કોંગ્રેસે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં OBC અનામત મુદ્દે ચર્ચા કરવાની માંગ કરી, વેલમાં ધસી આવેલા ધારાસભ્યો ફરીવાર સસ્પેન્ડ

0
9
સરકાર લમ્પી વાયરસને કંટ્રોલ કરવામાં નિષ્ફળ નીવડી
કોંગ્રેસે ટૂંકી મુદતના સવાલના જવાબ સામે વાંધો ઉઠાવ્યો

અમદાવાદ : વિધાનસભા સત્રનો આજે છેલ્લો દિવસ છે. વિધાનસભા ગૃહમાં સરકાર તરફથી ત્રણ સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે. કેગનો અહેવાલ પણ રજૂ કરાશે. બીજી તરફ કોંગ્રેસ સતત બીજા દિવસે ગૃહમાં હંગામો મચાવી શકે છે. કોંગ્રેસના 15 ધારાસભ્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિધાનસભાના પ્રથમ દિવસે સર્વસંમતિથી ઢોર નિયંત્રણ બિલ પાછું ખેંચી લેવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુજસીટોક સુધારા વિધેયક બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલ પર આશરે એક કલાક કરતાં વધુ સમય સુધી ચર્ચા ચાલી હતી. ચર્ચાના અંતે સર્વાનુમતે આ બિલ પસાર કરવામાં આવ્યું હતું. આજે ગૃહ શરૂ થતાંની સાથે જ વિપક્ષ દ્વારા લમ્પી વાઇરસ અંગે ચર્ચા કરવા સમય માગવામાં આવ્યો હતો, પરંતુ અધ્યક્ષે સમય નહીં આપતાં વિપક્ષે હોબાળો કરીને વોકઆઉટ કર્યો હતો. OBC અનામતના વિવાદને લઈને વિધાનસભા ગૃહમાં હોબાળો થયો હતો. કોંગ્રેસ પક્ષે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં OBC અનામત મુદ્દે ચર્ચા કરવાની માગણી કરી હતી. પરંતુ અધ્યક્ષે કહ્યું હતું કે, આ ચર્ચા ન થઈ શકે. કોંગ્રેસના ધારાસભ્યોએ હાથમાં પ્લે કાર્ડ લઈને વિરોધ કર્યો હતો. વેલમાં ઘસી આવેલા કોંગ્રેસના ધારાસભ્યોને આજની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં.કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશે નિવેદન આપતા જણાવ્યું કે, ‘સરકાર લમ્પી વાયરસને કંટ્રોલ કરવામાં નિષ્ફળ નીવડી. રાજ્યમાં કચ્છ અને જામનગરથી લમ્પી વાયરસની શરૂઆત થઈ હતી. જો પૂરતી રસી મળી હોત તો લમ્પી વાયરસ કંટ્રોલ થયો હોત. ગાયો તડફડીને મરી રહી છે. મે ટૂંકી મુદ્દતનો પ્રશ્ન દાખલ કર્યો હતો. પરંતુ સંવેદનાપૂર્વક ચર્ચા કરવાના બદલે મારો પ્રશ્ન રદ કરાયો. આ મુદ્દાને વિધાનસભામાં મે ઉછાળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પશુપાલન મંત્રીએ અસંમતિ દર્શાવી છે. લમ્પી વાયરસમાં યોગ્ય રીતે વળતર ચૂકવવાની અમારી માંગણી છે. 25 હજારથી દોઢ લાખ ગાયની કિંમત છે. સરકાર સર્વે કરાવી વળતર ચૂકવે. તાત્કાલિક લમ્પી વાયરસને કંટ્રોલ કરવામાં આવે.