રાહુલ ગાંધી સાથે ટ્રેક્ટર પર રણદીપ સુરજેવાલા,દીપેન્દ્ર હુડ્ડા સહિત અન્ય કેટલાય કોંગ્રેસી નેતાઓ સવાર,કહ્યું- આ ખેડૂતોનો મેસેજ

0
29
ટ્રેક્ટર ચલાવીને સંસદ પહોંચ્યા રાહુલ ગાંધી
ટ્રેક્ટર ચલાવીને સંસદ પહોંચ્યા રાહુલ ગાંધી

કોંગ્રેસી સાંસદ રાહુલ ગાંધીએ સોમવારે સવારે દિલ્હીના રસ્તાઓ પર ટ્રેક્ટર ચલાવીને સૌ કૌઈને ચોંકાવી દીધા હતા. કોંગ્રેસ પાર્ટીનું કૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શન ચાલુ છે અને તેના અનુસંધાને સોમવારે રાહુલ ગાંધી ટ્રેક્ટર ચલાવીને સંસદ ભવન પહોંચ્યા હતા. રાહુલ ગાંધી સાથે ટ્રેક્ટર પર રણદીપ સુરજેવાલા, દીપેન્દ્ર હુડ્ડા સહિત અન્ય કેટલાય કોંગ્રેસી નેતાઓ સવાર જોવા મળ્યા હતા. ટ્રેક્ટરની આગળની બાજુ કૃષિ કાયદા વિરૂદ્ધ પોસ્ટર ચોંટાડવામાં આવ્યુ હતું અને ખેડૂતોના સમર્થનમાં વાતો કહેવામાં આવી હતી.કોંગ્રેસી સાંસદ રાહુલ ગાંધીએ જણાવ્યું કે, આ ખેડૂતોનો અવાજ છે, ખેડૂતોનો અવાજ સાંભળવામાં નથી આવી રહ્યો. સરકારે આ ત્રણેય કૃષિ કાયદા પાછા લેવા પડશે, આ કાળા કાયદા છે. ખેડૂતો પર ખોટા આરોપ લગાવવામાં આવી રહ્યા છે અને તેમને આતંકવાદી પણ કહેવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો દ્વારા દિલ્હીના જંતર-મંતર ખાતે ખેડૂત સંસદ લગાવવામાં આવી રહી છે. 200 ખેડૂતો દરરોજ જંતર-મંતર ખાતે સંસદ યોજશે, જે સંસદના મોનસૂન સત્ર સુધી ચાલુ રહેશે. છેલ્લા આશરે એક વર્ષથી દિલ્હીની ટિકરી, સિંધુ અને ગાઝીપુર બોર્ડર પર ખેડૂતોનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. ખેડૂતો ત્રણેય કાયદા પાછા લેવા માગણી કરી રહ્યા છે. જોકે સરકારના કહેવા પ્રમાણે કાયદા પાછા નહીં લેવામાં આવે. જો કોઈ ફેરફાર કરવો હોય તો સરકાર વાતચીત કરવા માટે તૈયાર છે. સંસદમાં પણ કૃષિ કાયદાઓને લઈ સતત હંગામો ચાલુ છે. કૃષિ કાયદા, પેગાસસ જાસુસી મુદ્દા સાથે સંકળાયેલા હંગામાના કારણે સંસદના બંને સદનમાં કામકાજ નથી થઈ શકતું.