કિંમતી ધાતુમાં પીછેહઠ જારી: મુંબઈ સોનું રૂ. 59,000ની અંદર

0
4

– ડોલર સામે રૂપિયામાં ૧૨ પૈસા સુધારો: ચીનની માગ વધવાના વરતારાથી ક્રુડ તેલના ભાવ મક્કમ

બેન્કિંગ કટોકટીને થાળે પાડવાના સત્તાવાળાઓના પ્રયાસોને પરિણામે   વૈશ્વિક સોનાચાંદીમાં  સપ્તાહના પ્રથમ દિવસે ઘટાડા તરફી વલણ રહેતા ઘરઆંગણે પણ બન્ને કિંમતી ધાતુના ભાવમાં નરમાઈ જોવા મળી હતી. ચીનમાંથી ક્રુડ તેલની આયાત વધતા ક્રુડ ઓઈલના ભાવને ટેકો મળી રહ્યો હતો. કરન્સી બજારમાં  મુખ્ય ચલણો સામે રૂપિયાની મિશ્ર ચાલ  રહી હતી.ે

વિશ્વ બજારમાં સોનું ઔંસ દીઠ ૨૫ ડોલર જેટલું ઘટી ૧૯૫૨ ડોલર બોલાતું હતું જ્યારે ચાંદી ુપણ તૂટીને ૨૩ ડોલરની અંદર સરકી ગઈ હતી અને મોડી સાંજે  ઔંસ દીઠ ૨૨.૯૮ ડોલર બોલાતી હતી. વિશ્વ બજારમાં ૨૦૦૦ ડોલરની ઉપર સોનામાં ખરીદી જોવાતી નથી.

ઘરઆંગણે  મુંબઈ બજારમાં સોનું જીએસટી વગર ૯૯.૯૦નો દસ ગ્રામનો ભાવ રૂપિયા ૫૯૦૦૦ની અંદર ઊતરી રૂપિયા ૫૮૮૯૨ બંધ રહ્યો હતો. ગયા સપ્તાહના  શુક્રવારના સત્તાવાર બંધ ભાવની  સરખામણીએ સોનામાં રૂપિયા  ૭૬૧ નીકળી ગયા હતા. ૯૯.૫૦ના ભાવ  રૂપિયા ૫૮૬૫૭ બંધ રહ્યા હતા.  સોના પાછળ ચાંદી પણ નરમ પડી હતી. ચાંદી એક કિલોના જીએસટી વગરના ભાવ રૂપિયા ૬૯૩૬૯ રહ્યા હતા. આગલા સત્તાવાર બંધની સરખામણીએ ચાંદીમાં  રૂપિયા ૩૮૭નો  ઘટાડો થયો હતો. 

અમદાવાદ બજારમાં સોનું ૯૯.૯૦ દસ ગ્રામના ભાવ રૂપિયા ૬૦૪૦૦ જ્યારે ૯૯.૫૦ના રૂપિયા ૬૦૨૦૦ મુકાતા હતા. ચાંદી એક કિલોના રૂપિયા ૭૦,૦૦૦ કવોટ કરાતા હતા. ચાંદીમાં શનિવારની સરખામણીએ ભાવમાં રૂપિયા ૫૦૦નો ઘટાડો જોવાયો હતો જ્યારે સોનું રૂપિયા ૬૦૦ ઘટીને બંધ આવ્યું હતું.

ડોલર ઈન્ડેકસ સાધારણ વધી ૧૦૩.૦૯ પોઈન્ટ રહ્યો હતો. ફર્સ્ટ  સિટિઝન્સ બેન્ક  સિલિકોન બેન્કને હસ્તગત કરશે તેવી જાહેરાતે ડોલરમાં સ્થિરતા આવી હતી.  જો કે  સ્થાનિક કરન્સી બજારમાં  રૂપિયા સામે ડોલર ૧૨ પૈસા ઘટી રૂપિયા ૮૨.૩૭ બંધ રહ્યો હતો. પાઉન્ડ ૪ પૈસા ઘટી રૂપિયા ૧૦૦.૬૯ રૂપિયા રહ્યો હતો જ્યારે યુરો ૧૬ પૈસા વધી રૂપિયા ૮૮.૬૨ રહ્યો હતો. 

ક્રુડ ઓઈલમાં નાયમેકસ પ્રતિ બેરલ ૭૦.૧૫ ડોલર જ્યારે બ્રેન્ટ ક્રુડનો ભાવ ૭૫.૮૨ ડોલર મુકાતો હતો. ચીનમાંથી માગ તથા આયાત વધી રહ્યાના અહેવાલે ક્રુડ તેલના ભાવને ટેકો મળ્યો હતો.