સુખનો પાસવર્ડ: દરેક વ્યક્તિએ જીવનમાં એક સાચો મિત્ર બનાવવો જોઈએ

0
27
કોરોનાને કારણે એક બિઝનેસમેન ભયંકર આર્થિક મુશ્કેલીમાં મુકાયા ત્યારે..
કોરોનાને કારણે એક બિઝનેસમેન ભયંકર આર્થિક મુશ્કેલીમાં મુકાયા ત્યારે..

કોવિડ-૧૯ના મહારોગચાળાના સમયમાં ઘણા લોકોની સારી બાજુ બહાર આવી તો ઘણાની ખરાબ બાજુ પણ છતી થઈ ગઈ. લૉકડાઉનને કારણે એક પરિચિતે ભયંકર આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. એ વખતે તેમના મોટા ભાગનાં સગાંવહાલાં અને મિત્રોએ મોઢાં ફેરવી લીધાં. તે પરિચિતે એ વિશે વાત કરી ત્યારે બહુ દુ:ખ થયું અને જાણીતા લોકગાયક ચેતન ગઢવીએ કહેલી એક સરસ મજાની વાત યાદ આવી ગઈ. ચેતનભાઈના સૌજન્ય સાથે એ વાત તેમના શબ્દોમાં નજીવા ફેરફાર કરીને વાચકોની સામે મૂકું છું.
** નાનું એવું ગામ રામપરા, ગામ. એ ગામના ધણી મેરામણ બાપુ. જેવું નામ એવા જ ગુણ. દાતારીનો અવતાર જોઈ લ્યો. દરરોજ સવાર-સાંજ ડાયરાઓ ભરાય. કવિઓ-ચારણો અને જરૂરતમંદ હરકોઈ માટે બાપુના દરવાજા ખુલ્લા રહે. નાના કે મોટા સૌ કોઈનું બાપુ યથાયોગ્ય સન્માન કરે. તેમને મદદરૂપ થાય અને બીજાઓને મદદ કરીને પોતે પણ આનંદ પામે.
એક દિ’ સવારમાં ડેલીએ ડાયરો જામ્યો હતો. વાતુનો દોર અને કાવા-કસુંબાની જમાવટ થઈ હતી. એવામાં એક અવાજ આવ્યો: ‘એ જય માતાજી.’
ડાયરામાં બેઠેલા બધાની નજરું આવનાર માણસ તરફ મંડાણી. પણ કોઈ એને ઓળખે, સમજે ઈ પહેલાં મેરામણજી બાપુ ઊભા થઈ ગયા. તેમણે સામા ડગલાં ભરીને મહેમાનને બાથ ભરી. બાપુના મોઢેથી વેણ સરી પડ્યાં – “અરે આ તો મારો બચપણનો ભેરુ, મારો મિત્ર!
બંનેને ભેટતાં જોઈ થોડીવાર ડાયરાને કૃષ્ણ-સુદામાના મિલનની ઝાંખી થઈ. પોતાના ભેરુબંધને જોઈને બાપુ સોળે કળાએ ખીલી ઊઠ્યા.
તેમણે કહ્યું, “કાવા-કસુંબા લાવો, હોકા ભરો, મીઠાઈયું લાવો, આ તો મારો જિગર, બચપણનો ભાઈબંધ.
ગાળાના સમ દઈ દઈને કસુંબાના કેફ ચડાવ્યા પછી વાતુનો દોર ચાલ્યો. નાનપણના સંભારણાથી લઈને આજ દિવસ સુધી “તને સાંભરે રે, મને કેમ વિસરે રે.. એવી વાતું જામી. આ રીતે બે દિ’ ક્યાં વીતી ગયા ખબર નો પડી. ત્રીજા દિવસે મિત્રએ રજા માગી. બાપુનું મન માનતું નો,તું પણ મિત્રએ કહ્યું કે “બાપુ જવું જ પડે એમ છે.બાપુના મનમાં ચમકારો થયો, પણ કાંઈ સમજાયું નહીં.
ડાયરો મહેમાનને વળાવવા પાદર સુધી ગયો, પણ બાપુ સીમાડા સુધી ગયા. ત્યાં જઈને પછી ભેરુબંધના ખભે હાથ રાખીને તેની સામે જોયું…
અને એ મિત્રએ અત્યાર સુધી ગળામાં જે વાત અટકાવી રાખી હતી એ બાપુને મૂંઝવણ સાથે ધીમા સાદે કરી: “એકની એક દીકરીનાં લગન છે, ઘરની અને મારી સ્થિતિ નબળી થઈ ગઈ છે, નબળો સમય ચાલી રહ્યો છે, ઘણી હિંમત કરીને તારી પાંહે મદદની આશાએ આવ્યો છું. તારાથી થાય તો મદદ કરજે, ભેરુ. વધુ તો તને શું કહું!બાપુ થડકારો ચૂકી ગયા. અને તરત બોલ્યા: અહીં જ ઊભો રે’ જે, હાલતો નઈ મારા સમ છે. બાપુ ઘરે જઈ રૂપિયાનું પોટલું લાવી ભેરુના હાથમાં આપી બોલ્યા… આ મારી દીકરીનું કાપડું સમજજે. કરજો નથી અને હાં… કાંઈ ઓછું નો કરતો, હજી હું બેઠો છું, ભાઈબંધ. હસતો-હસતો વિદાય થયો. ઘરે આવી બાપુની આંખમાંથી ચોધાર આંસુ હાલ્યા જાય. ઘણાએ સમજાવ્યા, પણ રૂદન અટકે નહીં. બાપુના ઘરવાળા બોલ્યાં: “રૂપિયા નો’તા દેવા તો ના પાડી દેવી’તી. હવે દીધા પછી આમ રોવા બેઠા ઈ શું સારું લાગે? બસ કરો બીજી વાર ધ્યાન રાખજો.બાપુ આંસુભરી આંખે બોલ્યા: “એય નાસમજ, રૂપિયા દીધા એનું રોવું નથી આવતું, પણ આખા મલકને ખબર છે કે ઈ મારો મિત્ર છે. મારા મિત્રનો આવો ખરાબ સમય આવી ગ્યો એની મને ખબર નો પડી અને તેણે મારા ઘરે મદદ માગવા આવવું પડ્યું. આ કેવી મિત્રતા? આ કેવી ભાઈબંધી. બસ આ વાત મારા દિલમાં ખટકે છે અને રુદન અટકતું નથી, નક્કી મારી મિત્રતામાં કંઈક ખામી છે.આ કિસ્સો કહ્યા પછી ચેતનભાઈએ ઉમેર્યું હતું કે આ સાચી ઘટનાનો મરમ એ છે કે એકબીજાની ભીતરની વાતું જાણે, સુખદુ:ખમાં સાથે હોય, જેની સાથે મનની મોકળાશ અનુભવાય, જેના સંગથી હૂંફ અને હિંમત અનુભવાય,  જીવનનો ખાલીપો ભરાય એવો એકાદ મિત્ર જીવનમાં હોવો જ જોઈએ અને આપણે પણ કોઈકના આવા મિત્ર બની રહીએ એવો પ્રયાસ કરવો જોઈએ.