અમદાવાદમાં સતત ચોથા દિવસે મેઘરાજા મહેરબાન

0
18

શહેરના વિવિધ વિસ્તારોમાં ૫૦થી વધારે વૃક્ષો પડવાના અને ભુવા-ખાડા પડવાના બનાવથી લોકોમાં ભય ફેલાયો
અમદાવાદ, તા.૧
અમદાવાદ શહેરમાં છેલ્લા ચાર દિવસથી લગભગ રાત-દિવસ સતત વરસાદ વરસી રહ્યો છે. આજે પણ અમદાવાદ શહેરમાં વરસાદના હળવાથી ભારે ઝાપટાં દિવસ દરમ્યાન ચાલુ રહ્યા હતા. છેલ્લા ચાર દિવસના સતત વરસાદના કારણે શહેરનું વાતાવરણ ઠંડકમય અને ભેજવાળુ બની ગયું છે. ચાર દિવસથી સતત પાણી ભરાઇ રહેવાના કારણે શહેરના અનેક વિસ્તારોમાં માર્ગો અને રસ્તાઓનું ધોવાણ થયું છે તો કેટલાક વિસ્તારોમાં ભુવા અને ખાડાઓ પડવાની છૂટીછવાઇ ઘટનાઓ પણ સામે આવી છે. તો, શહેરના વિવિધ વિસ્તારોમાં ૫૦થી વધુ વૃક્ષો પડવાના બનાવો પણ નોંધાયા છે. શહેરમાં સતત વરસી રહેલા હળવાથી ભારે ઝાપટાંઓને લઇ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હોઇ લોકો વરસાદની મોજ વચ્ચે હાલાકીનો સામનો પણ કરી રહ્યા છે. ખાસ કરીને સતત વરસી રહેલા વરસાદના કારણે શહેરના માર્ગો પર ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો જાણે સામાન્ય બન્યા છે. શહેરના હજુ ૨૭ દિવસ પહેલાં જ ભાજપના રાષ્ટ્રીય દિગ્ગજ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ઉદઘાટન કરાયેલા ઇન્કમટેક્સ બ્રીજ પર જ ગાબડા પડી ગયા છે. ઉસ્માનપુરા તરફથી શરૂ થતાં બ્રીજ પર ગાબડુ પડી ગયું છે. જેના કારણે અમ્યુકો અને કોન્ટ્રાકટરની ગંભીર લાલિયાવાળી સામે આવી છે. આ જ પ્રકારે શહેરના મેમનગર વિસ્તારમાં વિવેકાનંદ ચોક પાસે મોટો ભુવો પડયો હતો. તો, એસપી રીંગ રોડ, થલતેજ, ઝાયડસ ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં રોડ જાણે ધોવાઇ ગયા હતા. તો, વાયએમસીએથી ત્રણ રસ્તાથી બોપલ તરફ જવાના રોડ પર આખો રસ્તો બેસી ગયો છે. આ જ પ્રકારે શહેરના બાપુનગર, ઓઢવ, નિકોલ, નરોડા, નારોલ સહિતના વિસ્તારોમાં પણ ભુવા અને ખાડા પડવાની સંખ્યાબંધ ઘટનાઓ સામે આવી હતી. વ†ાપુરમાં સરકારી વસાહત જવાના રોડ પર એક વિશાળ વૃક્ષનું મોટુ ડાળુ ધરાશયી રસ્તામાં જ પડી રહેતાં વાહનચાલકો માટે ભારે હાલાકી સર્જાઇ હતી. છેલ્લા ચાર દિવસથી અમદાવાદ શહેરમાં મેઘમહેરના કારણે નાગરિકો પણ ચોમાસાની મોજ માણી રહ્યા છે ત્યારે ચાર દિવસના સતત વરસાદને લઇ શહેરમાં ભેજ, ઠંડક અને ચોમાસાની જમાવટનો માહોલ સર્જાયો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજાએ સારી એવી મહેરબાની કરી છે. શહેરના બોપલ, એસજી હાઈવે, સરખેજ, જીવરાજપાર્ક, પ્રહલાદનગર, ગુરૂકુળ, મેમનગર, નારણપુરા, નવરંગપુરા, જમાલપુર, પાલડી, આશ્રમરોડ, રિવરફ્રન્ટ, મણિનગર, વટવા, ઓઢવ, બાપુનગર, અમરાઇવાડી, રામોલ, વ†ાલ, નિકોલ, નરોડા, નિકોલ સહિતના અનેક વિસ્તારોમાં આજે પણ વરસાદના હળવાથી ભારે ઝાપટાં ચાલુ રહ્યા હતા. છેલ્લા ચાર દિવસથી હળવાથી ભારે વરસાદી ઝાપટાઓના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ખાસ કરીને પૂર્વના વિસ્તારોમાં તેની સૌથી વધુ અસર નોંધાઇ હતી. અમદાવાદ શહેરમાં છેલ્લા ચાર દિવસથી લગભગ વાદળછાયુ વાતાવરણ છવાયેલુ રહ્યું છે. દિવસ દરમ્યાન વરસાદી ઝાપટા પડવાની સાથે સાથે રાતના સમયે પણ મેઘરાજા અવિરતપણે વરસાદ શહેરમાં વરસાવી રહ્યા છે. જેના કારણે શહેરનું વાતાવરણ એકદમ ઠંડકમય અને ભેજવાળુ બન્યું છે. નગરજનો હાલ તો, ચોમાસાની મોજ માણી રહ્યા છે.