હે ઈશ્વર,આપનાં શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. આજે ગુરુવાર એટલે કે પ્રાર્થનાનો દોર!; આપણે હમણાં તો પ્રાર્થનાં વિશે સ્વતંત્ર ચિંતન થયું નથી. આપણાં તન મન ને પવિત્ર કરનારું જો કોઈ સીધુંસાદું માધ્યમ હોય તો એ પ્રાર્થનાં છે, અને એને ઈશ્વર સાથેનો સીધો સંવાદ પણ કહી શકીએ! પ્રાર્થનામાં ભાષા કે અભિવ્યક્તિની એવી કોઈ મહત્તા નથી હોતી, માત્ર સાધકનો ભાવ કે આત્મનિવેદન સ્પષ્ટ અને સાચું હોવું જોઈએ. આપણે ગીતાનાં શ્લોક પરના ચિંતનમાં જોયું કે ઈશ્વર પાસે આપણાં કર્મ બાબતની કોઈ નોંધ હોતી નથી, અથવા તો એ એ બાબત એ અલિપ્ત છે, પણ આતંરિક પ્રકૃતિ દ્વારા થતાં કર્મો, બાહ્ય પ્રકૃતિને જોડનારા છે, કે તોડનારા! એની નોંધ અસ્તિત્વ લે છે, અને એ મુજબ એ આપણને સારુ ખરાબ ફળ આપે છે.

હિન્દુ સંસ્કૃતિમાં ઈશ્વરના કેટલાય સ્વરૂપ છે, અને આદિદેવ જગતગુરુ શંકરાચાર્યનાં મત પ્રમાણે પંચદેવને એમાં વિશેષ મહત્વ આપીએ છીએ. પરંતુ હિન્દુ સનાતનની સંસ્કૃતિનાં ચાર મહત્વનાં સૂત્રોમાં માતૃદેવો ભવ, પિતૃદેવો, આચાર્ય દેવો ભવ, અને અતિથી ભવ, એમ માતા, પિતા, આચાર્ય એટલે ગુરુ અને અતિથીને પણ ઈશ્વર માનવામાં આવે છે. હમણાં દોહિત્રી ઘરમાં દોડાદોડ કરતી હોય એની મમ્મી નું બાળપણ અને એની સરખામણીમાં મારી મા મોસાળ અને ખાસ કરીને નાનપણના લાડ યાદ આવે! માતાપિતાની તોલે કોઈ આવે નહીં એટલે આપણે પણ આજે સાવ સીધાસાદા શબ્દોમાં લખાયેલ આ પ્રાર્થના પર ચિંતન કરીશું.
- માબાપ ને ભૂલશો નહીં*
ભુલો ભલે બીજુ બધુ માબાપને ભૂલશો નહિ, અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહિ.
પથ્થર પૂજ્યાં પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું. એ પુનિત જનનાં કાળજાં, પત્થર બની છુંદશો નહિ,
કાઢી મુખેથી કોળીયાં,મ્હોમાં દઇ મોટા કર્યા, અમ્રુત તણાં દેનાર સામે,ઝેર કદી ઉગળશો નહિ.
લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા, એ કોડના પૂરનારના, કોડ પૂરવા ભૂલશો નહિ.
લાખો કમાતા હો ભલે, માબાપ જેનાથી ના ઠર્યા, એ લાખ નહિ પણ રાખ છે,એ માનવું ભૂલશો નહિ.
સંતાનની સેવા ચાહે, સંતાન છો સેવા કરો, જેવું કરો તેવું ભરો,એ ભાવના ભૂલશો નહિ.
ભીને સૂઇ પોતે અને સુકે સુવાડ્યા આપને, એ અમિમય આંખને, ભુલીને ભિંજવશો નહિ.
પુષ્પો બિછાવ્યા પ્રેમથી, જેણે તમારા રાહ પર, એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ,એના પુનિત ચરણો તણી, ચાહના કદી ભૂલશો નહિ.
મોટેભાગે અજ્ઞાત લખ્યું છે, પરંતુ એક જ જગ્યાએ સંત પુનિત મહારાજની આ રચના છે એમ લખ્યું છે. પણ જેણે લખ્યું એ ખરેખર વંદનીય છે, અને આ કૃતિમાં કોઈ ભાવાર્થની જરૂર નથી,સાવ સીધા સાદા શબ્દોથી લખાયેલું આ એક એવું સત્ય છે, જે લગભગ દરેક સંતાને અનુભવ્યું છે! પરંતુ તે છતાં એ સત્ય જીવન પર્યંત યાદ રહેતું નથી, અને એને કારણે મા બાપ કે જેને ઈશ્વર સમકક્ષ સ્થાન અપાયું છે, એની અવગણના થઈ જાય છે, અને ઉપેક્ષા થાય છે! અથવા એનાં પ્રત્યે બે જવાબદાર પણ થઈ જવાય છે! અને અમૃતનાં દૂધ પીવડવનાર ને ઝેર જેવાં વેણ કહેવાય જાય છે. ઈશ્વરનાં અન્ય સ્વરૂપની સાધના કે પૂજા દરમિયાન આપણે કેટલાએ નીતિ નિયમો કે દ્રવ્યોની જરૂર પડતી હોય છે, પરંતુ માબાપ એક એવા ઈશ્વર છે કે જેણે સંતાન પાસેથી જિંદગીમાં કોઈ અપેક્ષા રાખી જ નથી હોતી, હા જવાબદારી સમજાવવા માટે, કે જીવનમાં આગળ કોઈ મુશ્કેલી ન પડે, એ માટે ક્યારેક કઠિન થયા હોય, બાકી માબાપની મમતાનું કોઈ મોલ આંકી શકાય એમ નથી.

