‘કેમિકલકાંડ’માં અસરગ્રસ્તોને બચાવવા ઝેરની સામે ઝેરની થીયરી, જાણો દર્દીઓને કેમ આલ્કોહોલ અપાય છે?

0
6
તબીબોના જણાવ્યા પ્રમાણે, મિથાઇલ જેવા ઝેરી તત્વોને પીવાથી લોકો દ્રષ્ટિમાં ઝાંખપ આવવી તેમજ સતત ઉલટી થવાની સમસ્યા અનુભવે છે.
દર્દીની સ્થિતિ વધુ વકરે તો તેવી સ્થિતિમાં તે સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવી શકે છે.

અમદાવાદ: કથિત લઠ્ઠાકાંડમાં અત્યારસુધી 41 લોકોનાં મોત થયા છે. જ્યારે અસંખ્ય લોકોની હાલ સારવાર ચાલી રહી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પણ 37 દર્દીઓની સારવાર ચાલી રહી છે. જેમાંથી ત્રણ દર્દીની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે 34 દર્દીની હાલત સ્થિર છે. બીજી તરફ અસરગ્રસ્ત દર્દીઓને બચાવવા માટે સિવિલ હૉસ્પિટલ તરફથી ઝેરની સામે ઝેરની થીયરી અપનાવવામાં આવી રહી છે. એટલે કે અસરગ્રસ્તોને બચાવવા માટે તેમને ઇથેનોલ (આલ્કોહોલ) ચઢાવવામાં આવી રહ્યું છે. કેમિકલકાંડમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. બીજી તરફ કેટલાંક ગંભીર દર્દીઓને વધુ સારવાર માટે અમદાવાદ લાવવામાં આવ્યા છે. આવા દર્દીઓને બચાવવા ઝેર સામે ઝેરની થીયરી વાપરવામાં આવી રહી છે. એટલે ગંભીર દર્દીઓને ઇથેનોલ આપવામાં આવે છે. ઇથેનોલને શુદ્ધ આલ્કોહોલ અથવા પીવાનો શરાબ પણ કહેવામાં આવે છે. ઇથેનોલ ઉડ્ડયનશીલ, જ્વલનશીલ અને રંગવિહિન પ્રવાહી છે. આધુનિક ઉષ્ણતામાપકમાં પણ આનો ઉપયોગ કરાય છે. સામાન્ય વપરાશમાં તેનો ઉલ્લેખ ફક્ત આલ્કોહોલ કે સ્પિરિટ તરીકે થાય છે. સિવિલ હૉસ્પિટલના સિનિયર તબીબના કહેવા પ્રમાણે ઇથેનોલ અને મિથેનોલને નજીકના પરિવારના ગણી શકાય. આથી મિથેનોલની અસરને ટાળવા માટે ઇથેનોલ આપવામાં આવે છે.તબીબોના જણાવ્યા પ્રમાણે, મિથાઇલ જેવા ઝેરી તત્વોને પીવાથી લોકો દ્રષ્ટિમાં ઝાંખપ આવવી તેમજ સતત ઉલટી થવાની સમસ્યા અનુભવે છે. દર્દીની સ્થિતિ વધુ વકરે તો તેવી સ્થિતિમાં તે સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવી શકે છે. 2009માં અમદાવાદમાં થયેલા લઠ્ઠાકાંડ બાદ 200 જેટલા દર્દીઓએ દ્રષ્ટિ ગુમાવી હતી. એ વખતે કેમિકલયુક્ત દેશી દારૂથી બાપુનગર, ઓઢવ, કાંકરિયા વિસ્તારમાંથી 123 લોકોનાં મોત થયા હતા.ગુજરાતના મિથાઇલ કે કથિત લઠ્ઠાકાંડે 41 પરિવારોને રોતા કરી દીધા છે. આંકડા પ્રમાણે જોઇએ તો રોજિંદ ગામના 10, ચદરવા ગામના 3, અણિયાળી ગામના 3, આકરું ગામના 3, ઉચડી ગામના 2, ભીમનાથ ગામના 1, કુદડા ગામના 2, ખરડ ગામના 1, વહિયા ગામના 2, સુંદરણીયા ગામના 1, પોલારપુર ગામના 2, દેવગણા ગામના 5, વેજલકા ગામના 1 અને રાણપરી ગામના 3 લોકોનાં મોત નીપજ્યા છે.41 લોકોનો ભોગ લેનાર મિથાઈલ કેમિકલ અમદાવાદથી જયેશ ખાવડિયાએ ચોરીને તેના ફોઈના દીકરા સંજયને આપ્યું હતું. કુલ 600 લિટરમાંથી બરવાળાના નભોઈ ગામ અને આસપાસ દારુનો ધંધો કરતા સંજયે 200 લિટર રાખ્યું હતું. સંજયે અન્ય બૂટલેગરને રાણપુરના અજીત અને બરવાળાના ચોકડી વિસ્તારના બૂટલેગર પિન્ટુ દેવીપૂજકને 200-200 લિટર આપ્યું હતું. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જયેશ ખાવડિયાને તેમજ બોટાદ પોલીસે ત્રણ બૂટલેગરને ઝડપી કુલ 460 લિટર કેમિકલ પણ જપ્ત કરવામાં આવ્યું છે.