દુનિયાભરમાંથી માત્ર મુઠ્ઠીભર લોકો માટે વર્ષ ૨૦૨૦ સારું નિવડયું છે. આવા લોકોમાં અભિનેત્રી તાપસી પન્નુના નામનો સમાવેશ પણ થાય છે.કોવિડ-૧૯ને ફેલાતો અટકાવવા માર્ચ મહિનામાં આખા દેશમાં તાળાબંધી લાગૂ કરવામાં આવતાં સંખ્યાબંધ ફિલ્મોને ઓટીટી પર રજૂ કરવાની નોબત આવી. પણ સદ્નસીબે તાપસીની ‘થપ્પડ’ ફેબુ્રઆરી મહિનામાં જ રજૂ થઈ ગઈ હતી અને તેને સારો પ્રતિસાદ પણ મળ્યો હતો.
મઝાની વાત એ છે કે ઓક્ટોબર મહિનામાં ફરીથી સિનેમાઘરો ખોલવામાં આવ્યા ત્યારબાદ દર્શકોને સિનેમાઘરો સુધી ખેંચી લાવવા પ્રારંભિક તબક્કામાં ફરીથી ‘થપ્પડ’ જ રજૂ કરવામાં આવી.
ટોચ પર પહોંચ્યા પછી પડી જવાની ભીતિ સતાવે છે
લોકડાઉન ખુલ્યા પછી પણ ઘણાં કલાકારો પાસે ખાસ કામ નથી. જ્યારે તાપસી પાસે કામ કરવા ‘રશ્મિ રોકેટ’, ‘લૂપ લપેટા’, ‘હસીન દિલરૂબા’ અને ‘શાબાસ મિઠુ’ જેવી ચાર ચાર ફિલ્મો છે. તાપસી કહે છે કે મને હજી ‘રશ્મિ રોકેટ’નું કામ પૂરું કરવાનું છે. મારી પાસે ખરા અર્થમાં શ્વાસ લેવાનીય ફુરસદ નથી.