જુગારીઓ પાસેથી ૫.૬૨ લાખના માલ જપ્ત કર્યો

0
22
મ્યુનિ. ઓફિસરના ફ્‌લેટમાં જુગાર : ૧૫ની ધરપકડ થઈ

પથારીવશ યુવકે પૈસા માટે મિત્રને રોજના ૨૦૦૦ રૂપિયા લેખે ઘરમાં જુગાર રમવા જગ્યા ભાડે આપી હતી

અમદાવાદ
અમદાવાદમાં જુગારની પ્રવૃતિ જનમાષ્ટમી નજીક આવતા તીવ્ર બની ગઈ છે. સાથે સાથે પોલીસ પણ વધુ સક્રિય થઈ ગઈ છે અને બાતમીના આધાર પર કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી ચુકી છે. આના ભાગરૂપે અમદાવાદ શહેરના કાંકરિયા ઢોર બજાર પાસે આવેલા મ્યુનિસિપલ ઓફિસર ફ્‌લેટમાં ચાલતા જુગારધામ પર પીસીબીની ટીમે દરોડો પાડી ૧૫ જુગારીઓને ઝડપી લીધાં હતાં. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો પણ સામે આવી હતી કે, જે મકાનમાં જુગારધામ ઝડપાયું તેનો મકાન માલિક લીવર શિરોશીસની બીમારીથી પીડાય છે અને પથારીવશ છે અને તેથી દવા અને સારવારના પૈસા મેળવવા માટે તેના મિત્રને કહી મકાનમાં જુગાર રમવા દેતો હતો જેનું દરરોજનું ૨૦૦૦ રૂપિયા ભાડું લેતો હતો. પોલીસે તમામ જુગારીઓની ધરપકડ કરી તેઓની પાસેથી રૂ.૫.૬૨ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. પીસીબીની ટીમને બાતમી મળી હતી કે, કાંકરિયા જુના ઢોર બજાર પાસે આવેલા મ્યુનિસિપલ ઓફિસર ફ્‌લેટમાં ૧/૧૦ નંબરના મકાનમાં મકાન માલિક દિપક રાવલ અને આશિષ ઠક્કર જુગાર રમાડે છે.

જે માહિતીના આધારે પીએસઆઇ ડી.ડી. ચૌધરી અને ટીમે મકાનમાં દરોડો પાડ્‌યો હતો. પોલીસે તીન પત્તીનો જુગાર રમતા ૧૫ શખ્સને રોકડ રૂ.૧.૮૧ લાખ, ૧૫ મોબાઈલ, ૯ વાહનો સાથે ઝડપી લીધાં હતાં.પોલીસે આરોપી આશિષની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે બહારથી ફોન કરી તે માણસોને જુગાર રમવા બોલાવતો હતો. મકાનમાં જુગાર રમાડવા બદલ તેના મિત્ર દિપકને દરરોજના ૨૦૦૦ રૂપિયા ભાડું ચૂકવતો હતો. તેનો મિત્ર દિપક છેલ્લા ૬ માસથી બીમાર છે અને પથારીવશ છે. આરોપી દિપક પાસે આવક ન હોવાથી તેના મિત્રને જુગાર રમવા મકાનમાં જગ્યા ભાડે આપી અને ભાડું લેતો હતો. હાલ આરોપી દિપક પથારીવશ હોવાથી તેની ધરપકડ નથી કરવામાં આવી તેમ પોલીસે જણાવ્યું હતું. જા કે, આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.