
ભારતીય પરંપરામાં સ્વસ્તિક એટલે કે સાથિયો શુભનાં પ્રતીક તરીકે માનવામાં આવે છે, અને લગભગ દરેક હિંદુનાં ઘરમાં સાથીયાનુ સ્થાન છે. એમાં પણ ઉંબર પૂજામાં મધ્યમાં સ્વસ્તિક દોરવામાં આવે છે, અને આજુબાજુ બે લક્ષ્મીના પગલા દર્શાવવામાં આવે છે, જે અમારા નાગર પરિવારમાં લગભગ દરેક સ્ત્રી આ પરંપરા નિભાવતી જોવા મળે છે, પરંતુ હવે તો ઘરમાંથી ઉંબર જ નીકળી ગયાં! હકીકતમાં અનીતિને રોકવા ઉંબરની રચના કરવામાં આવી હતી,ખેર છોડો. સ્વસ્તિક મુખ્યત્વે શુભ અને કલ્યાણકારી ભાવનાનું પ્રતિક છે, તેમાં ઊભા સ્થંભ તારીખે જે લીટી દોરવામાં આવે છે તે જ્યોતિર્લિંગનું પ્રતીક માનવામાં આવે છે, અને આડી લીટી વિષ્ણુ છે, આ ઉપરાંત ચાર બાજુઓને વિષ્ણુના ચાર હાથ તરીકે પણ જોવામાં આવે છે. કોઈ વાર કોઈ જગ્યાએ સ્વસ્તિકને ગણેશનાં પ્રતિક સ્વરૂપે પણ ગણવામાં આવે છે, કારણ કે ગણેશને મંગલતાનુ ખુદ શિવ દ્વારા વરદાન આપવામાં આવ્યું હતું. પરંતુ ચારેય દિશામાં વિષ્ણુ અને આપણે ત્યાં વિષ્ણુને અનંત પણ કહેવામાં આવે છે. એટલે કે આડી ઉભી બધી જ રીતે દશે દિશાઓમાં જે અન્યનાં પોષણનું વિચારે એવા કલ્યાણકારી ભાવને મધ્યસ્થ રાખવામાં આવે તો બધું જ શુભ છે, એટલે કે પોષણ કરતાં ભાવ મધ્યસ્થ અને વિસ્તૃત હોવો જોઈએ. સ્વસ્તિક આપણે ત્યાં લાલ કુમકુમ કે સિંદૂરથી કરવામાં આવે છે, અને લાલ રંગ આપણે ત્યાં પ્રેમનો સ્વીકારવામાં આવ્યો છે. સિંદૂર આપણે ત્યાં સુહાગન સ્ત્રીઓ પોતાની સેંથીમાં પૂરે છે, એટલે કે સમર્પણનાં પ્રતીક તરીકે સિંદૂરને સ્વીકારવામાં આવ્યું છે, તો પ્રેમ અને સમર્પણથી પરિવારનાં પોષણનું વિચારીને સ્ત્રી સતત જીવે છે, એનેજ આ શુભનાં દર્શન થઈ શકે. અથવા તો એની માટે જે બધું થાય છે તે શુભ છે, એવું સ્વીકારવું કે તેવો વિશ્વાસ કરવો એ સહેલું બને છે. આવા મંગલને કલ્યાણકારી વિચારોથી આ પ્રતીક સદીઓથી આપણે ત્યાં પરંપરાગત રીતે ઉંબર પૂજામાં તેને દોરી અને ઘરની સ્ત્રી સર્વનાં કલ્યાણની ભાવના મધ્યસ્થ રાખી, જીવવાનો સંકલ્પ કરે છે, એવું પણ કહી શકાય.
