દક્ષિણ ગુજરાત -સૌરાષ્ટ્રમાં 7 જુલાઈ સુધી ભારે વરસાદની શક્યતાઓ, અમદાવાદ અને ગાંધીનગર કોરા ધાકોર

0
6
છેલ્લા 24 કલાકમાં 149 તાલુકામાં વરસાદ ખાબક્યો
ભારે વરસાદથી જનજીવન ઠપ્પ થઈ ગયું

અમદાવાદ : ગુજરાતમાં આખરે ચોમાસું જામવાનું શરૂ થઇ ગયું છે.સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરનાં રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં સૌથી વધુ સાડા આઠ ઇંચ વરસાદ સુરત જિલ્લાનાં પલસાણામાં નોંધાયો હતો. સુરત શહેરમાં પણ સાડા ત્રણ ઇંચ વરસાદથી પાણી-પાણી થયું હતું. ઓલપાડમાં પાંચ ઇંચ, બારડોલી-ચોર્યાસીમાં પાંચ ઇંચ, મહુવા-માંડવી-માંગરોળમાં 3-3 ઇંચ વરસાદ થયો હતો.ઉતર ગુજરાતમાં પણ મેઘમહેર શરુ થઇ હોય તેમ બનાસકાંઠા તથા પાટણ પંથકમાં ધોધમાર વરસાદ હતો. દિયોદરમાં સાડા સાત ઇંચ, ડીસા-અમીરગઢમાં પાંચ-પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો. બંને જીલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ હતો.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 149 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે.રાજ્યના 11 તાલુકાઓમાં 3 ઈંચ કરતાં વધારે વરસાદ વરસ્યો છે. જ્યારે 23 તાલુકાઓમાં 2 ઈંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. આ સિવાય રાજ્યના 50 તાલુકા એવા છે જ્યાં 1 ઈંચ કરતાં વધારે વરસાદ વરસ્યો છે.જ્યારે ઉમરગામ, કપરાડા, નવસારી, માંગરોળમાં અઢી ઈંચ, તો ચોર્યાસી, લખપત, પલસાણા, વડાલી, ધરમપુર, પારડી, જલાલપુર, ચીખલી અને લાલપુરમાં 2-2 ઈંચ વરસાદ નોંધાયો છે.ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદથી જનજીવન ઠપ્પ થઈ ગયું છે. સૌરાષ્ટ્ર, બનાસકાંઠા, આણંદ અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદથી નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.ખાસ કરીને આણંદ જિલ્લાના બોરસદમાં ગુરુવાર શુક્રવાર દરમિયાન પડેલા ભારે વરસાદને પગલે પુર જેવી સ્થિતિ સર્જાઈ છે. બોરસદ તાલુકાના અનેક ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે. જ્યારે એનડીઆરએફની ટીમોને પણે તૈનાત કરી દેવામાં આવી છે.હવામાન વિભાગે ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.3 જુલાઈએ સૌરાષ્ટ્ર, કચ્છ, દિવ-દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, તાપી, પોરબંદર, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસમાં વડોદરા, સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, તાપી સહિત અન્ય વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.રાજ્યમાં સિઝનનો ચાર ઈંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. ત્યારે રાજ્યના જળાશયોમાં વાપરવાલાયક પાણીનો જથ્થો માત્ર 28.37% બચ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થયો હોવા છતાં ત્યાં કેટલાક જળાશયોમાં હજી પાણીનો પુરતો જથ્થો નથી. તે ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ અત્યાર સુધીમાં બે ઈંચ કરતાં વધુ વરસાદ થયો છે ત્યારે ત્યાંના જળાશયોમાં હાલ માત્ર 11 ટકા જેટલો પાણીનો જથ્થો છે. દક્ષિણ ગુજરાતમાં 42.22% જ્યારે સૌરાષ્ટ્રમાં 24.09% પાણીનો જથ્થો બચ્યો છે.