ઓન ધ સ્પોટ : ગુજરાતમાં 18થી 44 વર્ષના લોકો માટે રજિસ્ટ્રેશન

0
19
કોરોનાની ત્રીજી લહેર અગાઉ રાજ્યમાં વેક્સિન ઉત્સવ, અગાઉથી રજિસ્ટ્રેશન કરાવી સમય-સ્થળનો સ્લોટ મેળવનારને અગ્રતા રાજ્યમાં વેક્સિન સેન્ટરની સંખ્યા વધારી પાંચ હજાર કરાઇ
કોરોનાની ત્રીજી લહેર અગાઉ રાજ્યમાં વેક્સિન ઉત્સવ, અગાઉથી રજિસ્ટ્રેશન કરાવી સમય-સ્થળનો સ્લોટ મેળવનારને અગ્રતા રાજ્યમાં વેક્સિન સેન્ટરની સંખ્યા વધારી પાંચ હજાર કરાઇ

અમદાવાદ : રસી મેળવવા માટે હવે ઓનલાઇન રજીસ્ટ્રેશનથી લોકોને છૂટકારો મળશે.કોરોનાની ત્રીજી લહેર અગાઉ રસીકરણને વેગવાન બનાવવા અને વધુ લોકો રસી લે તે માટે  રાજ્ય સરકારે સઘન પ્રયાસો હાથ ધર્યાં છે જેના ભાગરૂપે આવતીકાલ તા.21મી જૂનથી 18થી 44 વર્ષના લોકોને ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન કરી રસી આપવામાં આવશે.વિશ્વ યોગ દિને સવારે નવ  વાગ્યાથી રાજ્યના પાંચ હજાર રસીકેન્દ્રો પર  વોક ઇન વેકસિનેશનનો પ્રારંભ થશે.ટૂંકમાં સોમવારે ગુજરાતમાં 1025 રસીકેન્દ્રો પર મંત્રીઓ સહિત ભાજપના નેતાઓની ઉપસ્થિતીમાં વેકસીન ઉત્સવ યોજાશે.અગાઉ કેન્દ્ર સરકારે જ 18થી 44 વર્ષના લોકોને ઓનલાઇન રજીસ્ટ્રેશનથી મુક્તિ આપવા નિર્ણય કર્યો હતો તેમ છતાંય ગુજરાત સરકારે આ નિયમનું પાલન કરવા નન્નો ભણી દીધો હતો.ગ્રામ્ય વિસ્તારો જ નહીં, શહેરી વિસ્તારોમાં અશિક્ષિત લોકોને ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે મુશ્કેેલી પડતી હતી જેના કારણે રસીકરણની ગતિ મંદ પડી ગઇ હતી જયારે ખુદ સરકારને આ વાતનો અહેસાસ થયો ત્યારે ઓનલાઇન રજીસ્ટ્રેશનની વાત પડતી મૂકવા મજબૂર થવુ પડયુ હતું. લોકોની હાલાકી મુદ્દે હોબાળો મચતાં આખરે રાજ્ય સરકારે ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન કરવા તૈયારી દર્શાવી હતી.હવે રસીકરણના સહારે સરકારે લોકો વચ્ચે જવાનો માર્ગ શોધી કાઢ્યો છે જેના ભાગરૂપે સોમવારે 1025 રસીકેન્દ્રો પર મંત્રી-ભાજપના નેતાઓ ઉપસ્થિત રહેશે. કોરોનાની ત્રીજી લહેર અગાઉ ભાજપ સરકારે રસીકરણ અભિયાનને વધુ વેગવંતુ બનાવવા નક્કી કર્યુ છે. 8 મહાનગરપાલિકા,33 જિલ્લા મથકોએ વેકસીન સેન્ટર પર ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન કરી 18 થી 44 વર્ષના લોકોને રસી આપવામાં આવશે.હવે દરેક વ્યક્તિ વોક ઇન વેકસીનેશનમાં ભાગ લઇ શકશે. વધુ ને  વધુ લોકોને સરળતાથી રસી મળે તે માટે આખાય રાજ્યમાં  રસીકેન્દ્રોની સંખ્યા વધારીને પાંચ હજાર કરી દેવામાં આવી છે. અત્યાર સુધી ગુજરાતમાં કુલ 2.20 કરોડ લોકોએ રસી લીધી છે જયારે 18થી 44 વર્ષના કુલ 4.76 લાખ લોકોએ રસી લીધી છે. રાજ્ય સરકારના આ નિર્ણયને પગલે લોકોને ઓનલાઇન રજીસ્ટ્રેશનથી છૂટકારો મળશે અને રસીકેન્દ્ર પર તરત જ ઓનલાઇન કરીને રસી મેળવી શકશે.રાજયભરમાં શરૂ થઈ રહેલા વેકિસનેશનના મહાઅભિયાનની સાથે અમદાવાદ શહેરમાં પણ રસીકરણની ઝુંબેશને વેગીલી બનાવવા દૈનિક એક લાખ લોકોને કોરોના વેકિસન આપવા મ્યુનિ.તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.શહેરમાં  સોમવારે એક સાથે 25 જેટલા રસીકરણ કેન્દ્રો ઉપર ઓન સ્પોટ રજીસ્ટ્રેશન સાથે વેકિસન અપાશે.મ્યુનિ.દ્વારા હાલના રસીકરણ કેન્દ્રોની સંખ્યા વધારીને 400 સુધી પહોંચાડવામાં આવશે.પ્રથમ ડોઝ બાકી હોય કે બીજો ડોઝ લેવાનો હોય એવા તમામ વયજુથના લોકોને ઓન સ્પોટ રજીસ્ટ્રેશનની સુવિધા સાથે કોરોના વેકિસન આપવામાં આવશે.આ સાથે જ આજથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા બાદ વેકિસન લેવાની ઝંઝટમાંથી શહેરીજનોને મુકિત મળશે એમ સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.આ અંગે મળતી માહીતી મુજબ,કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સોમવારે બોડકદેવ વોર્ડમાં આવેલા પંડિત દિન દયાળ હોલના રસીકરણ કેન્દ્રની મુલાકાત લેશે.જયાં ઓન સ્પોટ રજીસ્ટ્રેશન સાથે વેકિસનેશનનો આરંભ કરાવશે.આ ઉપરાંત શહેરના અન્ય 24 સ્થળોએ પણ આ પ્રકારના વેકિસનેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.