હમણાં જ શરદપૂર્ણિમા હતી, અને આપણે ત્યાં આ પર્વ બે ઋષિઓની કે આદિકવિની યાદ અપાવે છે. એક તો આદિકવિ વાલ્મિકી, અને બીજા નરસિંહ મહેતા. આજ સુધી નરસિંહને કોઈએ આદિકવિ કહ્યાં, કોઈએ ભગત કહ્યાં, તો કોઈએ વેદાંતી પણ કહ્યાં, પરંતુ ઋષિ કદાચ કોઈએ નહીં કહ્યા હોય! ઋષિ એટલે મંત્ર દ્રષ્ટા એવું કહ્યું છે! અને મંત્રનો એક અર્થ વિચાર થાય! પરબ્રહ્મ કહો, બ્રહ્મ કહો, ઈશ્વર કહો, પરમાત્મા કહો, પણ એને વિશે સીધાસાદા શબ્દોમાં અને સાવ અભણને પણ સમજાવી શકે, એવી વેદવેદાંત કે ઈશ્વરની વ્યાખ્યા નરસિંહે પોતાના પદમાં કરી છે! જેમકે જાગને જાદવા, જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, ભૂતળ ભક્તિ પદારથ મોટું, આખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ!: નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો! પ્રેમરસ પાને તું મોરનાં પિચ્છધર તત્વનું ટૂપણું તુચ્છ લાગે! આમ જેણે ઘર ઘરમાં ઈશ્વરને રમતો કર્યો એ નાગર નરસિંહને ઋષિ કહેવામાં મને કોઈ આપત્તિ નથી. નરસિંહ માટે મારું કાયમનું નિવેદન છે કે જે નર કાળને પણ કોળિયો બનાવી ઓળંગી ગયો એ નરસિંહ. જોકે કાયમ મને એવું પણ લાગે છે કે નરસિંહ વિશે કંઈ પણ કહેવા માટે હજી નાનાં છીએ! એની ભક્તિ રસાનૂભૂતિ કે શબ્દાનૂભૂતિ સુધી આપણી સ્થૂળ દ્રષ્ટિ ક્યારેય પહોંચી શકે નહીં.

વાલ્મિકી ઋષિ કે જેને મહર્ષિની ઉપાધિ પ્રાપ્ત થઈ છે, અને એનાં જન્મ વિશે આજે પણ મતમતાંતર ચાલે છે. પરંતુ આદિકવિ વાલ્મિકી રામાયણના પ્રથમ રચયિતા છે, અને કહેવાય છે કે રામાવતારના 60 વર્ષ પૂર્વે તેમણે આ રામાયણની રચના કરી હતી. મહાન ભારતીય મહાકાવ્ય રામાયણના લેખક, વાલ્મિકી ઋષિ પ્રથમ સહસ્ત્રાબ્દીની શરૂઆતની આસપાસ જીવતા હતા. તેમને ‘હિંદુ’ શ્લોકના મૂળ નિર્માતા ‘આદિકવિ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. એમણે જ અનુષ્ટુપ છંદની રચના કરી હતી, અને એમને કારણે જ શ્લોક સ્વરૂપ રામાયણ, મહાભારત, પુરાણો અને અન્ય કૃતિઓ જેવા મહાન મહાકાવ્યો બનેલા છે. આ દિવસે મંદિરોમાં વિશેષ પૂજા, રામાયણનું પઠન, શોભાયાત્રા અને ભક્તિસંગીતના કાર્યક્રમો યોજાય છે.પ્રચેતા નામના બ્રાહ્મણને ત્યાં આસો સુદ પૂનમના દિવસે તેમનો જન્મ થયો હતો, અને તેનું નામ રત્નાકર રાખવામાં આવે છે, આ ઉપરાંત તે પોતાના પિતાના નામ પ્રમાણે પ્રાચેતસ નામથી પણ ઓળખાય છે.તેના માતા-પિતા તપ કરવા જંગલમાં જાય ત્યારે પોતાના બાળકને જંગલમાં જ છોડી દે છે. એક ભીલ દંપતી તેને ધનુર્વિદ્યામાં પારંગત બનાવીને આગળ ઉપર પોતાની કમાણી માટેનું સાધન બનાવે છે. આમ એક બ્રાહ્મણનું સંતાન અયોગ્ય ઉછેરને કારણે વાલીયા નામનો લુટારો બને છે, જે અરણ્યમાં આવતા લોકોને બાણ મારીને લૂંટીને તેનું ઘર પરિવાર ચલાવે છે. એકવાર અરણ્યમાં નરેડા નામના મહર્ષિ આવે છે , અને વાલિયા લૂંટારાને પાપ કર્મથી બચાવે છે. વાલિયો મહર્ષિને કહે છે તમે મોહ માયાથી અંધ બનેલી આંખો ખોલી નાખી, હવે હું આવુ પાપ કર્મ નહિ કરું, અને ભગવાનનુ તપ કરીશ. મહર્ષિ જતા જ વાલીઓ લૂંટારો એ સ્થાન પર બેસી જાય છે. અન્ન જળ ત્યાગીને ભગવાનનું તપ કરવા લાગે છે, અને તેની પર રાફડો જામતો જાય છે.