આરોપી મુર્કરમ અબ્બાસના આગોતરા જામીન ફગાવાયા

0
58

અપરાધીના ગુનાની ગંભીરતા અને તેનો પ્રકાર જાતાં તેને હાલમાં આગોતરા જામીન આપી શકાય તેમ નથી : કોર્ટ
અમદાવાદ, તા.૮
શહેરના વટવા ગામ વિસ્તારમાં સરકારી જમીન પર જુદા જુદા મકાનો બાંધી દઇ ૧૨૦થી વધુ લોકોને તે બારબાર વેચી મારવાના ચકચારભર્યા કૌભાંડમાં મુખ્ય આરોપી મુર્કરમ અબ્બાસ શેખની આગોતરા જામીન અરજી આજે સેશન્સ કોર્ટે આકરા વલણ સાથે ફગાવી દીધી હતી. એડિશનલ સેશન્સ જજ વી.જે.કલોતરાએ આરોપીની આગોતરા જામીનઅરજી ફગાવતાં ચુકાદામાં મહત્વપૂર્ણ અવલોકન પણ કર્યું હતું કે, આરોપીના ગુનાની ગંભીરતા અને તેનો પ્રકાર જાતાં તેને હાલના સંજાગોમાં આગોતરા જામીન આપી શકાય તેમ નથી. શહેરના વટવા વિસ્તારમાં સૈય્યદવાડી ખાતે રહેતા આરોપી મુર્કરમ અબ્બાસ શેખની આગોતરા જામીનઅરજીનો સખત વિરોધ કરતાં મુખ્ય સરકારી વકીલ સુધીર બી.બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, આરોપીએ અન્ય આરોપીઓના મેળાપીપણામાં અને મદદગારીથી શહેરના વટવા ગામ ખાતે સર્વે નંબર-૬૨૭વાળી સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરી કુલ ૧૨૦ જેટલા મકાનો બાંધી દઇ જુદા જુદા લોકોને તે વેચી મારી લાખો રૂપિયાની નાણાંકીય ઉચાપત કરી હતી અને આમ કરી આરોપીએ રાજય સરકાર અને અમ્યુકો સત્તાધીશોની સાથે સાથે નિર્દોષ નાગરિકો સાથે પણ ખૂબ જ ગંભીર પ્રકારની છેતરપીંડી અને વિશ્વાસઘાત આચર્યા છે. મુખ્ય સરકારી વકીલ સુધીર બી.બ્રહ્મભટ્ટે વધુમાં જણાવ્યું કે, આરોપીને આગોતરા જામીન આવા ગંભીર ગુનામાં આપી શકાય નહી કારણ કે, તેનું ફરિયાદમાં નામ છે અને તેના આવા ગંભીર કૌભાંડને પગલે ૧૨૦ પરિવારોને બેઘર થવાની નોબત આવી છે. આરોપીએ સરકારી જમીન પચાવી પાડી છે અને તે આ પ્રકારના ગુનાઓ આચરવાની ટેવ ધરાવે છે ત્યારે કોર્ટે આરોપીના ગુનાહિત ભૂતકાળ, તેના ગુનાની ગંભીરતા અને તેનો પ્રકાર જાઇ આરોપીઓના આગોતરા જામીન ફગાવી દેવા જાઇએ. વળી, ખૂબ જ સંવેદનશીલ પ્રકારના એવા આ કૌભાંડ અને ગુનાની તપાસ હજુ ચાલુ છે અને નાજુક તબક્કામાં છે ત્યારે આરોપીને આગોતરા જામીન આપી શકાય નહી.