ગુજરાતમાં કાળઝાળ ગરમીમાં થોડી રાહત થઇ છે. બંગાળની ખાડીમાંથી મજબૂત નૈઋત્યના દરિયાઈ પવનો ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર પર ફૂંકાવાનું શરૂ થતાં બળબળતા તાપથી આંશિક રાહત થયો છે. અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસની સરખામણીએ ગરમીની તીવ્રતામાં સાધારણ ઘટાડો અનુભવાયો છે. જોકે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 3 દિવસ બાદ તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રી સુધીનો વધારો થતાં ગરમીમાં વધારો થવાની સંભાવના છે.અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસની સરખામણમાં સોમવારે ગરમીની તીવ્રતામાં સાધારણ ઘટાડો અનુભવાયો છે. જોકે, આગામી 3 દિવસ બાદ તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો વધારો થતાં ગરમીમાં વધારો થવાની સંભાવના છે. સોમવારે અમદાવાદમાં 40.7 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 1 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. રાત્રિનું લઘુતમ તાપમાન 25 ડિગ્રીથી વધારે નોંધાયું હતું. આ સાથે આગાહી પ્રમાણે, આગામી ૩ દિવસ દરમિયાન અમદાવાદમાં 41 ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાનનો પારો નોંધાઇ શકે છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દક્ષિણપૂર્વ અરબી સમુદ્રમાં દરિયો તોફાની બન્યો હતો. જેના કારણે માછીમારોને 15મી સુધી દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે. તો બીજી તરફ આજે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી હિમાલયન વિસ્તારમાં ત્રાટકવાનું હોય તેની અસર રૂપે ઉત્તર-પશ્ચિમ ભારતમાં તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા સેવવામાં આવી છે. આ સાથે અરૂણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કીમ, આસામ, મેઘાલય વગેરે રાજ્યોમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી છે. હવામાનમાં આવેલા આ ફેરફારની અસર તળે ગુજરાતમાં આજે એકંદરે નૈઋત્ય અને પશ્ચિમ તરફથી પવનો ફૂંકાવાનું શરૂ થયું છે. જેના કારણે સૌરાષ્ટ્ર બાજુ કાળઝાળ ગરમીમાં આંશિક રાહતનો અનુભવ થયો છે.