અસર થઈ છે. મંગળવારે પણ દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા હતા. 4 થી 6 મીટર ઉંચા હાઇટાઇડનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને લોકોને બીચથી દૂર રહેવા જણાવ્યું છે.રાજસ્થાનમાં ચોમાસું મોડું પહોંચ્યું છે, પરંતુ મોટાભાગના જિલ્લાઓમાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો છે. ચોમાસાએ પહેલા ચાર દિવસમાં જ જયપુરને તરબોળ કરી દીધું હતું. અહીં વરસાદનો આંકડો 142 મીમીએ પહોંચ્યો હતો. આ આંકડો સામાન્ય કરતા 74% વધારે છે.હવામાન કેન્દ્ર જયપુર અનુસાર, 6 જુલાઈએ કોટા, ઝાલાવાડ, ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડામાં ભારે વરસાદ પડી શકે છે. 7 અને 8 જુલાઈએ કોટા, બુંદી, ચિત્તોડગઢ, ભીલવાડા, ઝાલાવાડ અને રાજસમંદમાં ભારે વરસાદની ચેતવણી જારી કરતી વખતે આ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.પૂર્વાંચલથી ઉત્તરપ્રદેશમાં પ્રવેશેલું ચોમાસું હવે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પહોંચી ગયું છે. આકરી ગરમી વચ્ચે સોમવારનો આખો દિવસ લખનઉના રહેવાસીઓ માટે વરસાદી રહ્યો હતો. હવામાન વિભાગે પશ્ચિમ ઉત્તર પ્રદેશના 12 જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.મધ્યપ્રદેશના તમામ જિલ્લાઓમાં ચોમાસુ સક્રિય થઈ ગયું છે. સોમવારે રાત્રે 12.30 સુધીમાં રાજધાની ભોપાલમાં 4 ઈંચ વરસાદ પડી ગયો હતો. હવામાનશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, ઓડિશામાં રચાયેલ પ્રથમ લો પ્રેશર વિસ્તાર અને મધ્યપ્રદેશ ઉપરથી પસાર થતી ટ્રફ લાઇનમાં ભારે વરસાદ પડી રહ્યો છે.ઈન્દોર સહિત રાજ્યમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદ ચાલુ રહેશે. મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. નવી સિસ્ટમના કારણે મધ્યપ્રદેશ ચોમાસાનું એપીસેન્ટર બન્યું છે. ભોપાલમાં બે દિવસ બાદ ભારે વરસાદ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગ્વાલિયર, ચંબલ અને બઘેલખંડના કેટલાક ભાગોને બાદ કરતાં મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. ઈન્દોરમાં મંગળવારે થોડા કલાકોમાં 4 ઈંચ વરસાદ થયો હતો, જેથી ઘણા વિસ્તારોમાં નદીઓ અને નાળાઓ છલકાઈ થવાને કારણે ઘણા રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે.
કુલુમાં વાદળ ફાટ્યું, પૂરના કારણે નાળામાં લોકો તણાયા; દિલ્હીમાં એલર્ટ, મુંબઈમાં પાણી ભરાયા
Date: