ભોપાલ, તા.9 સપ્ટેમ્બર 2019, સોમવાર
છેલ્લાં બે દિવસથી સતત પડી રહેલા સાંબેલાધાર વરસાદે મધ્ય પ્રદેશના એક કરતાં વધુ શહેરોનાં જનજીવનને ઠપ કરી નાખ્યાં હતાં. જિલ્લાધિકારીએ સ્કૂલ કૉલેજો બંધ રાખવાની જાહેરાત કરી હતી.ખાસ કરીને ભોપાલ, વિદિશા અને સિહોરમાં ઠેર ઠેર પાણી ભરાણાં હતાં અને લોકોનાં ઘરોમાં પણ ફૂટથી દોઢ ફૂટ જેટલાં પાણી ભરાઇ જતાં લોકોની પરેશાનીમાં વધારો થયો હતો. પાર્વતી નદી તોફાને ચડી હતી તો જબલપુરમાં નર્મદા નદી પર બાંધેલો બરગી ડેમ છલોછળ થઇ જતાં બંધના 21 દરવાજા ખોલવામાં આવ્યા એટલે સમગ્ર જબલપુરમાં ઠેર ઠેર પાણી ભરાઇ ગયાં હતાં.
રામપુરા વિસ્તારમાં પણ મૂશળધાર વરસાદના કારણે સડકો જળમગ્ન થઇ ગઇ હતી. લાલબાગ વિસ્તારમાં દુકાનો અને ઘરોમાં પાણી ઘુસ્યાં હતાં. કેટલાંક ઘરોની બહાર પાર્ક કરેલી બાઇક પાણીના ધસારામાં વહેતી થઇ ગઇ હતી. લોકોએ પોતાનાં વાહનોને વહી જતાં અટકાવવા ભારે પ્રયાસો કર્યા હતા.