
કુખ્યાત ત્રાસવાદી અને ખાલીસ્તાન સમર્થક હરદીપ નિજ્જારની બ્રિટિશ કોલંબિયા સ્થિત સરેના ગુરૂનાનક સાહિબ ગુરૂદ્વારામાં જ ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.
શિખ કટ્ટરવાદી તેવા નિજ્જાર ઉપર પંજાબનાં ફિલ્લોરમાં એક હિન્દુ પૂજારીની હત્યાનો પણ આરોપ છે. તેથી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ના તે રડાર ઉપર જ હતો. આ ઉપરાંત શિખ કટ્ટરવાદ ફેલાવવા અંગે તેની ઉપર અન્ય ૪ કેસો પણ છે. એન.આઈ.એ.એ તેને માટે રૃા. ૧૦ લાખનું ઈનામ પણ જાહેર કર્યું હતું.
ખાલીસ્તાન ટાઇગર ફોર્સ (કેટીએફ)ના વડા તરીકે તેને ‘શિખ-ફોર-જસ્ટિસ’ (એસ.આઈ.એફ) સંસ્થાએ નિયુક્ત કર્યો હતો. આ સંસ્થા ગુરપતવંતસિંહ પાનુએ સ્થાપી છે. આ સંસ્થા સાથે જોડાયા પછી હરદીપ નિજ્જાર ઝનૂની ત્રાસવાદી બની ગયો હતો, અને ભારતમાં ચાલતી વિભાજનવાદી તથા ત્રાસવાદી પ્રવૃત્તિઓને તે સતત સમર્થન આપતો હતો.
હરદીપે ઠીક ઠીક અભ્યાસ પણ કર્યો હતો, છતાં પાનુમની અસર નીચે તે ત્રાસવાદી બની ગયો હતો. પાનુમે તેને ૨૦૨૦ લોકમત આંદોલનમાં પ્રતિનિધિ તરીકે પણ નિયુક્ત કર્યો હતો.
હરદીપ તેમજ કહેતો હતો કે એક પ્લંબર તરીકે સખત કામ કરી પોતાની રોજી મેળવે છે, પરંતુ વાસ્તવમાં તે સરે સ્થિત ગુરૂનાનક સાહીબ ગુરૂદ્વારામાં પહેલા ઘૂસી જઈ પછી તેની ઉપર તેણે કબ્જો જ જમાવી દીધો હતો, અને તેનો પ્રમુખ થઈ પડયો હતો. છેલ્લાં બે વર્ષથી વાનકુવર સ્થિત ભારતીય ઉપ-દૂતાવાસો સમક્ષ થતાં પ્રદર્શનોમાં પણ તે અગ્રણી બની રહ્યો હતો.
આશ્રર્ય તે છે કે તે સરે સ્થિત ગુરૂદ્વારમાં જ તેની ગોળી મારી હત્યા કરાઈ હતી, છતાં હજી સુધી તેનો હત્યારો પકડાયો નથી.