ગાંધીનગર: ગુજરાતમાં દરરોજની ૨૦ આત્મહત્યા, ૪ કરતાં વધુ બળાત્કાર, ૩૦ જેટલી ચોરી થાય છે, જ્યારે દરરોજના ૫૭ જેટલાં અપમૃત્યુ અને ૩૭ લોકો આકસ્મિત રીતે મોતને ભેટયા છે. આ ઉપરાંત રોજનાં સાત અપહરણ, બે કરતાં વધુ લૂંટ તેમ જ ત્રણ જેટલાં ખૂનની ઘટના પોલીસ ચોપડે નોંધાય છે. ગુજરાત વિધાનસભામાં છેલ્લાં બે વર્ષમાં બનેલી ઘટનાઓ અંગે પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં આ આંકડા બહાર આવ્યા હતા.ગુજરાતમાં છેલ્લાં બે વર્ષમાં જ ૧૪,૪૧૦ જેટલા આપઘાતના બનાવો બન્યા હતા, જેમાંથી મોટી સંખ્યામાં લોકો વ્યાજખોરોના ત્રાસથી જીવન સંકેલી લીધું હતું. બીજી બાજુ વ્યાજખોરોના ત્રાસથી એકસાથે આખો પરિવાર આપઘાત કરી રહ્યો છે, તો હત્યા, લૂંટ તેમજ બળાત્કાર જેવી ઘટનાઓ પણ સતત વધી રહી છે. આ સમગ્ર ઘટનાઓના કુલ ૪૦૪૩ આરોપી ખુલ્લા ફરી રહ્યા છે. અમદાવાદ તેમજ સુરતમાં આ પ્રકારના ગુના સૌથી વધુ સામે આવ્યા છે. ગાંધીનગર, જેને શાંત શહેર માનવામાં આવે છે, પરંતુ ત્યાં પણ બે વર્ષમાં ૩૯ હત્યા, ૨૪ બળાત્કાર, ૪૬ લૂંટ, ૫૦૦થી વધુ ચોરીઓ તેમજ ૪૪૫ આપઘાતની ઘટનાઓ ઘટી છે.