સેન્ટ્રલ સ્કૂલ-3ના 40 બાળકોથી ભરેલી બસની સાથે અતિશય સ્પીડમાં આવી રહેલી એક બીઆરટીએસ બસ અથડાઈ ગઈ. અથડામણ એટલી ભયાનક હતી કે સ્કૂલૂલ આખી પલટી ખાઈ ગઈ. આ જ દરમિયાન 2 બાળકીઓ સહિત કંડક્ટર ઉછળીને રસ્તા પર પડ્યા અને કચડાઈ ગયા. અકસ્માત બુધવારે બપોરે 12.25 વાગે નયા રાયપુરના સીબીડી ચોક પર થયો. ઘાયલ થયેલા 6 બાળકો અને સ્કૂલબસ ડ્રાઈવર ચંડીદાસ મંડલ હોસ્પિટલમાં દાખલ છે. હાલ તેમની પરિસ્થિતિ ખતરાની બહાર છે. 5-15 વર્ષો સુધીના બાળકોને લઈને સ્કૂલબસ 8મી બટાલિયન (માના) પાછી ફરી રહી હતી. મોટાભાગના બાળકો પોલીસકર્મીઓના છે. જ્યારે બીઆરટીએસની બસ કર્મચારીઓને મંત્રાલય મૂકીને પાછી ફરી રહી હતી.
બદનસીબ ઘડિયાળ
– અકસ્માત પછી ક્ષતિગ્રસ્ત બસોને પોલીસ લઈ ગઈ. પરંતુ, એક ઘડિયાળ જે 12.25 વાગે તૂટીને બંધ થઈ ગઈ હતી તે ત્યાં જ રહી ગઈ. અનુમાન છે કે ઘડિયાળ કોઈ એક માસૂમની કે પછી કંડક્ટરની હશે, જે બસમાંથી પડ્યા અને બરાબર 12.25 વાગે ઘડિયાળની સાથે તેમની જિંદગી પણ ત્યાં અટકી ગઈ.
– ચોથી અને 8મી બટાલિયન અને માના બસ્તીના પેરેન્ટ્સે ભેગા મળીને બાળકોના સ્કૂલે આવવા-જવા માટે ખાનગી બસ કરી હતી. તેમાં સુપ્રીમ કોર્ટની 20 પોઇન્ટ્સની ગાઇડલાઈનનું પાલન નથી કરવામાં આવ્યું. સ્કૂલબસ સુદ્ધાં નથી લખવામાં આવ્યું.
પરીક્ષા પૂરી થયા પછી સ્કૂલે હાફ-ડે પછી રજા આપી, અમારી આખી બસ પલટી ગઈ
પહેલા ધોરણમાં ભણતા 10 વર્ષના કુણાલ કુર્રેએ જણાવ્યું કે, બુધવારે જ અમારી પરીક્ષા પૂરી થઈ હતી. સ્કૂલે હાફ-ડે પછી રજા આપી દીધી હતી. મારી બહેન એની અને તેની બહેનપણી દુર્ગેશ્વરી વાત કરી રહ્યા હતા કે હવે આરામ કરીશું અને ખૂબ રમીશું. દિવાળીની ખરીદી કરવા માટે પણ જઈશું. ત્યારે જ અચાનક બહુ જોરથી અવાજ આવ્યો અને અમારી બસ આખી પલટી ગઈ. હું ચોથી લાઈનની સીટ પર બેઠો હતો. બસ જ્યારે અટકી અને અમે ઉતર્યા તો રસ્તા પર લોહી જ લોહી ફેલાયેલું હતું. મારી બહેન કાવ્યા (11) પણ બસમાં બેઠી હતી જે મારી સાથે જ હોસ્પિટલમાં દાખલ થયેલી છે. મદિરહસૌદ પોલીસ સ્ટેશનના અધિકારી જીતેન્દ્ર વર્મા બોલ્યા કે બીઆરટીએસ બસ ડ્રાઈવર સાજિદ અલી અકસ્માત પછી ફરાર થઈ ગયો હતો, સાંજે સરન્ડર કરી દીધું.
આમના થયાં મોત
અકસ્માતમાં ત્રીજા ધોરણની 9 વર્ષીય એની કુર્રે અને 5મા ધોરણની 12 વર્ષીય દુર્ગેશ્વરી ધુર્વેના સ્થળ પર જ મોત થઈ ગયા. કંડક્ટર નરેશ સોનીએ પણ ત્યાં જ દમ તોડી દીધો. એનીના પિતા મોહન કુર્રે અને દુર્ગેશ્વરીના પિતા ધનીરામ બટાલિયનમાં તહેનાત છે.
દીકરીની બહેનપણીઓને વળગી પડી મા અને પૂછ્યું- ક્યાં છે મારી બાળકી? બધા રડવા લાગ્યા
અકસ્માતમાં માસૂમ એનીને ખોઈ દેનારી પાર્વતીએ આંબેડકર હોસ્પિટલના મેઇન ગેટ પર પોતાની દીકરીની બહેનપણીઓને જોઇ તો તેને વળગીને રડવા લાગી. પૂછવા લાગી કે એની ક્યાં છે. તેના કારણે ત્યાં હાજર તમામ બાળકીઓ ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડી.
બાળકોને શોધતું રહ્યું મેનેજમેન્ટ
આંબેડકરના ટ્રોમા સેન્ટરમાં ફક્ત એક વિદ્યાર્થીને દાખલ કરવામાં આવ્યો હતો. સાંજ સુધી એ સ્પષ્ટ ન થઈ શક્યું કે અકસ્માતમાં ઘાયલ કયા વિદ્યાર્થીને કઇ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. તે સાંજે 5 વાગે જ સ્પષ્ટ થઈ શક્યું. આ માટે સ્કૂલ મેનેજમેન્ટ અને પ્રાચાર્ય હોસ્પિટલોમાં દોડાદોડ કરતા રહ્યા.
આ છે જવાબદાર લોકોના જવાબ
અનિયંત્રિત બસો પર કાર્યવાહી કરીશું: રાયપુરના આઇજી દીપાંશુ કાબરાએ કહ્યું કે, અકસ્માત દર્દનાક છે. હવે શહેર અને બહાર સિટીબસને ક્યાંય પણ રોકીને તપાસ કરીશું. બેકાબૂ સ્પીડ જોવા મળશે તો કાર્યવાહી કરીશું.
એએનવીપીના સીઇઓ રજતકુમારે જણાવ્યું કે સ્પીડ ગવર્નર લાગ્યા હોવા છતાંપણ અતિશય સ્પીડની ફરિયાદ કેમ આવી રહી છે તેની તપાસ કરીશું. બીઆરટીએસની બસોમાં સ્પીડ ગવર્નર લાગ્યું છે. મહત્તમ સ્પીડ 60ની સેટ છે. તપાસ કરીશું કે તે પછી પણ સ્પીડ વધુ હોવાની ફરિયાદો કેમ સામે આવી રહી છે.
બસનો માલિક પરમવીર સિંહ જણાવે છે કે મારી બસો એસી છે અને કોલેજમાં અટેચ્ડ છે એટલે સ્કૂલબસ નથી લખ્યું. બાકી તથ્યોની મને પોતાને પણ જાણ નથી.