રાફડાને સંસ્કૃતમાં વાલ્મિક કહેવામાં આવે છે, માટે ત્યારથી તેનું નામ વાલ્મીકિ પડે છે. તેમણે ત્યાર બાદ તમસા નદીને કિનારે પોતાનો આશ્રમ બનાવ્યો,અને ભારદ્વાજ ઋષિ તેમના મુખ્ય શિષ્ય હતા. એકવાર નદીમાં સ્નાન કરવા જતાં સમયે સામેના ઝાડ પર કૌચ નામના પક્ષી યુગલનો નર કામાસક્ત બન્યો, ત્યાં જ એક પારધિએ તેને બાણ માર્યું,અને તે મૃત્યુ પામે છે, આથી તેનું સાથી દુખી થઇને વિલાપ કરે છે,જે જોઈને વાલ્મીકિ ઋષિના મોઢામાંથી કરુણતાને કારણે એક શ્લોક સરી પડ્યો.मा निषाद प्रतिष्ठां त्वमगमः शाश्वतीः समाः।यत्क्रौंचमिथुनादेकम् अवधीः काममोहितम्॥ આમ અનુષ્ટુપ છંદની રચના થઈ, ઋષિને પોતે ઋષિ હોવા છતાં આમ પારધિને શ્રાપ આપી દીધાની વેદના પણ થઈ. તેમણે નારદમુનીને પોતાની આ વેદના કહી, અને નારદજી એ આ શ્લોકને જન જન સુધી પહોંચાડવા માટેનો અનુરોધ કર્યો, અને એ રીતે રામાયણના મહાકાવ્યની રચના વાલ્મીકિ ઋષિના હાથે થઈ પ્રભુ શ્રીરામ એ માતા સીતાનો બીજીવાર નો ત્યાગ કર્યો પછી એમણે જ પોતાના આશ્રમમાં સીતા ને સાચવી લીધા હતા અને લવ કુશ બંને બાળકોને તમામ વિદ્યા શીખવી હતી! તેમજ રામાયણ નું જ્ઞાન પણ આપ્યું હતું. આ બંને બાળકો એ અશ્વમેઘ યજ્ઞ વખતે પ્રભુ શ્રીરામ ના અશ્વ ને લલકાર્યો હતો. નરસિંહ અને વાલ્મિકી બંને નાં ચરિત્ર પરથી એક વાત નક્કી થાય છે, કે એક ઋષિ એ લવ કુશ જેવાં વીરને સકલ વિદ્યા થી વિભૂષિત કર્યા, અથવા તો રમતા કર્યા, જ્યારે બીજા ઋષિએ વેદ નાં બ્રહ્મ ને વરણ વરણ માં રમતો કર્યો. આપણે ત્યાં વાલ્મિકી એક સમાજને કહેવામાં આવે છે અને એમની પાસે પણ અમુક લોકો વિદ્યા છે અને જે સાધન થકી પણ માત્ર મનોરંજન નહીં પણ મનોમંથન થઈ શકે છે, અને ભવોભવના બંધન છૂટે છે. સાગર ચંદ્રમાનું પૂર્ણ તેજસ્વી સ્વરૂપ જોઈને ગાન્ડોતૂર થાય છે, અને તેથી પૂનમે ભરતી અને અમાસે ઓટ હોય છે. ચંદ્રની વધતી ઘટતી કળાથી પૂર્ણ થતાં કામ ભાવની વૃદ્ધિ કરનાર પુનમને દિવસે મન કાબૂમાં રહે, એ માટે જ મહારાસ એટલે કે આત્મા-પરમાત્મા અને પ્રકૃતિ ત્રણેનાં મિલનનો સંયોગ એટલે કે શરદ પૂર્ણિમાની રાતનો મહારાસ છે, જ્યાં જીવ પ્રકૃતિ સાથે પરમ તત્વમાં તલ્લીન થઇ જાય છે, એટલે કે સ્વયંની જે પ્રકૃતિ હોય તે ભૂલીને કૃષ્ણ તત્વમાં સમાય જાય છે,એ મહારાસ હશે જ એવો કે જ્યાં સૌ કોઈ ભાન ભૂલી જાય, એટલે જ તો નરસૈયો પણ ભાન ભૂલી જાય છે, અને હાથ સળગી જાય છે. સૂક્ષ્મ રીતે આ ઘટનાને જોઈએ તો નરસિંહ મહેતાએ દેહને સળગાવ્યાં પછીની મુક્તિની અવસ્થાનો જીવતા આનંદ લીધો, એવું પણ આપણે કહી શકીએ. શંકર ગોપી બન્યા એટલે કે સ્ત્રી લીંગ ,પુ લીંગની આપણી માનસિકતા એ બધું જ છૂટે તો જ આ મહારાસ એટલે કે જીવન મુક્તિના રાસમાં પ્રવેશ મળે. આપણામાં આવી જાગૃતિ જલ્દી આવે, અને સમયની હવે પછીની એક પણ ક્ષણ બગડે નહીં, એમ આપણે પણ જાગૃત રહીને મોહ માયાના ચકરડા થી દૂર રહી સૌ પ્રત્યે પરમ પ્રેમનાં શરદની ચાંદની જેવાં અહેસાસ તળે વીતાવીને આ શરદપૂર્ણિમાને ઉજવીએ.
