ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળનો નિર્ણય, હવે તલાટી બનવા ગ્રેજ્યુએશન જરૂરી

0
8
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે તલાટી કમ મંત્રીની પરીક્ષાને લઈ નિયમોમાં ફેરફાર કર્યા
ધો. 12 પાસ વિદ્યાર્થી તલાટી કમ મંત્રીની પરીક્ષા નહીં આપી શકે

અમદાવાદ : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે તલાટી કમ મંત્રીની પરીક્ષાને લઈ નિયમોમાં ફેરફાર કર્યા છે. નવા નિયમ મુજબ, આ પરીક્ષા આપવા માટે ઉમેદવાર પાસે ગ્રેજ્યુએશનની લાયકાત હોવી જરૂરી છે. હવે ધો. 12 પાસ વિદ્યાર્થી તલાટી કમ મંત્રીની પરીક્ષા આપી શકશે નહીં. તલાટી કમ મંત્રીની છેલ્લે મે મહિનામાં પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં રાજ્યનાં 2697 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી. પાંચ વર્ષ બાદ 3400થી વધુ જગ્યાઓ તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવામાં આવી હતી. અંદાજે 8.50 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં તલાટીની પરીક્ષા યોજાઈ હતી. થોડા સમય પહેલાં જ રાજ્યમાં તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને ગાંધીનગરમાં નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં પંચાયત સેવાના 3014 તલાટી કમ મંત્રીને નોકરી મળશે. સાથે 998 જુનિયર ક્લાર્કને પણ નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા. ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા. તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક સહિત આશરે 4500 ઉમેદવારને નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા. સાથે જ મુખ્યમંત્રીએ નિમણૂક પત્ર લેનાર ઉમેદવારો માટે પીએમ મોદી દ્વારા અપાયેલા સંદેશને વાંચીને સંભળાવ્યો હતો. કાર્યક્રમમાં મુખ્યમંત્રી, પંચાયત વિભાગના મંત્રી અને અધિકારીઓ હાજર રહ્યા હતા.