અહીં ઘટતી દરેક ઘટના શુભ છે, પરંતુ માનવી પોતાની બુદ્ધિનાં તણખલાથી ઘટનાઓને પોતાની રીતે ચીતરે છે, અને એમાં જ જીવન ડહોળાઈ જાય છે. આપણે ત્યાં કોઈના લગ્ન હોય તો એને શુભ ઘડી તરીકે માનવામાં આવે છે, કોઈ ઘરનું વાસ્તુ પૂજન હોય તો એને શુભ ઘડી કહેવામાં આવે છે, જનોઈ હોય તો એને શુભ કહેવામાં આવે છે, અન્ય કોઈ લગ્ન તિથિ કે જન્મદિન હોય તો એને શુભ કહેવામાં આવે છે, કે પછી અન્ય સિદ્ધિ સફળતાને પણ શુભ કહી શકાય છે. પરંતુ મૃત્યુને આપણે ત્યાં શુભ કહેવામાં આવતું નથી, એના વિશે સૂક્ષ્મ ચિંતન કરતા એક સ્પષ્ટ તારણ નીકળે છે કે, આ બધી જ ઘટનાઓ માનવીને સતત ભોગમાં પ્રવૃત્ત રાખે છે! શું એટલે એને શુભ માનવામાં આવે છે? નાં, હકીકતમાં એ તેનો મુખ્ય હેતુ હતો નહીં. એટલે કે લગ્ન એ માત્ર બે વ્યક્તિના નહીં પણ પરિવારનાં મિલનનીની વાત છે, અને એ રીતે અંદરોઅંદર પ્રેમની ભાવના નાં ગુણાકારથી સમાજમાં વધુને વધુ દ્રઢ બને, એટલે તેને શુભ માનવામાં આવે છે. આ ઉપરાત આ દંપતી પોતાના મૂળ ભાવ એટલે કે પ્રેમનો વંશ વધે એવી સંતતિ દ્વારા સમાજમાં આ ભાવના વધુ દૃઢ થશે, એટલે તે ઘડી શુભ. વાસ્તુપૂજનમાં પણ આવા જ કંઇક અર્થ જોયાં, એટલે કે મુખ્યત્વે હૃદયનાં સંબંધોમાં પ્રેમનું મહત્વ વધે, એ ઘડીને શુભ ઘડી કહેવામાં આવી છે. જનોઈ એટલે કે યજ્ઞોપવિત નામનાં પવિત્ર સંસ્કાર મુજબ યુવકે સંસારમાં રહીને સંન્યાસ જેવું સંયમી જીવન જીવવાનું હોય તો શુભ તત્વ પ્રાપ્ત થાય. પણ મૃત્યુને શુભ તરીકે સ્વીકારવામાં આવતું નથી, હકીકતમાં. આધિ વ્યાધિ ઉપાધિથી મુક્ત કરનારી આ ઘટના સૌથી વધુ શુભ છે. આ ઉપરાંત દિવ્ય ચેતના ચૈતન્યમાં ભળી જવાની છે,એ રીતે પણ એ શુભ છે,અને શરીર રુપે રહેલા પંચમહાભૂત તત્વ પણ પ્રકૃતિના પંચમહાભૂતમાં વિલિન થઈ જાય છે, એટલે કે નિર્વાણ પણ શુભ છે. મૃત્યુ એ શાશ્વત સત્ય છે, અને એ સત્યને સ્વીકારમાં શુભ સમાયુ છે, એ જ્યારે આપણી દૃષ્ટિને દેખાય, ત્યારે બધી જ ઘટના શુભ માટે ઘટી રહી છે, અથવા અહીં જે કંઈ થઈ રહ્યું છે એ સર્વનાં કલ્યાણ માટે જ થઇ રહ્યું છે, આપણી દ્રષ્ટિના વિકાર કે મર્યાદા આ સત્ય આપણને જોવા દેતી નથી.
