પૂરના કહેર બાદ વડોદરામાં રોગચાળો બેફામ બની ગયો

0
74

વડોદરામાં હજુ અતિ ભારે વરસાદની ચેતવણી : એપ્રિલથી અત્યાર સુધી શંકાસ્પદ સ્વાઇન ફ્‌લૂના ૧૪ દર્દી પોઝિટિવ

અમદાવાદ, તા.૮
વડોદરામાં મેઘતાંડવ અને પૂરના કહેર બાદ હવે ભેજવાળા વાતાવરણમાં વડોદરામાં રોગચાળો બેફામ બન્યો છે. ખાસ કરીને સ્વાઇન ફ્‌લૂના ગંભીર કેસો સામે આવતા જાય છે. વડોદરા શહેરની ખાનગી હોસ્પિટલમાં સ્વાઇન ફ્‌લૂના બે શંકાસ્પદ દર્દીઓના લોહીના નમૂના તપાસાર્થે મોકલી આપવામાં આવ્યા હતા. જે બે દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. બંને દર્દીઓને હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. વડોદરામાં મોટાપાયે સાફ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે. સાથે સાથે સાવચેતીના વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે પરંતુ હાલ લોકોને રાહત મળે તેવી શક્યતા ઓછી છે. કારણ કે ભારે વરસાદની ચેતવણી અકબંધ રહી છે. વડોદરા શહેરના છાણી વિસ્તારમાં રહેતા ૭૫ વર્ષની વૃદ્ધાને શરદી-ખાંસીની બિમારી નહી મટતા સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તબીબો દ્વારા વૃધ્ધામાં સ્વાઇન ફ્‌લૂના લક્ષણો જણાઇ આવતા લોહીના નમૂના લઇને તપાસ માટે મોકલી આપવામાં આવ્યા હતા. આ જ પ્રમાણે વાડી વિસ્તારની ૩૦ વર્ષીય યુવતીને માંજલપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેમાં પણ સ્વાઇન ફ્‌લૂના લક્ષણ જણાઇ આવતા લોહીના નમૂના લઇ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા હતા. ખાનગી હોસ્પિટલમાં દાખલ આ બંને દર્દીના સ્વાઇન ફ્‌લૂના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને સ્વાઇન ફ્‌લૂની સારવાર આપવામાં આવી રહી છે. સ્વાઇન ફલુના કેસો સામે આવતાં જ તંત્ર હવે દોડતુ થયુ છે. નોંધનીય છે કે, ઓગસ્ટ માસની શરૂઆત સાથે વડોદરા શહેરમાં સ્વાઇન ફ્‌લૂની શરૂઆત થતાં તંત્ર હવે તકેદારીના અને આરોગ્ય વિષયક પગલાં લેવાનું શરૂ કર્યું છે પરંતુ તેમછતાં સમગ્ર વડોદરામાં રોગચાળો વકરી રહ્યો છે. સ્વાઇન ફલુ સિવાય પણ તાવ, મેલેરિયા, વાઇરલ, ઝાડા ઉલ્ટી સહિતના રોગોના પણ સંખ્યાબંધ કેસો સામે આવી રહ્યા છે. ગત એપ્રિલથી અત્યાર સુધીમાં શંકાસ્પદ સ્વાઇન ફ્‌લૂના કરાયેલા ટેસ્ટમાં ૧૪ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. હાલમાં ભેજવાળું વાતાવરણ હોવાથી સ્વાઇન ફ્‌લૂના દર્દીઓમાં વધારો થવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી. ત્યારે તંત્ર પણ સ્વાઇન ફ્‌લૂ વકરે તે પહેલાં એલર્ટ થઇ ગયું છે અને રોગચાળાને નિયંત્રણમાં લેવા તાકીદના પગલાં લઇ રહ્યું છે.