અમદાવાદમાં રૂ. 12 કરોડ સુધીના પ્રીમિયમ ફ્લેટનું ધડાધડ વેચાણ, મહેલો પણ ઝાંખા પડે એવી ફેસિલિટી

0
22
પ્રીમિયમ કેટેગરીમાં રૂ. 2-7 કરોડના ફ્લેટનું વેચાણ વધુ
ગત વર્ષ કરતાં હાઉસિંગ પ્રોપર્ટીનું વેચાણ 95% વધ્યું

અમદાવાદ : કોરોનાના ફટકામાંથી રિયલ એસ્ટેટ સેક્ટર બહાર આવી ગયું છે એના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. અમદાવાદમાં લક્ઝુરિયસ ફ્લેટની ડિમાન્ડમાં છેલ્લા 6 મહિના દરમિયાન ભારે ઉછાળો જોવા મળ્યો છે. રિયલ એસ્ટેટ કન્સલ્ટિંગ એજન્સી નાઈટફ્રેન્ક ઈન્ડિયાના હાફ યર્લી રિપોર્ટ મુજબ, અમદાવાદમાં જાન્યુઆરી-જૂન 2022 દરમિયાન રૂ. 1 કરોડની ઉપરની કિમતનાં 820 જેટલાં ઘરોનું વેચાણ થયું છે. રિપોર્ટ મુજબ 2021માં આ સમયમાં લકઝરી કેટેગરીમાં 340 ઘરનું વેચાણ થયું હતું. અમદાવાદમાં ઓવરઓલ હાઉસિંગ સેલ્સ 95% જેટલું વધ્યું છે. શિલ્પ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર યશ બ્રહ્મભટ્ટે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે કોરોના બાદ ઓટોમોબાઇલ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સહિત અનેક સેક્ટર્સમાં તેજી આવી છે. નોકરિયાત વર્ગના પગારમાં પણ સારોએવો વધારો થયો છે. આને કારણે લોકોના બજેટ વધ્યા છે. બીજું કે બજેટ પ્રમાણે બંગલો કે ટેનામેન્ટ પોસાય નહીં અને એટલી જ કિમતમાં મોટો અને લક્ઝુરિયસ ફ્લેટ મળી રહે છે, એટલે પ્રીમિયમ અને સેમી પ્રીમિયમ કેટેગરીમાં વેચાણ વધારે છે. રૂ. 2 કરોડથી લઈને રૂ. 7 કરોડ સુધીના ફ્લેટનું વેચાણ વધારે છે. આ ઉપરાંત અમદાવાદમાં હવે ઘણા લોકો એવા છે, જે પોતાનો જૂનો 2 BHK ફ્લેટ વેચીને 3 BHK કે એનાથી મોટા ફ્લેટમાં શિફ્ટ થઈ રહ્યા છે.નાઈટફ્રેન્કના રિપોર્ટ મુજબ, 2022ના પહેલા 6 મહિના દરમિયાન 8,197 ઘર વેચાયાં હતાં. 2021ના સમાન ગાળામાં 4,208 ઘરનું વેચાણ હતું, એટલે કે આ વર્ષે અત્યારસુધીમાં હાઉસિંગ સેલ્સ 95% જેટલું વધ્યું છે. ગત વર્ષે રેસિડેન્શિયલ પ્રોપર્ટીના કુલ વેચાણમાં પ્રીમિયમ સેગમેન્ટનો શેર 8% હતો, જે આ વર્ષે વધીને 10% થયો છે. એવી જ રીતે સેમી પ્રીમિયમ કેટેગરી એટલે કે રૂ. 50 લાખથી 1 કરોડ સુધીના ઘરનો શેર 22%થી વધી 28% થયો છે. કુલ વેચાણમાં એફોર્ડેબલ હાઉસિંગ કેટેગરીમાં રૂ. 