શુભ અને અશુભનો ફેસલો માનવી જ્યાં સુધી પોતાને હસ્તક રાખશે, ત્યાં સુધી તેને આ સમસ્યા નડશે. હવે દાખલા તરીકે કોઈ પરિવારમાં કોઈ સ્વજનનું મૃત્યુ થયું, દેખીતી રીતે એ ઘટનામાંથી શુભ કેમ તારવી શકાય! કોઈ પરિવારમાં જુવાન દીકરો એક્સિડન્ટમાં મૃત્યુ પામે, તો એ ઘટનામાંથી શુભ કેમ તારવી શકાય? અથવા તો આજકાલ આધુનિકતાને નામે પરિવારનાં સદસ્યો અંદરોઅંદર વ્યવહારમાં પણ રાગ દ્વેષ અને વેરભાવ વધારતાં જાય છે, ઘર પરિવારમાં પણ ષડયંત્રો રચાય છે. જોકે આ તો કંઈ નવી વાત નથી સદીઓથી ચાલ્યું આવે છે, પણ એમાંથી આપણી સામે સત્ય અને શુભ થયું એ પરિણામ દેખાય છે. જેમકે રામાયણમાં રામ ને ગાદી? કે ભારતને ગાદી? એ નિર્ણય કરવામાં કૈકેયી એ ભરત માટે રાજગાદી માંગી, માતા કૌશલ્યા આમાં કઈ રીતે શુભ શોધી શકે! કે શુભ કઈ રીતે જોઈ શકે! પરંતુ જો આ ઘટના ન ઘટી હોત તો રાવણનું મૃત્યુ કઈ રીતે થાત! એટલે કે અધર્મના નાશ માટે પણ ક્યારેક આવી ઘટના અસ્તિત્વ તરફથી ઘટતી હોય છે, અને અંતે એ શુભ સાબિત થાય છે. એવી જ રીતે મહાભારતમાં પણ આવી ઘટના ઘટી હતી, કૌરવ-પાંડવ પણ પરિવાર જ હતાં, છતાં કુરુક્ષેત્રનું યુદ્ધ થયું, અને એના પરિણામે આપણને ભગવત ગીતા જેવો સદગ્રંથ પ્રાપ્ત થયો, અને જાહેરમાં એક સ્ત્રીનાં વસ્ત્ર ઉતારી શકે, એવા દુર્યોધન રૂપે અતિ વિકારી અધર્મનો નાશ થયો. શુભ તો આ રીતે જ તારવી શકાય. એ સમયે કૌશલ્યા એ વાતનો વિરોધ દર્શાવ્યો હોત તો આ ઘટના ના ઘટે, એ જ રીતે અર્જુને હથિયાર ન ઉઠાવ્યું હોત, તો અધર્મનો નાશ ન થાત. એટલે કાળ સમાપ્તિ સુધી તો આપણી દૃષ્ટિ લંબાઈ ન શકે, અને આ સત્ય આપણને દેખાય નહીં. પરંતુ સત્ય હંમેશા શુભ હોય છે, અને શુભ હંમેશા સત્ય હોય છે, અને તે પ્રકાશિત થઇ ને જ રહે છે. સાથે સાથે સમયની આવનારી પ્રત્યે ઘડી આપણા માટે એક શુભ કે કલ્યાણકારી ભાવ વધુ ને વધુ દ્રઢ કરવાના પાઠ રૂપે કે જીવનમાં પરીક્ષા રૂપે આવી રહી છે, અને એમાંથી આપણે મંગલ ભાવના કે સૌ પ્રત્યે કલ્યાણની ભાવના હૃદયમાં રાખી, સાંગોપાંગ પાર ઉતરવાનું છે. જો આપણે એ કરી શકીએ, તો અહીં બધું જ શુભ છે. પરંતુ સતત હૃદયમાં શુભ કે કલ્યાણનો ભાવ હવે નથી રહેતો. કારણ કે એને અન્ય સાથે કંઈ જ વહેંચવુ નથી, સિવાય કે ફોરવર્ડના મેસેજ!!જેને માત્ર સજ્જન કહેવડાવવું છે. માનવીય માનસમાં જડમૂળથી જ્યાં સુધી ફેરફાર નહીં થાય, અને આવાં ઉપરછલ્લા આડંબરમાં માનવી રચ્યો રહેશે, ત્યાં સુધી તે અન્યનું શુભ કે કલ્યાણ ઈચ્છે નહીં. આપણે આપણા જીવનમાં ઘટતી ઘટનાઓમા તટસ્થ રહી, શુભ છે કે અશુભ એ અસ્તિત્વ પર છોડી દઈએ, તો જ શુભનો અર્થ સરે.
ભાવના ભાટી (અમદાવાદ)
