વોશિંગ્ટન : અમેરિકન અબજોપતિ એલોન મસ્ક સતત ટ્વિટર પર બોટ એકાઉન્ટ્સ એટલે કે ફેક અને સ્પામ એકાઉન્ટ્સ અંગે વિગતો શેર કરી રહ્યા છે. એલોન મસ્ક સતત કહી રહ્યા છે કે, જ્યાં સુધી કંપની નકલી અને સ્પામ એકાઉન્ટ્સની વિગતો રજૂ નહીં કરે ત્યાં સુધી તે કોઈ ડીલ કરશે નહીં. અહેવાલ અનુસાર, મસ્કની ટીમે જણાવ્યું હતું કે, ટ્વિટર સ્પામ એકાઉન્ટ્સ પર પોતાના આંકડાઓ વેરિફાઈ કરી શકતું નથી. કહેવામાં આવી રહ્યું છે કે, આ કારણે ટ્વિટરની ડીલ જોખમમાં મુકાઈ ગઈ છે અને ડીલ પર વાતચીત પણ સમાપ્ત થઈ ગઈ છે. આ અંગે જાણકાર લોકોનું કહેવું છે કે, ટેસ્લા પ્રમુખ મસ્કે આ ડીલ જોખમમાં મૂકી દીધી છે.કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ટ્વિટરે મર્જ કરારની શરતો અનુસાર ટ્રાન્ઝેક્શન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે મસ્ક સાથે માહિતી શેર કરવાનું ચાલુ રાખ્યું છે. કંપનીનું માનવું છે કે, આ ડીલ તમામ શેરધારકોના હિતમાં છે. અમે ટ્રાન્ઝેક્શનને રોકવા અને સંમત મુદ્દાઓ અને શરતો પર મર્જ એગ્રીમેન્ટ લાગુ કરવા માંગીએ છીએ.નોંધનીય છે કે, ટ્વિટરનો ઉપયોગ વિશ્વભરના અબજો લોકો કરે છે. અહેવાલ અનુસાર, ટ્વિટરે કહ્યું હતું કે, દરરોજ ઓછામાં ઓછા 10 લાખ જેટલા સ્પામ એકાઉન્ટ્સને પ્લેટફોર્મ પરથી રિમૂવ કરવામાં આવે છે.અગાઉ મસ્કનું અનુમાન હતું કે, ટ્વિટરના 22.9 કરોડ એકાઉન્ટ્સમાંથી લગભગ 20 ટકા ફેક એકાઉન્ટ્સ છે. એલોન મસ્કે સંકેત આપતા કહ્યું હતું કે, ટ્વિટર સાથે ગયા મહિને કરવામાં આવેલી 44 અબજ યુએસ ડોલરની ઓફર કરતા ઓછી ચૂકવણી કરવા માંગે છે. ટેસ્લાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) એલોન મસ્કએ જણાવ્યું હતું કે, ટ્વિટર ખરીદવાનો તેમનો સોદો ત્યાં સુધી આગળ વધી શકશે નહીં જ્યાં સુધી કંપની તેના પ્લેટફોર્મ પરથી ફેક અથવા સ્પામ એકાઉન્ટ્સ 5 ટકાથી ઓછા ચાલી રહ્યા હોવાના પુરાવા જાહેરમાં નહીં બતાવે.