છત્રાલની કંપનીનું બનાવટી મેઈલ આઈડી ઈરાનમાંથી લાખોો પડાવવાનો કારસો

0
16

અમદાવાદ

આયાત-નિકાસના ક્ષેત્ર સાથે સંકળાયેલી કંપનીઓ હવે ઓનલાઈન વ્યવહારો કરતી થઈ છે, પણ તેનો ગેરલાભ લેવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે. છત્રાલ ખાતે આવેલી એક કંપનીના નામે રૂ. ૨૪.૩૧ લાખની છેતરપિંડી થઈ હતી, પરંતુ ગાંધીનગર રેન્જની સાઈબર ક્રાઈમ પોલીસે પોતાના પ્રયત્નોથી આ નાણાં પરત અપાવ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ, છત્રાલ જીઆઈડીસીમાં આવેલી અમી રેફ્રાક્ટ્રા હોલ્ડ નામની કંપની સ્ટીલની વસ્તુઓ બનાવે છે. ઈરાનની અમોલ કાર્બોરેન્ડમ નામની કંપની સાથે એક સોદા માટે ઈ-મેલ મારફતે વ્યવહાર થતો હતો. કોઈ ગઠિયાએ છત્રાલની કંપની જેવું ભળતું ઈ-મેઈલ આઈડી બનાવી ઈરાનની કંપનીનો વિશ્વાસ કેળવ્યો હતો અને રૂ.૨૪.૩૧ લાખ મંગાવ્યા હતા. ઈરાનની કંપનીએ આ રકમ મેઈલ આઈડીમાં જણાવ્યા મુજબ ટ્રાન્સફર કરી હતી અને છત્રાલની કંપનીને ઉત્પાદનો મોકલવા જણાવ્યું હતું. છત્રાલની કંપનીએ નાણા મળ્યા હોવાનો ઈનકાર કર્યો હતો, જેથી ઈરાનની કંપનીએ નાણાં ચૂકવ્યા હોવાની બાબતના પુરાવા અને સ્ક્રિનશોટ મોકલ્યા હતા. 
આમ, ભળતું ઈ-મેઈલ આઈડી બનાવી છેતરપિંડી થયાની ખાતરી થતાં ગાંધીનગર રેન્જની સાઈબર ક્રાઈમ પોલીસને ફરિયાદ કરાઈ હતી. રેન્જ આઈજી મયંકસિંહ ચાવડાના માર્ગદર્શનમાં રહેલી સાયબર પોલીસે ઈરાનમાંથી ટ્રાન્સફર થયેલા નાણાં અંગે ફોરેક્સ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કર્યો હતો. રૂ.૨૪.૩૧ લાખ ફોરેક્સ વિભાગે પાર્કિંગ એકાઉન્ટમાં રાખ્યા હતા, જેથી તેને તરત જ ઈરાનની કંપનીના ખાતામાં પરત 
મોકલાયા હતા. 
સાયબર ક્રાઈમના પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એન. ચૌધરી અને પીએસઆઈ ડી.ડી. રહેવરે આઈપી એડ્રેસની મદદથી બનાવટી ઈ-મેઈલ બનાવનારા સુધી પહોંચવા પ્રયાસ કર્યો હતો. જેમાં આઈપી એડ્રેસ વિદેશનું હોવાનું જણાયું હતું. પોલીસે તેને ટ્રેસ કરવાનો સતત પ્રયાસ કર્યો હતો, પરંતુ તે બાઉન્સ થતું હતું. વિદેશની કોઈ ગેંગ રાજ્યના ઉદ્યોગો સાથે છેતરપિંડી કરવા મથી રહી હોવાનું પોલીસ માને છે.