પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને પાક.ની સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ઇમરાન ખાનની ધરપકડને ગેરકાયદે ઠેરવી હતી સાથે જ તેમને તાત્કાલીક છોડી મુકવાનો આદેશ આપ્યો હતો. જેને પગલે બાદમાં ઇસ્લામાબાદ હાઇકોર્ટ દ્વારા ઇમરાન ખાનને બે સપ્તાહના જામીન પર છોડવામાં આવ્યા છે. જોકે ઇમરાનની ધરપકડ બાદ સમગ્ર પાકિસ્તાનમાં તેમના સમર્થકોએ ભારે હિંસા આચરી હતી અને અનેક સરકારી ઇમારતોને આગ લગાવી દીધી હતી.
ઇમરાન ખાનને ભારે સુરક્ષા વચ્ચે ઇસ્લામાબાદની હાઇકોર્ટમાં લાવવામાં આવ્યા હતા. અલ કાદિર ટ્રસ્ટ ભ્રષ્ટાચાર કેસની ઇસ્લામાબાદની હાઇકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી, આ દરમિયાન હાઇકોર્ટના ન્યાયાધીશ મિઆંગુલ હસન ઔરંગઝેબ, ન્યાયાધીશ સમન રફત ઇમ્તિયાઝની બેંચે કહ્યું હતું કે ઇમરાન ખાનની આ અથવા અન્ય કોઇ પણ નવમી મે પછીના મામલામાં ૧૭મી તારીખ સુધી ધરપકડ કરવામાં નહીં આવે. આ ઉપરાંત પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને ફૂલ પ્રુફ સુરક્ષા આપવામાં આવે. આ સાથે જ હાઇકોર્ટે ઇમરાન ખાનની પ્રોટેક્ટિવ જામીન અરજીને બે સપ્તાહ સુધી માન્ય રાખી હતી.
જોકે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઇમરાન ખાનના મામલાની સુનાવણીમાં બે કલાકનો વિલંબ થયો હતો. બીજી તરફ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે સુપ્રીમ કોર્ટની પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટ તેના લાડલા ઇમરાન ખાનની તરફેણ કરી રહી છે. જો ઇમરાન ખાનને છોડી જ મુકવા હોય તો પાકિસ્તાનની જેલોમાં જે પણ લોકો ભ્રષ્ટાચારના કેસોમાં બંધ છે તેમને પણ છોડી મુકવા જોઇએ. આ જ પ્રકારની છૂટ મારા ભાઇ અને પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને પણ કેમ આપવામાં ન આવી. આ પ્રકારની બેવડી નીતિને કારણે પાકિસ્તાનમાં ન્યાયની હત્યા કરી દેવામાં આવી છે. ગુરૂવારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ઉમર અટા બંડીયલ, ન્યાયાધીશ મોહમ્મદ અલી, ન્યાયાધીશ અથર મિનલ્લાહ દ્વારા ઇમરાન ખાનને મોટી રાહત આપવામાં આવી હતી અને તેમની ધરપકડને ગેરકાયદે ઠેરવી હતી. ઇમરાન ખાનની સામે પાકિસ્તાનમાં ૧૨૦ જેટલા કેસો છે.