જેતપુરના ડીવાયએસપી જે.એમ ભરવાડ ની કાર બિનવારસી હાલતમાં મળી

0
71
બિનવારસી કારથી પોલીસનો યુનિફોર્મ મળ્યો ઃ ભરવાડ ઉપર રૂપિયા ૮ લાખની લાંચ માંગવાનો ગુનો નોંધાયો છે

અમદાવાદ, તા.૮
રાજકોટમાં રૂપિયા આઠ લાખની લાંચ માગવાના કેસમાં જેતપુરના ડીવાયએસપી જે.એમ ભરવાડ જે હાલમાં ફરાર છે ત્યારે એસ.જી હાઈવે પર કારગીલ પેટ્રોલપંપ પાસેથી બિનવારસી હાલતમાં એક કાર મળી આવી છે. જેને પગલે સમગ્ર પ્રકરણમાં ઘેરૂ રહસ્ય અને અનેક અટકળો સર્જાયા છે. પોલીસે બિનવારસી કારને જપ્ત કરી આ પ્રકરણમાં ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. એટલું જ નહી, કારગીલ પેટ્રોલપંપ પાસેથી મળી આવેલી આ કારમાંથી પોલીસને જે.એમ.ભરવાડના નામનો યુનિફોર્મ પણ મળી આવ્યો છે. જેથી પોલીસ એવું અનુમાન લગાવી રહી છે કે, આ યુનિફોર્મ ડીવાયએસપી જે.એમ. ભરવાડનો હોઈ શકે છે.આ સમગ્ર મામલે એ ડિવિઝન એસીપી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, ટ્રાફિક પોલીસને ગઈકાલે રાત્રે કારગીલ પેટ્રોલપંપ પાસેથી એક કાર મળી આવી હતી. જેમાં બે મોબાઈલ ફોન અને જે.એમ ભરવાડનો યુનિફોર્મ મળ્યો છે. જેથી કાર તેમની હોવાનું લાગી રહ્યું છે. સોલા પોલીસે આ મામલે જાણવાજોગ નોંધ કરી છે અને કારની તેમ જ કારમાંથી મળી આવેલા યુનિફોર્મની ખરાઇ કરી રહી છે કે તે તેમના જ છે કે નહી. ઉલ્લેખનીય છે કે, જે.એમ. ભરવાડે આર્મ્સ એક્ટના ગુનામાં નામ નહીં ખોલવા ફરિયાદી પાસે રૂપિયા ૮ લાખની લાંચ માંગી હોવાની ફરિયાદ નોંધાઈ છે. ત્યારે હજી સુધી ડીવાએસપી જે.એમ. ભરવાડ આ કેસમાં નાસતા ફરતા હોઇ પોલીસ પકડથી દૂર છે પરંતુ પોલીસે તેમને પકડવાના ચક્રો તેજ બનાવ્યા છે.