આજથી શિક્ષણકાર્ય સંપૂર્ણ અનલોક : બોર્ડ પરીક્ષાઓ સાથે સ્કૂલો-કોલેજો શરૂ થશે

0
23
સરકારે સ્કૂલો-કોલેજો અને હોસ્ટેલો માટે ગાઈડલાઈન જાહેર કરી
સરકારે સ્કૂલો-કોલેજો અને હોસ્ટેલો માટે ગાઈડલાઈન જાહેર કરી

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના કેસ હવે નહિવત આવી રહ્યા છે અને સ્થિતિ ઘણે અંશે સુધરી ગઈ છે ત્યારે સરકારની મંજૂરીથી શિક્ષણ પણ હવે સંપૂર્ણ અનલોક થઈ રહ્યુ છે.આવતીકાલે ૧૫મી જુલાઈથી રાજ્યમાં બોર્ડ પરીક્ષાઓ શરૃ થશે અને સાથે સ્કૂલો અને કોલેજો પણ આવતીકાલે ૧૫મી જુલાઈથી શરૃ થઈ રહી છે.આ માટે આજે મોડે મોડે એક દિવસ પહેલા સરકારે સ્કૂલો અને ટેનિકલ તેમજ વોકેશનલ કોલેજો માટે કલાસરૃમ શિક્ષણ શરૃ કરવા અને વિદ્યાર્થીઓને બોલાવવા સહિતની બાબતોની વિગતવાર એસઓપી પણ જાહેર કરી છે.સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધો.૧૨ની સ્કૂલોમાં ૧૫મી જુલાઈથી કલાસરૃમ શિક્ષણ શરૃ કરવા માટે આજે વિધિવત પરિપત્ર કરી દેવાયો છે.જે મુજબ ધો.૧૨માં સાયન્સ,સામાન્ય પ્રવાહ સહિત તમામ પ્રવાહની સ્કૂલો રાજ્યમાં ઓફલાઈન શિક્ષણ માટે શરૃ કરાશે. ઓફળાઈન શિક્ષણમાં હાજરી વિદ્યાર્થી માટે મરજીયાત રહેશે અને કલાસરૃમમાં ન આવનારા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા સ્કૂલોએ ચાલુ રાખવાની રહેશે. પ્રત્યક્ષ શિક્ષણ માટે વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી નિશ્ચિત નમુનામા લેખિત સંમતિ પત્ર મેળવવાનું રહેશે. વર્ગ ખંડોમાં ૫૦ ક્ષમતાના મર્યાદામાં એકાંતર દિવસ મુજબ વિદ્યાર્થીઓને કલાસરૃમ શિક્ષણ માટે બોલાવવાના રહેશે. તેમજ કલાસમાં કોઈ પણ બે વિદ્યાર્થી વચ્ચે પુરતુ અંતર જળવાય તેનું અચુક પાલન કરવાનું રહેશે. સમયાંતરે નિયમિત તમામ કલાસનું સેનિટાઈઝેશન કરવાનું રહેશે તથા  સ્કૂલના કેમ્પસમાં હેન્ડ વોશિંગ અને સેનેટાઈઝેશન પૂરતા પ્રમાણમાં રાખવાના રહેશે.  સ્કૂલના તમામ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ તથા વિદ્યાર્થીઓએ ફેસ માસ્ક ફરજીયાત યોગ્ય રીતે પહેરવાનું રહેશે. સરકારે સ્કૂલો શરૃ કરવાનો નિર્ણય ઘણા દિવસો પહેલા લીધા હતો પરંતુ હજુ સુધી ઠરાવ થયો ન હતો જેથી સ્કૂલ સંચાલકો મુંઝવણમાં હતા પરંતુ એક દિવસ પહેલા આજે ઠરાવ કરી દેવાયો છે અને આગલા દિવસે વાલીની મંજૂરીનો નમૂનો પણ જાહેર કરવામા આવ્યો છે.પાંચ મહિના બાદ રાજ્યભરમાં સ્કૂલો ફરીથી ઓફલાઈન શિક્ષણ માટે શરૃ થઈ રહી છે ત્યારે ધો.૧૨ના વિદ્યાર્થીઓ હાજરી સારી એવી સ્કૂલોમાં દેખાશે.જો કે હજુ સુધી વિદ્યાર્થીઓનું વેક્સિનેશન થયુ નથી જેથી ઘણા વાલીઓ બાળકોને હાલ સ્કૂલે મોકલશે નહી. પરંતુ ૫૦ ટકાથી વધુ હાજરી નોંધાય તેવી શક્યતા છે.આવતીકાલે ૧૫મી જુલાઈથી ધો.૧૨ની સ્કૂલો સાથે તમામ યુજી-પીજી કોલેજો અને ઈજનેરી-ફાર્મસી કોલેજો સહિતની તમામ ટેકનિકલ કોલેજો પણ ઓફલાઈન શિક્ષણ સાથે શરૃ થશે.ઉપરાંત આવતીકાલે ૧૫મીથી ધો.૧૦ અને ૧૨ની રીપિટર અને ખાનગી વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષા પણ શરૃ થઈ રહી છે.આમ આવતીકાલે ૧૫મી જુલાઈથી રાજ્યમાં શિક્ષણ પણ સંપૂર્ણ અનલોક થઈ રહ્યુ છે. સ્કૂલો અને કોલેજો બંનેમાં વિદ્યાર્થીના પ્રવેશ માટે વાલીની લેખિત સંમતિ ફરજીયાત કરવામા આવી છે .જે આચાર્યને આપવાની રહેશે અને સ્કૂલોના વાલીએ એવી બાંયધરી આપવાની છે કે મારા પરિવારમાં કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત હશે તો અને મારુ ઘર કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં આવતુ હશે તો મારા પુત્ર કે પુત્રની શાળાએ નહી મોકલુ.જ્યારે કોલેજોના વિદ્યાર્થીના વાલીએ એવી બાંયધરી આપવાની છે કે તેમનો પુત્ર કે પુત્રી કોલેજમાં આવ્યા બાદ જો ભવિષ્યમાં કોરોના સંક્રમિત થશે તો તેની જવાબદારી સંસ્થાની રહેશે નહીં.