50 લાખ સુધીની પ્રોપર્ટીની હિસ્સેદારી 70%થી ઘટી અને 62% થઈ છે.વિનસ ઇન્ફ્રાસ્ટ્રકચરના મેનેજિંગ ડિરેક્ટર રાજેશ વાસવાણીએ જણાવ્યું હતું કે કોરોનાએ લોકોને ઘણી બચત કરાવી હતી. બીજું કે કોવિડ બાદ ઘણા લોકોને એકસ્ટ્રા રૂમ, બાલ્કની કે ઘરમાં ઓફિસ સેટઅપ માટેની જરૂરિયાત લગતી હતી. આને કારણે 3BHK, 4BHK પ્રોપર્ટીનું વેચાણ વધ્યું છે. બંગલાના રિપ્લેસમેન્ટમાં લોકો મોટા ફ્લેટ ખરીદી રહ્યા છે. આ ઉપરાંત બહારથી જોબ માટે અમદાવાદ આવતા ઘણા લોકો ઘર ખરીદી રહ્યા છે. ઇન્વેસ્ટમેન્ટ કરતાં ખરેખર વપરાશ માટે લોકો વધુ ફ્લેટ ખરીદી રહ્યા છે.રિપોર્ટમાં જણાવાયા મુજબ, 6 મહિના દરમિયાન અમદાવાદમાં કુલ હાઉસિંગ સેલ્સમાં ખરીદદારો માટે ઉત્તર અને પશ્ચિમ અમદાવાદ સૌથી વધારે હોટ ફેવરિટ છે. ઉત્તરમાં ત્રાંગડ, ગોતા, ન્યૂ રાણીપ, ચાંદખેડા અને મોટેરામાં લોકો પસંદ કરી રહ્યા છે, જ્યારે પશ્ચિમના વિસ્તારોમાં SG હાઇવે, પ્રહલાદનગર, બોપલ, થલતેજ, સાયન્સસિટી રોડ પર ઘર લેવાનું વધારે પસંદ કરે છે.રે ઇન્ફ્રાના વિરલ પરીખે જણાવ્યું હતું કે લોકોને લાગી રહ્યું છે કે બંગલાની સરખામણીએ ફ્લેટમાં સલામતી વધુ રહે છે, એને કારણે હવે બંગલો વેચીને લોકો ફ્લેટ ખરીદી રહ્યા છે. બીજું કે એકલા રહેતા વડીલો માટે ફ્લેટ કલ્ચર વધુ સલામત છે. પાડોશી મળી રહે છે. સિક્યોરિટી પણ વધુ હોય છે. આ બધા કારણોને કારણે લોકો વધુ ખર્ચ કરીને હાઇ એન્ડ ફ્લેટ્સમાં આવી રહ્યા છે. આ ઉપરાંત અમદાવાદમાં સોસાયટીની અંદર જ ક્લબ કલ્ચર મળી રહે એવી સગવડતા આપવામાં આવે છે, એ પણ હવે એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે.અમદાવાદના એક જાણીતા બિલ્ડરે જણાવ્યું હતું કે હાલમાં હાઉસિંગ ઇન્ટરેસ્ટ રેટ ઘણા જ નીચા છે, જેને કારણે દરેક સેગમેન્ટમાં વેચાણ ઘણું વધ્યું છે. આ સિવાય અમદાવાદમાં ધંધા અને રોજગાર માટે બહારનાં રાજ્યના લોકો ઘણા આવે છે. તેઓ પણ અહીં મોટી પ્રોપર્ટી ખરીદી રહ્યા છે. ટોપ કંપનીના CEO અને ટોપ મેનેજમેન્ટના લોકો તેમજ બિઝનેસમેન વૈભવી જીવનશૈલી પસંદ કરે છે અને પ્રીમિયમ સેગમેન્ટમાં જે સગવડતા મળી રહી છે એ આ ડિમાન્ડને પૂરી કરે છે. આને કારણે પ્રીમિયમ અને અલ્ટ્રા પ્રીમિયમ સેગમેન્ટમાં વેચાણ વધુ દેખાઈ રહ્યું છે.