આગામી સપ્તાહની બેઠકમાં રિઝર્વ બેન્ક રેપો રેટમાં સ્થિરતા જાળવશે તેવી શકયતા

0
9

– પરવડી શકે તેવા રહેઠાણ લોન ઉપાડમાં ઘટાડો તથા વૈશ્વિક બેન્કિંગ કટોકટીને ધ્યાનમાં લેવાશે

આગામી એપ્રિલમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટી (એમપીસી)ની મળનારી બેઠકમાં વ્યાજ દર વધારો અટકાવી દેવાય તેવી શકયતા જોવાઈ રહી છે.ગયા વર્ષના મેથી અત્યારસુધીમાં વ્યાજ દરમાં અઢી ટકા વધારો કરાયો છે.  હાલનો ૬.૫૦ ટકાનો દર ફેબુ્રઆરી ૨૦૧૯ બાદની ઊંચી સપાટીએ છે. 

વ્યાજ દરમાં અત્યારસુધી કરાયેલા વધારાની અર્થતંત્ર પર કેવી અસર પડી છે, તેનો રિઝર્વ બેન્ક હવે અંદાજ મેળવી લેવા ધારે છે માટે ફુગાવો ૬ ટકાની ઉપર હોવા છતાં તે રેપો રેટ જાળવી રાખશે તેવી શકયતા વધુ હોવાનું એસબીઆઈ રિસર્ચના એક રિપોર્ટમાં જણાવાયું છે.

પરવડી શકે તેવા ઘરો માટેની લોન ઉપાડમાં ઘટાડો તથા અમેરિકા અને યુરોપમાં બેન્કિંગ કટોકટીને કારણે પણ વ્યાજ દરમાં સ્થિરતા આવી શકે છે.

વ્યાજ દર વધારવાથી માગ નબળી પડે છે, જેને કારણે ફુગાવો આપોઆપ નીચે આવે છે. ૨૦૨૦ના પ્રારંભમા ંકોરોનાના કાળમાં રેપો રેટ ઘટાડી ૪ ટકા સુધી કરાયો હતો. 

ત્રીજી એપ્રિલથી શરૂ થનારી એમપીસીની આગામી નાણાં  વર્ષની પ્રથમ બેઠકમાં એકોમોડેશન વલણ પાછુ  ખંચાવાનું ચાલુ રહેશે. લિક્વિડિટીની તાણ છતાં આ વલણ પાછું ખેંચાઈ શકે છે, એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. 

કોરોના બાદ આરોગ્ય તથા શિક્ષણ પાછળ ખર્ચ વધતા તથા ઈંધણના ઊંચા ભાવને કારણે પરિવહન ખર્ચ પણ ઊંચો રહેતા ફુગાવો ઘટીને ૫.૫૦ ટકાથી નીચે જવાની શકયતા જણાતી નથી. 

દેશમાં ફુગાવામાં સાધારણ ઘટાડો થયો છે, પરંતુ તે ફેબુ્રઆરીમાં ૬ ટકાથી ઉપર રહ્યો હતો, જે રિઝર્વ બેન્કની ટોચમર્યાદાની બહાર છે. 

લાંબા ગાળાના ડેબ્ટ મ્યુચ્યુઅલ ફન્ડસ ઈન્વેસ્ટમેન્ટસ પર પૂરા પડાતા ઈન્ડેકસેસન લાભો નાણાં મંત્રાલય દ્વારા પાછા ખેંચાતા બેન્કિંગ વ્યવસ્થામાં થાપણો વધવાની શકયતા જોવાઈ રહી છે,જેને પગલે બેન્કોમાં લિક્વિડિટીમાં વધારો જોવા મળવા અપેક્ષા છે.