કોંગ્રેસે ગૃહમાં વિવિધ મુદ્દે હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ ટૂંકી મુદતના સવાલના જવાબ સામે વાંધો ઉઠાવ્યો હતો તેમજ ગૃહમાં મોંઘવારી સહિત લમ્પી વાઇરસ મુદ્દે ચર્ચા કરવા સમય માગ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ નક્કી કરેલા વિષય સિવાય મુદ્દો ઉઠાવતા અધ્યક્ષે ટકોર કરી હતી. આ મુદ્દે વિધાનસભા અધ્યક્ષે કહ્યું હતું કે છેલ્લા દિવસના પ્રસ્તાવમાં 1 કલાકનો સમય છે ત્યારે ચર્ચા કરીશું. કોંગ્રેસના ધારાસભ્યોએ ‘ગૃહમાં ન્યાય આપો, ન્યાય આપો’ના સૂત્રોચ્ચાર કર્યા હતા. આમ વિધાનસભા ગૃહના ચોમાસુ સત્રનો બીજો દિવસ પણ હોબાળો શરૂ થયો હતો. વિપક્ષના ધારાસભ્યોએ લંપી વાઇયરસ અગે ચર્ચા માટે યોગ્ય સમય માગ્યો. જોકે પહેલાં સમય ન માગ્યો હોવાથી અધ્યક્ષે સમય ના આપ્યો. આ બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ વૉકઆઉટ કર્યો હતો. રાજય સરકાર દ્વારા વિધાનસભા ગૃહમાં લવાયેલા જીએસટી સુધારા વિધેયક, ગુજસીટોક સુધારા બિલ અને ગુજરાત વિદ્યુત ઉદ્યોગ (પુનર્ગઠન અને નિયમન) સુધારા વિધેયક મંગળવારે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે જીએસટીમાં ટેક્સમાં વધારો, ગુજસીટોકમાં ડ્રગ્સનો મુદ્દો ઉઠાવીને કડક ટીકા કરી હતી. ટીકા દરમિયાન ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે તડાફડી પણ થઇ હતી. ગુજરાત વિધાનસભા ગૃહની શરૂઆત તોફાની રીતે થઇ હતી. પ્રથમ દિવસની શરૂઆતમાં જ કર્મચારીઓના મુદ્દે કોંગ્રેસે ગૃહ બહાર અને ગૃહની અંદર સૂત્રોચ્ચાર, બેનર પ્રદર્શિત કરીને વિરોધ વ્યકત કર્યો હતો. અધ્યક્ષે વેલમાં ધસી આવનારા ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા હતા, એ પછી વિપક્ષના દરેક સભ્યોએ ગૃહત્યાગ કર્યો હતો. જોકે એ પછી હાથ ધરાયેલી પ્રક્રિયામાં વિપક્ષે જ ઢોર નિયંત્રણ વિધેયક પાછું ખેંચવું જોઇએ એવો પ્રસ્તાવ મૂકતા મંત્રીએ બિલ પાછું ખેચવા દરખાસ્ત કરી હતી, જે સર્વસંમતિથી ત્વરિત પસાર થઈ હતી. લાઠી વિધાનસભા બેઠકના કોંગી ધારાસભ્ય વીરજી ઠુમ્મરે સુધારા વિધેયક પર પોતાનો મત રજૂ કરતાં ગૃહમાં કહ્યું હતું કે યુવા ધન બીજા રવાડે ના ચડે એ માટે આતંકી કાયદા કડક બનાવવા જોઈએ. તપાસ એ થવી જોઈએ કે ડ્રગ્સ ખરીદી કોણ રહ્યાં છે? ડ્રગ્સ જેવી પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોને તાત્કાલિક ફાંસીની સજા આપવા પણ ઠુમ્મરે માગ કરતાં વધુમાં કહ્યું હતું કે ડ્રગ્સની સ્થિતિ જોવી હોય તો સિંધુ ભવન રોડ પર આવો. તમને જોવા મળશે કે યુવાનો શું કરી રહ્યાં છે ? તેમની કેવી સ્થિતિ છે?કોંગ્રેસના ધારાસભ્યોના મત બાદ ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું હતું કે ગુજરાતમાં NDPS અને પીટ NDPS એક્ટ કડક રીતે અમલી છે. NDPS એક્ટ હેઠળ તો ઓડિશાની ગેંગની સંપત્તિ પણ ટાંચમાં લીધી છે તેમ છતાં પણ ડ્રગ્સ-માફિયાઓને ગુજસીટોક કાયદા હેઠળ સમાવવા માટે વધારે વિચારણા કરાશે.