સુરત: રાજ્યમાં હાલ મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ઘમરોળ્યું છે. વરસાદી આંકડા પ્રમાણે, વાપીમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે સુરતમાં પણ છૂટોછવાયો વરસાદ વરસતા લોકોએ રાહત અનુભવી છે. જાહેર થયેલા વરસાદી આંકડા પ્રમાણે, વાપીમાં બે કલાકમાં બે ઇંચ, વલસાડના પારડીમાં એક ઇંચ, કપરડામાં 23 એમએમ વરસાદ વરસ્યો છે. જ્યારે સુરતમાં સવારે 8 વાગ્યા સુધીમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે.સુરત શહેરમાં ગત મોડી રાતથી જ વરસાદી માહોલ જામ્યો છે. ધોધમાર વરસાદના પગલે શહેરનાં રસ્તાઓ પાણી-પાણી થઇ ગયા છે. વરસાદનાં પગલે સુરત શહેરનાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. છેલ્લા ઘણા દિવસથી કાળઝાળ ગરમી અને બફારાથી અકળાઈ ઉઠેલા સુરતીલાલાઓને વરસાદથી રાહત મળી છે. વરસાદના પગલે વહેલી સવારે કામ-ધંધા અર્થે જતા લોકો તેમજ શાળાએ જતા બાળકોને થોડી તકલીફનો સામનો કરવો પડતો હતો. જોકે, જે પ્રકારે સુરત શહેરમાં અવિરત મેઘ મહેર થઇ રહી છે તેના પગલે વાતાવરણ હિલ સ્ટેશનમાં ફેરવાઈ ગયું છે. આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાતા દિવસમાં સમયે પણ રાત્રી જેવું અંધારું છવાઈ ગયું છે. સુરત શહેરમાં સવારના 8 વાગ્યા સુધીમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે.સુરત શહેરમાં ચોમાસુ શરૂ થતાં જ તાપી નદીમાં નવા નીર આવ્યા છે. તેમજ કોઝવેની સપાટીમાં વધારો નોંધાયો છે. વહેલી સવારે કોઝવેની સપાટી 5.33 મીટર નોંધાઈ હતી. જ્યારે કોઝવે પર પાણી હાલ 5.49 મિટર પર વહી રહ્યું છે. વિયર કમ કોઝવેના અપસ્ટ્રીમ અને તાપી નદીના ઉપરવાસમાં વરસાદથી કોઝવેની સપાટીમાં વધારો નોંધાયો છે. છેલ્લા 1 દિવસમાં કોઝવેની સપાટી 5 મીટરથી વધીને 5.49 મીટર પહોંચી ગઇ છે. નોંધનીય છે કે, કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે. જો આગાહી પ્રમાણે વરસાદ વરસતો રહેશે તો કોઝવે ઓવરફ્લો થતા બંધ કરવાની ફરજ પડશે. વરસાદી માહોલ વચ્ચે કોઝવે પર અદભુત નજરો જોવા મળી રહ્યો છે. ઉનાળામાં ગરમીનાં કારણે સુકાઈ ગયેલી તાપી નદીમાં પણ નવા નીર આવતા ખળખળ વહેવા લાગી છે.