પૂર્વ MLA સુનીલ ઓઝાનું નિધન, 2014 અને ’19માં વારાણસી બેઠક પર નરેન્દ્ર મોદીને જીત અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી

0
7
2014 અને '19માં વારાણસી બેઠક પર નરેન્દ્ર મોદીને જીત અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી
દિલ્હીમાં હાર્ટ-એટેક આવ્યો

નવી દિલ્હી : ભાવનગરના પૂર્વ ધારાસભ્ય, ભાજપના વરિષ્ઠ નેતા સુનીલ ઓઝાનું દિલ્હીમાં નિધન થયું છે. તેમના અકાળે નિધનના સમાચારથી ભાજપમાં શોક છવાઈ ગયો છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહની નિકટ મનાતા ઓઝાએ ઘણાં રાજ્યોમાં કેસરિયો લહેરાવવા માટે સ્ટ્રેટેજી ઘડી હતી. સુનીલ ઓઝા વર્ષોથી યુપીના પ્રભારી હતા અને વારાણસીમાં નરેન્દ્ર મોદીને ચૂંટણી જીતવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. હવે તેમને યુપીથી બદલી કરીને બિહારના પ્રભારી બનાવવામાં આવ્યા હતા અને તે લોકસભાની ચૂંટણીની સ્ટ્રેટેજી બનાવી રહ્યા હતા. દરમિયાન દિલ્હીમાં હતા ત્યારે આજે સવારે હાર્ટ એટેક આવતાં તેમનું નિધન થયું હતું. તેમના પાર્થિવદેહને તેમના વારાણસી સ્થિત નિવાસ સ્થાને આજે લઈ જવાશે અને આવતીકાલે 30 નવેમ્બરે સવારે 11 વાગ્યે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના ગણાતા સુનિલ ઓઝાને બિહાર બીજેપીના સહ-પ્રભારી બનાવવામાં આવ્યા હતા. બિહારના રાજકારણને ધ્યાનમાં રાખીને સુનીલ ઓઝાની નિમણૂકને એક મોટું પગલું માનવામાં આવતું હતું. 2024ની લોકસભા ચૂંટણી પહેલાં ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી હતી. દરેક રાજ્યમાં સંગઠનને સુવ્યવસ્થિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને ખાલી પડેલી જગ્યાઓ પણ ભરવામાં આવી રહી છે. રાજકીય રીતે બિહાર બીજેપીના એજન્ડામાં ખૂબ જ ઉપર છે. આ જ કારણ છે કે બિહાર ભાજપની ટીમને નવો આકાર આપવામાં આવ્યો છે. બિહારના પડકારને ધ્યાનમાં રાખીને સુનિલ ઓઝા જેવા વ્યક્તિને બિહાર મોકલવામાં આવ્યા છે. કારણ કે ગત લોકસભા ચૂંટણીમાં ભાજપને 40માંથી 39 બેઠકો પર તેના સાથી પક્ષો સાથે સફળતા મળી હતી. સુનીલ ઓઝા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના મનાય છે. ગુજરાતની ભાવનગર વિધાનસભા બેઠક પરથી બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડી રહ્યા હતા, તે સમયે ભાજપે તેમને યુપીના સહ-પ્રભારી બનાવ્યા હતા. પડદા પાછળનાં કામ માટે જાણીતા સુનીલ ઓઝાની ભૂમિકા પણ આ જીતમાં ખૂબ મહત્ત્વની માનવામાં આવે છે. હાલમાં ઓઝા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતવિસ્તાર વારાણસી અને તેની આસપાસના વિસ્તારો પર ચાંપતી નજર રાખે છે. જોકે, તેમણે એક વખત પાર્ટી સામે બળવો પણ કર્યો છે. 2007માં જ્યારે સુનીલ ઓઝાને પાર્ટી દ્વારા વિધાનસભાની ટિકિટ આપવામાં આવી ન હતી, ત્યારે તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા, પરંતુ ચૂંટણી હારી ગયા હતા. તેઓ MJPમાં જોડાયા હતા. પરંતુ 2011માં તેઓ ફરીથી ભાજપમાં જોડાયા હતા. ત્યાર પછી તેઓ ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજીક બની ગયા. તે અમિત શાહની પણ નિકટ હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ ફેબ્રુઆરી 2002માં તેમના જીવનની પ્રથમ ચૂંટણી લડી હતી. વજુભાઈ વાળાના સ્થાને પ્રથમ વખત મોદી ચૂંટણી લડ્યા ત્યારે સુનીલ ઓઝા રાજકોટમાં તેમના પ્રભારી હતા. ઓઝાએ પોતાની સૂઝબૂઝ અને મહેનતથી આ ચૂંટણીમાં વધુ સારી વ્યવસ્થા કરી હતી. તેનાથી મોદી ખૂબ જ પ્રભાવિત થયા હતા. 2002માં મોદી ફરીથી મણિનગરથી ચૂંટણી લડ્યા અને ઓઝા તેમની બેઠક ભાવનગર દક્ષિણથી વિધાનસભા પહોંચ્યા. કહેવાય છે કે ઓઝાનો મોદી સાથેનો સંપર્ક આના કરતાં પણ જૂનો હતો. ઓઝા સંગઠન મહાસચિવ હતા ત્યારથી મોદીને ઓળખતા હતા.