આજનો સામાજિક રેસિયો જોતાં મોટેભાગે સંતાનો વધુ રૂપિયા કમાવા માબાપને છોડીને અન્ય જગ્યાએ સ્થિર થયા છે. જોકે એની માટે ઘણાં કારણો પણ હોય! પરંતુ આ રેશિયો જોતાં એવું લાગે કે સંતાન માટે માબાપ એક સીડી છે, અને સીડી ચડીને સંતાન સફળતા પ્રાપ્ત કરે છે! અને ઉપર ચડી ગયા પછી એ સીડીનું એને મન કોઈ મહત્વ રહેતું નથી! આમાં સંસ્કાર બહુ મહત્વનો ભાગ ભજવે છે! અને એટલે અપવાદ પણ હોય છે જેમ કે અમારા! એટલે એમ કહોને 70/30 નાં રેશિયા માં 30% સંતાનો પોતાની સફળતાનું શ્રેય માબાપને આપે છે! પણ માનવીને સુખ માટે જ્યારથી સાધનોની જરૂર પડવા લાગી, અથવા તો સુવિધાજનક સાધનો એ જ એને સંબંધોથી વિમુખ કર્યા, એવું એક તારણ પણ કાઢી શકાય. પણ ઉપર લખ્યું એમ લાખો કમાતા હો ભલે.. એ રુપિયા રાખ છે! જો એમાંથી તમે તમારા માબાપને ઠાર્યા નહીં! મા-બાપ કાંઈ આ રૂપિયાની આશા રાખીને બેઠા નથી હોતાં, પણ ઋણ અદા કરવાની આ તક જવા દેવી એ અત્યંત ભૂલ ભરેલું છે! અને આગળ ઉપર જઈ એનું ફળ અહીં જ ભોગવવું પડશે! એમાં કોઈ બે મત નથી.
સૂકાં માં સૂવાડી ભીનાં માં સૂવે પોતે ! અને તાવ તરિયો થયો હોય તો જે આંખો રાત રાત જાગી હોય, એ આંખમાં સંતાનને કારણે આંસુ આવે! એ બહુ જ ખોટું કહેવાય! પણ દેશકાળ પ્રમાણે હવે આવું બધું સહજ થઈ ગયું છે, અને એમાં પણ વચ્ચેની પેઢી, કે જે પોતાનાં સંસ્કારોને કારણે માતાપિતા સાથે રહ્યાં, અને તોય પોતાનાં સંતાનોને બાંધ્યા નહીં, એટલે કે એમને ઉડવા આખું આકાશ આપ્યું, અને એ સફળ બનીને દેશ પરદેશ વસી ગયા!: આવી વચ્ચેની પેઢીને ક્યારેક દયનીય સ્થિતિમાં જોઈએ ત્યારે એમ થાય કે ઈશ્વરનો આ કેવો ન્યાય છે? પહેલાંના પ્રમાણમાં હવે જનરેશન ગેપ બહુ મોટો થતો જાય છે! જોકે આજની પેઢીની દરેક વાત અવગણવા જેવી જ હોય છે, એવો હઠાગ્રહ પણ આની માટે જવાબદાર છે! કારણકે આજની પેઢી ઉડાવ છે બાજુ તો સૌને દેખાણી, પણ એ માત્ર ઉડાવ નહીં ઉદાર પણ છે, અને એમાં પણ ખાસ કરીને બદલાવને અહમ આગ્રહનો મુદ્દો બનાવ્યા વગર બહુ ઝડપથી સ્વીકારી શકે છે! અને એ ખરેખર વંદનીય છે! સામાજિક રીતે વૃદ્ધાશ્રમ બને એ બહુ સારી વાત
નથી, પણ એમાં દરેક વખતે સંતાનો જવાબદાર નથી હોતાં!; ક્યારેક બે પેઢી વચ્ચે વિચારોનું વૈમનસ્ય વધ્યું હોય!; અને આગ્રહ હઠાગ્રહ બને એવું પણ એવું બની શકે! બીજી રીતે જોઈએ તો હોસ્પિટલમાં કે આવાં વૃદ્ધાશ્રમમાં કેટલીય યુવાની કામ કરે છે! ભલેને વેતનની બદલે! પણ દિલથી સેવા કરતાં જોઈએ ત્યારે આ પેઢીને નમવું ગમે! કારણકે એમને એની સાથે કોઈ લેતીદેતી નથી હોતી, અને છતાં આટલી આત્મિયતા રૂપી સાત્વિક શ્રદ્ધા! બસ આવી શ્રદ્ધાથી જે પોતાની આજીવિકા રળશે, એનાં માતાપિતાનું શ્રાદ્ધ થઈ જશે! એટલે કે એમનાં પિતૃઓ તૃપ્ત થશે. આ રીતે બેય પેઢી અંદરોઅંદર એકબીજામાં શ્રદ્ધા અને વિશ્વાસથી જીવી શકે, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજનાં દિવસનાં સ્નેહ વંદન અને જય સીયારામ.
