અયોધ્યામાં રામમંદિર નિર્માણનો ધમધમાટ: સંમેલનોનો દોર-લોકોમાં ફફડાટ

0
49
ayodhya ram temple diccison
ayodhya ram temple diccison

અયોધ્યામાં રામમંદિર નિર્માણ મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)ના કાર્યક્રમોના ધમધમાટથી સ્થાનિક લોકોમાં સ્થિતિ બગડવાની આશંકાથી ફફડાટ ફેલાયો છે અને મોટા ભાગના લોકોએ રાશન એકઠું કરવાનું શરૂ કરી દીધું છે. અયોધ્યાના વેપારીઓએ રવિવારે આયોજિત વીએચપીની ધર્મસભાનો વિરોધ કરવાનું એલાન આપ્યું છે. આગામી ત્રણ દિવસ સુધી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ રહેવાની હોવાથી અયોધ્યા અને આસપાસના વિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.
અયોધ્યામાં કાર્તિક પૂર્ણિમા સ્નાન મેળાનો પ્રારંભ પણ થઈ ચુક્યો છે. શનિવારે અયોધ્યાના લક્ષ્મણ કિલામાં શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનો સંત આશીર્વાદ સમારોહ પણ યોજાવાનો છે. શિવસૈનિકો આજ સવારથી જ બે સ્પેશિયલ ટ્રેન મારફતે અયોધ્યા પહોંચી જશે. રપ નવેમ્બર, રવિવારે પરિક્રમા માર્ગ સ્થિત બડા ભક્તિમાલ પરિસરમાં વીએચપીની ધર્મસભા યોજાશે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ ડો. અનિલકુમારે તંત્રને એલર્ટ રહેવાના આદેશો જારી કરી દીધા છે.
૬ ડિસેમ્બર, ૧૯૯ર જેવી સ્થિતિ સર્જાવાની આશંકાથી અયોધ્યાના વેપારીઓએ વીએચપીના રોડ શો અને ધર્મસભાનો બહિષ્કાર કરી તેનો વિરોધ કરવાનું નક્કી કર્યું છે. ફૈઝાબાદ વ્યાપાર મંડળે જણાવ્યું છે કે વેપારીઓ રવિવારે થનારી વીએચપીની ધર્મસભાનો વિરોધ કરશે અને મુંબઈથી આવેલા શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે સામે કાળા વાવટા ફરકાવશે.
શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે પુણે જિલ્લાના શિવનેરી કિલાની માટી ભરેલો કળશ લઈને અયોધ્યા આવશે. આ માટી રામજન્મભૂમિના મહંતને આપવામાં આવશે. ઠાકરેએ અયોધ્યા જતાં પહેલાં ‘હર હિન્દુ કી યહી પુકાર, પહલે મંદિર ફિર સરકાર’નો નારો આપ્યો છે. મુંબઈ અને સમગ્ર મહારાષ્ટ્રમાંથી હજારો શિવસૈનિક અયોધ્યા આવવા નીકળી ગયા છે.
વ્યાપાર મંડળના અધ્યક્ષ જનાર્દન પાન્ડેયે જણાવ્યું કે આ તમામ લોકો ફૈઝાબાદ અને અયોધ્યાના શાંતિપૂર્ણ વાતાવરણને ડહોળવા ઈચ્છે છે. બંને શહેરના લોકોને આશંકા છે કે આગામી દિવસોમાં હાલત બગડશે. આ માટે લોકોએ જીવનજરૂરી ચીજવસ્તુઓ એકઠી કરવાનું શરૂ કરી દીધું છે.ઠાકરેના જનસંવાદ અને વીએચપીની ધર્મસભાને ધ્યાનમાં રાખીને ઈન્ટેલિજન્સ એજન્સીઓના અધિકારીઓએ અયોધ્યામાં ધામા નાખ્યા છે. અનેક સ્થળોએ બેરિકેડ્સ મૂકીને વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. હથિયારધારી પોલીસની ટીમો શહેરભરમાં તહેનાત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત સીઆરપીએફ અને પીએસી સાથે યુપી પોલીસદળના જવાનોને પણ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવાના આદેશો અપાયા છે.